કોણ બનશે લોકસભાના સ્પીકર? આજે બપોરે નામની થશે જાહેરાત, આવતીકાલે ચૂંટણી
- લોકસભા અધ્યક્ષના નામને લઈને એનડીએના સાથી પક્ષોએ ભાજપને સમર્થન આપ્યું છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે 18મી લોકસભાના સ્પીકર ભાજપમાંથી જ ચૂંટાશે
દિલ્હી, 25 જૂન: 18મી લોકસભાના સંસદ સત્રનો આજે બીજો દિવસ છે. મંગળવારે બપોરે 12 વાગ્યા સુધીમાં સંસદમાં લોકસભા અધ્યક્ષનું નામ નક્કી કરવામાં આવશે. તે નિશ્ચિત છે કે સ્પીકર ભારતીય જનતા પાર્ટી (BJP) ના જ હશે, કારણ કે NDAના સહયોગી પક્ષોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ જેને પણ નોમિનેટ કરશે, એનડીએના સાથી પક્ષો તેને સમર્થન આપશે. 18મી લોકસભા સ્પીકર માટે ઘણા નામો પર ચર્ચા થઈ રહી છે.
ઓમ બિરલા સિવાય આ નામોની પણ થઈ રહી છે ચર્ચા
હાલમાં ઓમ બિરલાનું નામ લોકસભા સ્પીકરની રેસમાં સૌથી આગળ છે. રાજસ્થાનના કોટાના સાંસદ ઓમ બિરલા 17મી લોકસભામાં સ્પીકર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓમ બિરલાની સાથે આંધ્ર પ્રદેશ બીજેપી અધ્યક્ષ ડી પુરંદેશ્વરી, બીજેપીના વરિષ્ઠ નેતા રાધામોહન સિંહ અને ભર્ત્રીહરિ મહતાબના નામ પણ ચર્ચાઈ રહ્યા છે જેના પર ભાજપ ચર્ચા કરી રહ્યું છે. ભર્તૃહરિ મહતાબ હાલમાં પ્રોટેમ સ્પીકર છે.
ભાજપને સાથી પક્ષોનો મળ્યો સાથ
લોકસભા અધ્યક્ષ પદને લઈને ભાજપ આત્મવિશ્વાસથી ભરપૂર છે. ભાજપને સાથી પક્ષોનું સમર્થન મળ્યું છે. 18 જૂનના રોજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને NDA સહયોગી પક્ષોના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. માનવામાં આવે છે કે આ બેઠકમાં લોકસભા અધ્યક્ષ પદ માટે સર્વસંમતિ બની હતી. જેડીયુ અને ટીડીપીએ પણ લોકસભા સ્પીકર પદ માટે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે.
વિપક્ષ શું રણનીતિ બનાવી રહ્યું છે?
સ્પીકરની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સર્વસંમતિને લઈને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો, પરંતુ જે રીતે પહેલા દિવસે લોકસભાની અંદર પ્રોટેમ સ્પીકરનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેને જોઈને સ્પષ્ટ થાય છે કે વિપક્ષ કયા ઈરાદા સાથે આયોજન કરી રહ્યો છે?
શું આ વખતે ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવશે?
વર્ષ 2014માં ભાજપે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી અને સુમિત્રા મહાજનને લોકસભાના સ્પીકર બનાવ્યા હતા. તે સમયે AIADMKના એમ. થમ્બીદુરાઈને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં આવ્યું હતું. 2019માં ભાજપના ઓમ બિરલા 17મી લોકસભાના સ્પીકર બન્યા હતા પરંતુ લોકસભામાં ડેપ્યુટી સ્પીકર ચૂંટાયા ન હતા. આ પદ સમગ્ર કાર્યકાળ દરમિયાન ખાલી રહ્યું હતું. હવે આજે સ્પીકરના નામ સામે આવવાની સાથે ડેપ્યુટી સ્પીકર અંગેની રણનીતિ પણ સામે આવી શકે છે.
આ પણ વાંચો: કેરળનું નામ કેરલમ કરવાનો પ્રસ્તાવ પાસ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરીની રાહ