પાલનપુરના ચડોતરમાં ઘીની ફેકટરીને કોને સીલ માર્યું, તર્ક- વિતર્ક
પાલનપુર તાલુકાના ચડોતર ગામે કે.બી. લોઝિક પાર્કમાં બાલાજી ફુડ પ્રોડેકટ નામની ઘીની ફેક્ટરી આવેલ છે. આ ફેક્ટરીમાં એક સપ્તાહ પહેલા અમુલ ડેરીના અધિકારીઓ તપાસ અર્થે ગયાં હતા. ઘીની ફેક્ટરીમાં ભળતા નામથી પ્રોડેકટ બનતી હોઈ અને તપાસ દરમિયાન ઘીની ફેક્ટરી બંઘ હતી. જ્યારે ફેકટરી માલિક નેમાજી માળી હોળી ધુળેટીના પર્વમાં પોતાના ઘરે અમદાવાદ ગયેલા હતા. દરમિયાન અમુલ ડેરીના અધિકારીઓ દ્વારા તપાસ દરમિયાન કોઈ હાજર મળતા કોઈપણ જાતની નોટીસ વગર ફેક્ટરીને સીલ મારી દીધી હોવાના ફેકટરી માલિક દ્વારા આક્ષેપો લગાવામાં આવી રહ્યા છે.
અમુલ ડેરીના અધિકારીઓ દ્વારા હાથ કરાયા અધ્ધર
જ્યારે અમુલ ડેરીના અધિકારીઓ અને પાલનપુર તાલુકા પોલીસની ઉપસ્થિતિમાં પંચનામું કર્યા વગર ફેકટરીના સીલ તોડી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં જિલ્લા અધિકારી સહિત ફુડ ઈન્સ્પેકટરો દ્વારા સહુની ઉપસ્થિતિમાં ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે અમુલ ડેરીના અધિકારી દ્વારા જણાવાયું હતું કે, અમુલ ડેરી દ્વારા થોડા દિવસ પહેલા તપાસ હાથ ધરી હતી. પરંતુ ફેક્ટરીને સીલ મારવાની કાર્યવાહી અમુલ ડેરી દ્વારા કરવામાં આવી નથી.
જ્યારે ઘીની ફેક્ટરી માલિકે જણાવ્યું હતું કે, તેઓ દ્વારા સરકાર પાસેથી લાઈસન્સ મેળવી અને ઘી બનાવીને વેચાણ કરી રહ્યા છે. પરંતુ અમુલ ડેરી દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરતાં હોવાના આક્ષેપો લગાવી તેઓ દ્વારા ડેરીના અધિકારીઓ સામે કાનુની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી હતી.
ત્યારે હવે સવાલ ઉભો થાય છે કે, ઘીની બંઘ ફેક્ટરીને સીલ કોણ મારી ગયું હતું. સાત દિવસથી સીલના કારણે ઘીની ફેક્ટરી બંઘ હોઈ વેપારીને મોટું નુકશાન થવા પામ્યું છે, ત્યારે વેપારી નેમાજી માળી દ્વારા અમુલ ડેરીના અધિકારીઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ઘી ફેકટરીને સીલ મારવાનો આ મામલો અત્યારે ચર્ચામાં છે.
આ પણ વાંચો :ઓસ્કાર એવોર્ડના વિજેતાની પસંદગી કેવી રીતે થાય છે? વોટિંગ ક્યારે થાય છે? વોટ કોણ આપે છે?