અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોને કોને મળ્યાં આમંત્રણ?
- રામ મંદિરમાં અભિષેક 22 જાન્યુઆરીએ બપોરે 12 થી 12.45 સુધી થશે.
- જેની શરૂઆત વારાણસીના સંત લક્ષ્મીકાંત કરશે.
- રામ ભક્તો બીજા દિવસથી જ રામલલાના દર્શન કરી શકશે.
અયોધ્યા, 30 ઑક્ટોબરઃ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે. આ દરમિયાન રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પૂજાથી લઈને મંદિરના આમંત્રણ સુધીની તમામ માહિતી શેર કરી છે. મંદિર તરફથી કહેવામાં આવ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યાથી 12.45 વાગ્યા સુધી થશે જેની શરૂઆત વારાણસીના સંત લક્ષ્મીકાંત કરશે.તેના બીજા દિવસથી જ રામ ભક્તો ભગવાન રામના દર્શન કરી શકશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 16 જાન્યુઆરીથી શરૂ થવાની સંભાવના છે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. રામ મંદિર ટ્રસ્ટ વતી ચાર પ્રતિનિધિમંડળની ટીમે પીએમને સૌજન્ય સ્વરૂપે મુલાકાત કરી અને તેમને આમંત્રણ આપ્યું હતું.આરએસએસ વડા મોહન ભાગવત પણ પૂજામાં ભાગ લેશે. આ સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ પ્રોટોકોલ શિષ્ટાચાર મુજબ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે.
સંતો, વૈજ્ઞાનિકો, હુતાત્માઓના પરિવારો અને કલાકારોને પણ આમંત્રણ
ચંપતરાયે જણાવ્યું હતું કે, દેશની તમામ પૂજા પ્રણાલીના 4,000 સંતો પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે. સંત સમુદાય ઉપરાંત વૈજ્ઞાનિકો, કલાકારો, પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતાઓના પરિવારો, હુતાત્મા કાર સેવકોના પરિવારો જેવા વિવિધ ક્ષેત્રના 2,500 લોકોને પણ આમંત્રિત કરવામાં આવશે. રામ જન્મભૂમિ સંકુલની અંદર બેસવાની મર્યાદા છે. પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રિત મહેમાનોએ ફરજિયાતપણે આધાર કાર્ડ લાવવાનું રહેશે.
પીએમ મોદી પૂજા કરશે
પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન સૌ પ્રથમ વડાપ્રધાન પૂજા કરશે. આ પછી જ આમંત્રિત મહેમાનો રામલલાના દર્શન કરી શકશે. પૂજા દરમિયાન રામજન્મભૂમિ સંકુલમાં 3 કલાકથી વધુ સમય સુધી બેસી રહેવું પડશે. માટે ટ્રસ્ટ દ્વારા વૃદ્ધ અને અસ્વસ્થ મહેમાનોને અભિષેક બાદ દર્શન માટે આવવા અપીલ કરવામાં આવી છે.
ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે રામ મંદિર આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર લોકોના પરિવારના સભ્યોને પણ અભિષેક માટે આમંત્રિત કરવામાં આવશે. આ સિવાય 100 થી વધુ પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માલિકોને પણ આમંત્રિત કરવામાં આવશે.
આ પણ વાંચો, “ક્રિકેટ સાથે મારે કોઈ સંબંધ નથી, વૉટ્સએપ મેસેજ પર વિશ્વાસ ન કરો” રતન ટાટાને કેમ આવું કહેવું પડ્યું ?