કોંગ્રેસ કોને ન્યાય અપાવશે? સુરત બાદ રાજકોટના પીડિત પરિવારો યાત્રામાં નહીં જોડાય
રાજકોટ, 09 ઓગસ્ટ 2024, ગુજરાત કોંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધી ન્યાયયાત્રા શરૂ કરી છે. આ યાત્રા દ્વારા ગુજરાતમાં દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે સંદેશો આપવાનો હેતુ છે. ત્યારે સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારોએ કોંગ્રેસની આ યાત્રામાં જોડાવાનો ઈનકાર કર્યો છે. તેની સાથે હવે રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો પણ કોંગ્રેસની યાત્રામાં નહીં જોડાય તેવું નિવેદન આપી રહ્યાં છે.
મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા રવિવારે રાજકોટ પહોંચશે
રાજકોટ અગ્નિકાંડના 27 પરિવારો પૈકીના 17 જેટલા પરિવારો કોંગ્રેસની યાત્રામાં નહીં જોડાય તેવું નિવેદન આપ્યું છે. આ પરિવારોનું કહેવું છે કે, કોંગ્રેસની ન્યાય યાત્રાથી અમને કોઈ ન્યાય નથી મળવાનો, અમને ન્યાય કોર્ટ આપશે. રાજ્ય સરકારે અમારી તમામ માંગો સ્વીકારી છે અને આ કેસમાં અમારા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી છે. અમારા માટે તિરંગા યાત્રા અને ન્યાયયાત્રા કોઈ મહત્વ ધરાવતી નથી. અમારે ન્યાય જોઈએ છે તો એ અમને કોર્ટ આપશે. કોંગ્રેસની ન્યાય યાત્રા રવિવારે રાજકોટ પહોંચશે.
અગાઉ રાહુલ ગાંધી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને મળ્યા હતાં
સુરત બાદ રાજકોટના પીડિત પરિવારો પણ કોંગ્રેસની યાત્રાથી વિમુખ થતાં હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે કોંગ્રેસ કોના માટે યાત્રાઓ કાઢી રહી છે અને કોને ન્યાય અપાવશે. અગાઉ રાહુલ ગાંધી જ્યારે અમદાવાદ આવ્યા હતાં ત્યારે તેમણે ગુજરાતમાં દર્ઘટનાઓથી પીડિત પરિવારો સાથે રાજીવ ગાંધી ભવન સાથે ચર્ચાઓ કરી હતી અને તેમના મુદ્દા સંસદમાં ઉઠાવવા માટે ખાતરી આપી હતી. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા આ પરિવારોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે અંગે પણ ચર્ચાઓ કરી હતી. પરંતુ હવે કોંગ્રેસની યાત્રામાં સુરત અને રાજકોટની દુર્ઘટનાઓના પીડિત પરિવારો ન્યાય યાત્રામા નહીં જોડાય તેવા નિવેદન આપી રહ્યાં છે.
આ પણ વાંચોઃકોંગ્રેસની ન્યાય યાત્રામાં સુરતના તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોના વાલીઓ નહીં જોડાય