ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

કોણ હતા ભારતરત્ન ડો.સી.વી.રામન, જેમના નામ પર ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ની ઉજવણી થાય છે ?

આજે વિજ્ઞાન ક્ષેત્રે ભારતની અમૂલ્ય સિદ્ધિઓને યાદ કરવાનો દિવસ છે. 28 ફેબ્રુઆરી એટલે કે, ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’! આ દિવસની ઉજવણી સાથે એક મહાન ભારતીય વૈજ્ઞાનિકનું નામ સંકળાયેલું છે! અને એ નામ એટલે ભારતરત્ન ડૉ.સી.વી.રામન. બાળક ચંદ્રશેખર વેંકટ રામન શાળામાં ભણતાં ત્યારે તેમને પણ કલ્પના નહોતી કે, એક દિવસ આગળ જઇને હું પ્રકાશ ક્ષેત્રે સંશોધન કરી ‘રામન ઇફેક્ટ’ નામની થીયરીની દુનિયાને ભેટ આપીશ! અને નોબેલ પ્રાઇઝ પણ પ્રાપ્ત કરીશ! દક્ષિણ ભારતમાં જન્મેલા ચંદ્રશેખર અભ્યાસમાં શાળા કક્ષાએથી જ તેજસ્વી હતા. પિતા ગણિત અને ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર એટલે ભૌતિકશાસ્ત્રના જ્ઞાનનો વારસો બાળપણથી જ મળ્યો હતો. તેઓ મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજમાંથી અવ્વલ નંબરે સ્નાતક થયા હતા.

શું છે રામન ઇફેક્ટ

કેવી રીતે તેમની કારકિર્દીની શરૂઆત થઈ ?

ભૌતિકશાસ્ત્રમાં તેમનો રસ એવો હતો કે, ડિગ્રી મળે એ પહેલા જ રિસર્ચ પેપર તૈયાર કરી નાંખ્યું હતું! વિષય હતો ‘વિવિધ માધ્યમો સાથે પ્રકાશના તરંગોની વર્તણુક!’ આ રિસર્ચ પેપર ડૉ. રામને પોતાની કોલેજમાં ભૌતિક વિજ્ઞાન ભણાવતા પ્રોફેસરને પણ વાંચવા મોકલ્યું હતું, પરંતું 19 વર્ષીય છોકરો પ્રકાશ જેવાં ગહન વિષયમાં ઉંડો ઉતર્યો હોય! એ વાતમાં દમ ન લાગતાં તેમણે રિસર્ચ પેપરને ટેબલના ખાનામાં મૂકી દીધું! રિસર્ચ પેપર પર કોઈ પ્રતિસાદ ન મળતાં તેમણે ફિલોસોફિકલ મેગેઝિનને આ રિસર્ચ પેપર મોકલી આપ્યું. આ વિજ્ઞાન સામયિકમાં દુનિયાભરના વૈજ્ઞાનિક સંશોધનો અને શોધો વિષયક લેખ એ સમયે પ્રગટ થતાં હતાં. આ મેગેઝિન જગતમાં ઉંચેરી શાખ ધરાવતું! અને બન્યું એવું કે, ચંદ્રશેખરનું રિસર્ચ પેપર મેગેઝિનમાં પ્રસિદ્ધ થયું! પછી તો ચંદ્રશેખરનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થયો! અને પ્રકાશ વિષયને લઇ વધુ એક અભ્યાસ લેખ લખીને મેગેઝિનને મોકલ્યો.

