સમલૈંગિક સેક્સ કરતા લોકો સાવધાન ! મંકીપોક્સને લઈ WHOની ચેતવણી


મંકીપોક્સ વાયરસ સામે રક્ષણ આપવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પુરુષોને એક કરતા વધુ પાર્ટનર સાથે સમલૈંગિક સંબંધ ન રાખવાની સલાહ આપી છે. આફ્રિકામાં છેલ્લા ઘણા સમયથી મંકીપોક્સના કેસો જોવા મળી રહ્યા છે, પરંતુ આ વખતે તેણે મોટો વિસ્તરણ કર્યો છે. ભારત સહિત 80 દેશોમાં મંકીપોક્સના 15,000 થી વધુ કેસ મળી આવ્યા છે. ફ્રાન્સ જેવા દેશમાં મંકીપોક્સના લગભગ 2000 કેસ નોંધાયા છે. મંકીપોક્સ એ પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતો રોગ છે. તે આસાનીથી ફેલાતો નથી, પરંતુ મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતા પલંગ પર સૂવાથી અથવા સાથે ખાવાથી અને ત્વચાથી ચામડીના સંપર્કથી આ રોગ ફેલાય છે.

સમલૈંગિક લોકો વધુ પાર્ટનર સાથે ન બનાવે સંબંધઃ WHO
અમેરિકા અને યુરોપના દેશોમાં મંકીપોક્સના કેસો સમલૈંગિક સંબંધ બનાવનાર લોકોમાં વધુ જોવા મળ્યા છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સમલૈંગિક સંબંધ બનાવનાર લોકો વધુ ચેપગ્રસ્ત છે. જેથી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સમલૈંગિક સંબંધ બનાવનારે વધુ પાર્ટનર સાથે સંબંધ ન બનાવવા જોઈએ. WHOનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિ આ બીમારીનો શિકાર થઈ શકે છે. આવી સ્થિતિમાં, સંક્રમિતે તરત જ આઈસોલેટ થઈ જવું જોઈએ. ભારતમાં પણ કેરળ, દિલ્હી સહિત 4 કેસ નોંધાયા છે. સરકાર આ અંગે સતર્ક છે અને એરપોર્ટ પર તપાસ તેજ કરી છે.

કેવી રીતે ફેલાય છે મંકીપોક્સ ?
નિષ્ણાતો કહે છે કે મંકીપોક્સ મુખ્યત્વે ત્વચાથી-ત્વચાના સંપર્કથી થાય છે. પરંતુ તે મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિ સાથે બેડ શેર કરવાથી પણ થાય છે. તે એઇડ્સ જેવા અન્ય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોની જેમ ફેલાતો નથી. હાલમાં, વિશ્વના ઘણા દેશોમાં, અછબડાની દવાનો જ ઉપયોગ કરવામાં આવે છે. જો કે તેનાથી કેટલો ફાયદો થશે અને કેટલો નહીં તે સ્પષ્ટ નથી. મંકીપોક્સ સંક્રમિત લોકોના લક્ષણો વિશે વાત કરીએ તો, તેઓ તાવ, શરીરમાં દુઃખાવો, ચક્કર અને શરીર પર ફોલ્લીઓ જેવા લક્ષણો અનુભવી શકે છે.