- ડાયાબિટીસ માટે વપરાતા આર્ટિફિશિયલ સ્વીટનર્સ સામે ચેતવણી
- આર્ટિફિશિયલ સ્વીટનર્સથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ
- ભોજનમાં મીઠાશ શરૂઆતથી જ સંપૂર્ણપણે ઘટાડવી જોઇએ
ડાયાબિટીસ માટે વપરાતા આર્ટિફિશિયલ સ્વીટનર્સ સામે WHOએ ચેતવણી આપી છે. જેમાં આર્ટિફિશિયલ સ્વીટનર આવશ્યક આહાર નથી. તથા તેનું કોઈ પોષણ મૂલ્ય પણ નથી. તેમજ ભોજનમાં ગળપણ શરૂઆતથી જ કાબૂમાં રખાય તે હિતાવહ છે.
ટાઇપ-2 ડાયાબિટીસ અને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીસનું જોખમ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક પ્રચલિત માન્યતાને રદિયો આપતા જણાવ્યું છે કે નોન-સુગર કે આર્ટિફિશિયલ સ્વીટનર્સથી લાંબા ગાળે શરીરની ચરબીમાં કોઇ ઘટાડો નથી થતો. ઊલટાનું આર્ટિફિશિયલ સ્વીટનર્સથી ટાઇપ-2 ડાયાબિટીસ અને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીસનું જોખમ વધી શકે છે. તેથી યુએનની હેલ્થ બૉડી WHOએ વજન કે બિનચેપી રોગોનું જોખમ ઘટાડવા આર્ટિફિશિયલ સ્વીટનર્સના ઉપયોગ સામે એક રિવ્યૂના આધારે લાલબત્તી ધરી છે.
ભોજનમાં મીઠાશ શરૂઆતથી જ સંપૂર્ણપણે ઘટાડવી જોઇએ
WHOના ડાયરેક્ટર ફોર ન્યુટ્રિશન એન્ડ ફૂડ સેફ્ટી ફરાન્સેસ્કો બ્રાન્કાના મતે આર્ટિફિશિયલ સ્વીટનર આવશ્યક આહાર નથી અને તેનું કોઇ પોષણ મૂલ્ય પણ નથી. લોકોએ સ્વાસ્થ્ય સુધારવા માટે ભોજનમાં મીઠાશ શરૂઆતથી જ સંપૂર્ણપણે ઘટાડવી જોઇએ. નવી માર્ગદર્શિકા જેમને પહેલેથી ડાયાબિટીસ હોય તે સિવાયના તમામ લોકો માટે છે. પ્રી-પેકેજ્ડ ફૂડ અને પીણામાં ખાંડના વિકલ્પ તરીકે વપરાતા સિન્થેટિક સ્વીટનર્સનો પણ આર્ટિફિશિયલ સ્વીટનર્સમાં સમાવેશ થાય છે. WHOનો ડેટા સૂચવે છે કે નોન-સુગર સ્વીટનર્સના હાઇ ઇનટેકને સ્થૂળતા સાથે સંબંધ છે, જે વૈશ્વિક પુખ્ત વસ્તીના લગભગ 40 ટકા અને લાખો બાળકોને અસર કરે છે.