કોણ કહે છે નોન-વેજ છે કેલ્શિયમથી ભરપુર? આ વેજ ફુડમાં છે ખજાનો!

- સામાન્ય રીતે એવી ધારણા હોય છે કે નોનવેજ ફુડમાં ભરપુર કેલ્શિયમ હોય છે. ચિકન કે ઈંડા તેના મોટા સોર્સ છે, પરંતુ કેટલાક શાકાહારી ફુડ્સ પણ એવા છે કે જેમાં ચિકન અને ઈંડા કરતા પણ અનેક ગણુ કેલ્શિયમ મળી આવે છે
શરીરને મજબુત બનાવવા માટે પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમથી ભરપુર આહારનું સેવન જરુરી છે. શરીરમાં કેલ્શિયમની કમી થાય તો હાડકા નબળાં પડવા લાગે છે. આપણું આખુ શરીર હાડકાના માળખા પર જ ટકેલું છે. આવા સંજોગોમાં તે સ્ટ્રોંગ હોય તે જરુરી છે. સામાન્ય રીતે એવી ધારણા હોય છે કે નોનવેજ ફુડમાં ભરપુર કેલ્શિયમ હોય છે. ચિકન કે ઈંડા તેના મોટા સોર્સ છે, પરંતુ કેટલાક શાકાહારી ફુડ્સ પણ એવા છે કે જેમાં ચિકન અને ઈંડા કરતા પણ અનેક ગણુ કેલ્શિયમ મળી આવે છે, તેને કેલ્શિયમનો ખજાનો કહી શકાય. આ વેજિટેરિયન ફુડના સેવનથી હાડકા મજબુત બને છે.
કેલ્શિયમ રિચ ફુડ્સ
દુધ-ડેરી પ્રોડક્ટ્સ
આપણા વડીલો હંમેશા દૂધ પીવાની સલાહ આપતા હતા. દૂધને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. અડધા લિટર દૂધમાં 540 મિલિગ્રામ કેલ્શિયમ જોવા મળે છે. જો કોઈના શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો દિવસમાં બે વાર એક કપ દૂધ પીવાથી આ ઉણપને દૂર કરી શકાય છે. આ સાથે દહીં, ચીઝ સહિત અન્ય ડેરી ઉત્પાદનો પણ કેલ્શિયમ વધારવામાં મદદ કરે છે.
સોયાબીન
ઘણા લોકો ખોરાકમાં સોયાબીન તેલનો ઉપયોગ કરે છે. સોયાબીન પણ કેલ્શિયમથી ભરપુર છે અને તેમાં ઈંડા કરતાં અનેક ગણું વધારે કેલ્શિયમ હોય છે. જો તમે વેજિટેરિયન છો તો સોયાબીન તમારા માટે કેલ્શિયમનો સારો સ્ત્રોત બની શકે છે.
સિડ્સ
સિડ્સ આપણા શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપને પૂરી કરે છે. તલ, ફ્લેક્સ સિડ્સ (અળસી), ચિયા સિડ્સ (તકમરિયા), સનફ્લાવર સિડ્સ (સુર્યમુખીના બી), પમ્પકિન સિડ્સ (કોળાના બી) વગેરે ઘણા પોષણનો ભંડાર હોવાની સાથે કેલ્શિયમનો ખજાનો છે. તેને તમારા રુટિનમાં સામેલ કરવાથી હાડકાં મજબૂત થાય છે. જો તમે 100 ગ્રામ સીડ્સનું સેવન કરો છો, તો તમને લગભગ 600 મિલિગ્રામ કેલ્શિયમ મળી જાય છે.
લીલા શાકભાજી
લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે તમારા આહારમાં પાલક, બ્રોકલી, કેળની ભાજી, મેથી, કોબી કે ફ્લાવરના શાકભાજીનો સમાવેશ કરો છો તો કેલ્શિયમની સાથે અન્ય પોષક તત્વોની ઉણપને પણ દૂર કરી શકાય છે. સ્વસ્થ રહેવા માટે લીલા શાકભાજીનું સેવન કરવું જરૂરી છે.
બદામ
જો તમે શિયાળાની ઋતુમાં ડ્રાય ફ્રૂટ્સ ખાતા હોવ તો તેમાં બદામની માત્રા વધારી દો. બદામ શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવામાં મદદ કરી શકે છે. બદામ ખાવાથી મગજ અને હૃદય બંનેના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.
આ પણ વાંચોઃ શિયાળામાં હાડકાંનો દુખાવો થાય છે? તો ખાવાનું શરૂ કરો આ ચીજો