આવા ગુંડાને સીએમ હાઉસમાં કોણે રાખ્યો? વૈભવકુમાર વિશે સુપ્રીમ કોર્ટની સખત ટિપ્પણી
- શું તમને એક મહિલા સાથે આવું વર્તન કરતાં શરમ નથી આવતી? કોર્ટે વૈભવ કુમારને આપ્યો જોરદાર ઠપકો
નવી દિલ્હી, 01 ઓગસ્ટ: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી વૈભવકુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વૈભવ પર આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે વૈભવને જોરદાર ઠપકો આપતા કહ્યું હતું કે, શું તમને એક મહિલા સાથે આવું વર્તન કરતાં શરમ નથી આવતી? શું મુખ્યમંત્રીનો બંગલો ખાનગી રહેઠાણ છે? શું આવા ગુંડાઓને રાખવા માટે તે ઓફિસની જરૂર છે?”
Swati Maliwal Assault Case: Supreme Court Issues Notice On Bibhav Kumar’s Bail Plea |@DebbyJain #SupremeCourt https://t.co/PPTFiKkv7y
— Live Law (@LiveLawIndia) August 1, 2024
વૈભવ તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, ત્રણ દિવસ પછી FIR દાખલ કરવામાં આવી છે. સ્વાતિ માલીવાલ પોલીસ સ્ટેશન ગયા પરંતુ FIR નોંધ્યા વગર પરત ફર્યા. જ્યારે કોર્ટે ચાર્જશીટ વિશે પૂછ્યું ત્યારે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, “અમે જે આદેશને પડકાર્યો છે તે આદેશ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.”
કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘જે રીતે ઘટનાઓ બની છે તેનાથી અમે ચોંકી ગયા છીએ. શું મુખ્યમંત્રીનો બંગલો ખાનગી રહેઠાણ છે? શું આવા ગુંડાઓને રાખવા માટે તે ઓફિસની જરૂર છે? શું આ રીત છે? અમે હેરાન છીએ. પ્રશ્ન એ છે કે આ કેવી રીતે થયું. માલીવાલે તેને રોકાવાનું કહ્યું પણ તે વ્યક્તિ રોકાયો નહીં. તે શું વિચારે છે? શું તેના માથામાં શક્તિ સવાર છે? તમે ભૂતપૂર્વ સચિવ હતા, જો પીડિતાને ત્યાં રહેવાનો અધિકાર ન હતો, તો તમને પણ ત્યાં રહેવાનો કોઈ અધિકાર ન હતો. તમે એવું દેખાડ્યું કે જાણે કોઈ ગુંડો પરિસરમાં ઘૂસી આવ્યો હોય. શું તમને આ કરવામાં કોઈ શરમ થાય છે? સ્વાતિ એક યુવા મહિલા છે. તમને લાગે છે કે, એ રૂમમાં હાજર કોઈપણ વ્યક્તિની વૈભવ વિરુદ્ધ કંઈપણ કહેવાની હિંમત થઈ હશે?
સિંઘવીની દલીલ કોર્ટે ફગાવી દીધી
જ્યારે સિંઘવીએ હત્યાના બે કેસમાં આરોપીઓને જામીન મળ્યાનો ઉલ્લેખ કર્યો ત્યારે જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું, ‘અમને તે કેસોના સંદર્ભો ન આપો, કારણ કે અહીં કેવી રીતે ઘટના બની તે અમારી ચિંતાનું કારણ છે. સ્ત્રી સાથે આવું વર્તન કરતાં તમને શરમ નથી આવતી? કોન્ટ્રાક્ટ કિલર, હત્યારાઓને અમે જામીન પણ આપીએ છીએ પણ આ કિસ્સામાં કેવું નૈતિક મનોબળ છે?’
ખૂબ જ કડક વલણ અપનાવતા કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જારી કરી અને વૈભવની જામીન અરજી પર જવાબ માંગ્યો. હવે આગામી સુનાવણી 7 ઓગસ્ટ, બુધવારે થશે.
શું મુખ્યમંત્રીનું નિવાસસ્થાન ખાનગી નિવાસસ્થાન છે: કોર્ટ
સિંઘવીએ કહ્યું કે, પહેલા દિવસે તે (પોલીસ પાસે) ગયા હતા પરંતુ તેમણે(સ્વાતિ) કોઈ ફરિયાદ કરી ન હતી, પરંતુ ત્રણ દિવસ પછી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ સૂર્યકાન્તે પૂછ્યું કે, શું માલીવાલે 112ને ફોન કર્યો? જો હા, તો તે તમારા દાવાને જૂઠું પાડે છે કે તેમણે સ્ટોરી બનાવી છે. ત્યારે સિંઘવીએ સ્વીકાર્યું કે, તેણી CM આવાસ પર ગઈ હતી.
જસ્ટિસ સૂર્યકાંત કાંતે પૂછ્યું કે, શું મુખ્યમંત્રીનું સરકારી ઘર ખાનગી રહેઠાણ છે? શું આવા નિયમોની ત્યાં જરૂર છે? અમને આશ્ચર્ય થાય છે, આ નાની કે મોટી ઇજાઓ વિશે નથી. હાઈકોર્ટે દરેક વાતને સારી રીતે સાંભળી છે.
સ્વાતિ માલીવાલનો શું આરોપ હતો?
દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ વડા સ્વાતિ માલીવાલે FIRમાં આરોપ લગાવ્યો હતો કે, ‘અચાનક… કુમાર રૂમમાં પ્રવેશ્યા. તેમણે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી કર્યા વગર મારી સામે બૂમો પાડવાનું શરૂ કર્યું. તેમણે મારી સાથે દુર્વ્યવહાર પણ શરૂ કર્યો. હું તેના વર્તનથી ચોંકી ગઈ… મેં તેમને કહ્યું કે, મારી સાથે આ રીતે વાત કરવાનું બંધ કરો અને મુખ્યમંત્રીને ફોન કરો.
હાઈકોર્ટમાંથી જામીન મંજૂર થયા ન હતા
12 જુલાઈના રોજ, દિલ્હી હાઈકોર્ટે વૈભવકુમારને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો, એમ કહીને કે તેમનો ‘મોટો પ્રભાવ’ છે અને તેમને રાહત આપવાનો કોઈ આધાર નથી.
ન્યાયાધીશે કહ્યું હતું કે, ‘જો અરજદારને જામીન પર છોડવામાં આવે તો સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અથવા પુરાવા સાથે ચેડાં કરી શકે છે તે વાતને નકારી શકાય નહીં અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેનો કોઈ આધાર નથી.’ જજે કહ્યું કે, ” આરોપોની પ્રકૃતિ અને સાક્ષીઓ પ્રભાવિત થવાની સંભાવનાને ધ્યાનમાં લેતા, આ તબક્કે અરજદારને જામીન પર મુક્ત કરવા માટે કોઈ કારણ નથી. તેથી અરજી નામંજૂર કરવામાં આવે છે.”
આ પણ જૂઓ: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, SC-ST અનામતમાં સબ-કેટેગરીને આપી માન્યતા