ચંદ્રશેખરના પ્રકાશ વિષયક ગહન અભ્યાસથી ફિલોસોફિકલ મેગેઝિનના નોબેલ વિજેતા તંત્રી લોર્ડ રેલે અત્યંત પ્રભાવિત થયા, તેમણે પ્રો.ચંદ્રશેખર! સંબોધન સાથે અભિનંદન પાઠવતો પત્ર પણ ચંદ્રશેખરને લખ્યો! બ્રિટન નિવાસી રેલેને એ ખબર પણ નહોંતી કે, અભ્યાસ લેખ જેણે લખીને મોકલ્યોં તે હકીકતમાં કોઈ પ્રોફેસર નહીં, પણ 19-20 વર્ષીય વિદ્યાર્થી છે! હવે અહીંથી ચંદ્રશેખરની અસામાન્ય બનવા તરફની યાત્રા શરુ થવાની હતી! વધુ અભ્યાસ અર્થે લંડન જવું શક્ય નહોંતું અને પિતાને પરિવારની આર્થિક જવાબદારીઓમાં મદદ પણ કરવી જરૂરી હતી એટલે પરીક્ષા પાસ કરીને કલકત્તા ખાતે ભારતીય નાણા વિભાગની સરકારી નોકરીમાં જોડાયા. આ સાથે વતન છૂટ્યું અને રસના વિષયનો અભ્યાસ પણ ઘટ્યો! નસીબ પણ કરવટ બદલતું હોય છે! અહીં ચંદ્રશેખરની લાઇફમાં યુ ટર્ન આવ્યો! આ સમયે કલકત્તામાં આશુતોષ ડે અને અમૃતલાલ સિરકાર સાયન્સ સોસાયટી ચલાવતાં હતાં. ચંદ્રશેખર તેમના સંપર્કમાં આવ્યા અને ફરીથી સમયે કરવટ લીધી! આ બંનેએ ભારતના રતનને પારખી લીધું અને ચંદ્રશેખરનો પ્રકાશ વિશ્વ આખામાં ફેલાય તે માટેના પ્રયત્નો આદર્યા! નોકરી છોડાવીને આશુતોષ ડેએ ચંદ્રશેખરને કલકત્તાની એક યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના અધ્યક્ષ તરીકે નિમણુક અપાવી! સમય જતાં ચંદ્રશેખર, ડો.સી.વી.રામન તરીકે ઓળખાવા લાગ્યા!

આ પણ વાંચો : સાયન્સ સિટી ખાતે ભવ્ય સાયન્સ કાર્નિવલ 2023નું આયોજન, ક્યારથી થશે શરૂ અને શું છે ખાસ ?

નોબેલ પારિતોષિક સુધીની સફર

1920-21 માં યુરોપમાં એક વૈજ્ઞાનિક અધિવેશન યોજાયું, ત્યાં ડો.રામન પણ પહોંચ્યા. પરત ફરતી વેળાએ સમુદ્રી સફરમાં દરિયાના પાણીને લઇ તેઓ વિચારમગ્ન બન્યા. આ સમયમાં દુનિયાભરના વૈજ્ઞાનિકો એવું માનતાં હતાં કે, વાદળી આકાશમાંથી પરાવર્તિત થતાં પ્રકાશના લીધે દરિયાનું પાણી બ્લ્યુ દેખાય છે. ડૉ. રામને ઇન્ડિયા પરત આવી સાચું કારણ જાણવા પ્રયોગો આદર્યા અને શોધી કાઢ્યું કે, દરિયાનું પાણી બ્લ્યુ દેખાવા પાછળ આકાશ નહીં પરંતુ દરિયાનું પાણી પોતે જ જવાબદાર છે! 28 ફેબ્રુઆરી, 1928ના રોજ 7 થી 8 વર્ષના લાંબા સંશોધન બાદ ડૉ.રામને આ વાત સાબિત કરીને દુનિયા સમક્ષ મૂકી. આ એ જ થીયરી હતી જે આગળ જતાં ‘રામન ઇફેક્ટ’ તરીકે ખ્યાતિ પામી! જેના સન્માનમાં સમગ્ર ભારત વર્ષ 1987થી ‘ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન’ની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે. આ થિયરીના રિસર્ચ પેપર એ જ વર્ષે સ્વીડનમાં સ્ટોકહોમ સ્થિત નોબેલ કમિટિને મોકલવામાં આવ્યા હતા.

