શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં કોની સરકાર બનશે? આર્મી ચીફની મોટી જાહેરાત
- દેશમાં કર્ફ્યુ કે કોઈ ઈમરજન્સીની જરૂર નથી, અમે આજ રાત સુધીમાં સંકટનો ઉકેલ શોધી લઈશું: આર્મી ચીફ
ઢાકા, 5 ઓગસ્ટ: બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે તખ્તા પલટો થયો છે. શેખ હસીનાએ વડાપ્રધાનના પદ પરથી પોતાનું રાજીનામું આપી દીધું છે અને સેનાએ દેશની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશના આર્મી ચીફે મોટી જાહેરાત કરી છે. તેમણે દેશને સંબોધન કરતાં કહ્યું છે કે, “અમે વચગાળાની સરકાર બનાવીશું અને દેશ અત્યારે વચગાળાની સરકાર ચલાવશે.” આ સિવાય આર્મી ચીફે તમામ પક્ષોની બેઠક પણ બોલાવી છે. આર્મી ચીફે એમ પણ કહ્યું છે કે, “અમે તમામ પક્ષો સાથે વાત કરી છે. પ્રદર્શનકરીઓની માગણીઓ પર વિચાર કરવામાં આવશે.”
Watch: “New government will take over,” said Bangladesh Army Chief Waker Uz Zaman, While addressing the country pic.twitter.com/zt24JvGzjP
— IANS (@ians_india) August 5, 2024
બાંગ્લાદેશના આર્મી ચીફે પ્રેસ કોન્ફરન્સમાં શું વાત કહી?
બાંગ્લાદેશના આર્મી ચીફે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘સેના સાથેની ચર્ચામાં મુખ્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર હતા. વિદ્યાર્થીઓને શાંત રહેવા અને ઘરે પાછા જવા વિનંતી કરવામાં આવી છે. દેશમાં કર્ફ્યુ કે કોઈ ઈમરજન્સીની જરૂર નથી, અમે આજ રાત સુધીમાં સંકટનો ઉકેલ શોધી લઈશું. પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. તેથી હવે દેશનું સંચાલન વચગાળાની સરકાર કરશે.”
સમગ્ર મામલો શું છે?
બાંગ્લાદેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને શેખ હસીનાએ ઢાકા છોડી દીધું છે. આ દરમિયાન ઢાકામાં વડાપ્રધાનના હાઉસમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા છે. આંદોલનકારીઓએ ઘણા મહત્ત્વના રસ્તાઓ પણ કબજે કરી લીધા છે. ઈન્ટરનેટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન મુખ્ય વિપક્ષી પાર્ટી BNPના કાર્યકર્તાઓ સત્તાધારી અવામી લીગના કાર્યકરોને નિશાન બનાવતા મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
આ પણ જૂઓ: શેખ હસીના ભારતમાં શરણાગતિ લઈ શકે છે, ઢાકા છોડીને નીકળી ગયાં બાંગ્લાદેશનાં વડાંપ્રધાન