રાજકારણ માટે એક ઉક્તિ સામાન્ય માણસોમાં ખુબ પ્રચલિત છે અને તે છે કે, રાજકારણીઓ જે કૌભાંડ કરે છે કે કોઇ નાના-મોટા ગેરકાનુની કામો કરે છે તેને સજા નથી મળતી. અલબત આ એક ઉક્તિ છે જે રાજકારણીઓની પહોંચ અને વગને આલેખવામાં વાપરવામાં આવે છે. બાકી અનેક કિસ્સામાં રાજકારણીઓને પણ સજા થય જ છે અને આવા અનેક રાજકારણીઓ હાલમાં પણ જેલની સજા કાપી રહ્યા છે. અલબત્ત મહદ અંશે જેલ થાય તેવા કિસ્સામાં મોટા પ્રકારના ગુનાહો જ હોય છે. નાના-માટા કાંડમાં તો રાજકારણી પોતાની વગ વાપરીને છટકબારી શોધી લેતા હોવાની લોક લાગણી પ્રવતે છે.
લોકોની માન્યતા અને લાગણી ઉપરોક્ત હોઇ શકે છે. પરંતુ રાજકોટ જીલ્લાનાં જેતપુર તાલુકાનાં નવાગઢ નગરપાલિકાના ભાજપના કારોબારી સભ્યને કોર્ટ દ્વારા જેલની સજા સંભળાવામાં આવી છે તે વાત પાક્કી છે. જી હા, નવાગઢ નગરપાલિકાના ભાજપના કારોબારી સભ્ય અને ડુપ્લીકેટ BPL કાર્ડનાં આરોપી જયસુખ ગુજરાતીને જેતપુર ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે 3 વર્ષની જેલની સજા અને 5 હજારનો દંડ ફટકાર્યો છે. આપને જણાવી દઇએ કે, સજા મળી છે તે જયસુખ ગુજરાતી પર 12 વર્ષ પહેલાં ડુપ્લીકેટ BPL કાર્ડ કાઢી આપવાનો કેસ દાખલ થયો હતો અને અંતે કોર્ટ દ્વારા તેમને ગુનેહગાર માની આકરી સજા ફટકારવામાં આવી છે.