નોબેલ પારિતોષિક એનાઉન્સમેન્ટના બે મહિના અગાઉ ડૉ.રામન મનોમન નક્કી કરી ચૂક્યા હતા કે, મને ભૌતિક શાસ્ત્રમાં આ વર્ષનો નોબેલ પુરસ્કાર મળશે જ! ‘RAMAN, AN INDIAN WINS NOBEL PRIZE FOR PHYSICS’ સ્ટોકહોમના એક અખબારમાં 13 નવેમ્બર, 1930ના રોજ આ હેડલાઇન સાથે છપાયેલ સમાચારથી દુનિયા ચોંકી ઉઠી અને ડો.રામને Nobel Prize જીતીને દુનિયામાં ભારતને ગૌરવાન્વિત કર્યું!

શું છે રામન ઈફેક્ટ ?

જ્યારે પ્રકાશ પારદર્શક પદાર્થમાંથી પસાર થાય અથવા અપારદર્શક પદાર્થ થકી પરાવર્તન પામે ત્યારે પ્રકાશપૂંજના અમુક કિરણો તેના મૂળ માર્ગ અને દિશાથી અમુક અંશે ફંટાય જાય છે, જેને પ્રકાશનું વિસ્તરણ (સ્કેટરીંગ) કહેવામાં આવે છે. પ્રકાશ કિરણોની તરંગ લંબાઈ અને આવૃત્તિ બંને બદલાય, જે-તે પદાર્થ પર આધારિત હોય છે. ફંટાયેલ પ્રકાશના વર્ણપટ (એટલે કે, સ્પેક્ટ્રમ) પ્રાપ્ત કરી જે તે પદાર્થના ગુણધર્મો વિશે પણ વિગતે જાણી શકાય છે. આ થીયરીની શોધ ડો.સી.વી.રામને કરી હતી. જેને ‘રામન ઇફેક્ટ’ એવું નામ આપવામાં આવ્યું હતુ. આ શોધ બાદ દુનિયામાં ‘સ્પેક્ટ્રોસ્કોપી’ નામના વિજ્ઞાનની નવી દિશા ખુલી હતી. ડૉ.રામને પ્રકાશ ઉપરાંત ધ્વનિ, રંગ, ખનીજ સહિતના ક્ષેત્રમાં પણ સંશોધનો કર્યા છે. વર્ષ 1929 માં નાઇટહૂડ, વર્ષ 1954માં ભારતરત્ન, વર્ષ 1957માં લેનિન શાંતિ પુરસ્કાર સહિત વિશ્વના અનેક નામાંકિત પુરસ્કાર વિજેતા ડૉ.રામન એક વિશ્વ વિભૂતિ હતા. વર્ષ-૨૦૨૩ ‘ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન’ની થીમ “Global Science for Global Wellbeing” છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ દેશનું સશક્ત ભવિષ્ય એવાં વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રતિ આકર્ષણ જન્મે, તેમને પ્રોત્સાહન મળે ઉપરાંત તેમનામાં વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત્ત કરવાનો છે.

આ વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ

વિજ્ઞાન ક્ષેત્રને લઇ ભારતનો ભવ્ય અને દિવ્ય ભૂતકાળ રહ્યો છે. વર્તમાનમાં ભારત અવકાશ સહિતના ક્ષેત્રમાં અનેક સંશોધનો હાથ ધરીને ‘વિશ્વ સુખાકારી’ અને ‘વિશ્વ કલ્યાણ’માં પોતાની ઉમદા ભૂમિકા નિભાવી રહ્યું છે. ઈસરો આગામી સમયમાં સમાનવ ‘ગગનયાન’ મિશન ગગન સ્પર્શ માટે લોન્ચ કરવા જઇ રહ્યું છે. ભારતની વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ અને સંશોધન એ ભવિષ્યમાં પણ ભારત દેશના ખાતે અનેક વિશ્વ વિક્રમ સ્થાપિત કરીને પોતાની આગવી ગૌરવગાથાને આગળ ધપાવશે.

Back to top button