ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોણ છે વિષ્ણુદેવ સાય? જેમના પર ભરોસો વ્યક્ત કરી ભાજપે છત્તીસગઢની કમાન સોંપી

રાયપુર (છત્તીસગઢ), 10 ડિસેમ્બર: લાંબી વિલંબ બાદ છત્તીસગઢમાં મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી છે. ભાજપની બેઠકમાં નવા સીએમ તરીકે વિષ્ણુ દેવ સાય ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. જો કે, અગાઉ ઘણા નામોની ચર્ચા ચાલી રહી હતી. અંતે મુખ્યમંત્રીની રેસમાં સાય સૌથી આગળ નીકળી ગયા છે. આવો જાણીએ કોણ છે વિષ્ણુ દેવ સાય…

કુંકરી વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસી સમુદાયન નેતા

વિષ્ણુ દેવ સાય કુંકુરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને આદિવાસી સમુદાયના છે. તેમને ભાજપના મોટા આદિવાસી નેતા માનવામાં આવે છે. તેઓ બે વખત ધારાસભ્ય અને 4 વખત સાંસદ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ બે વખત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. વિષ્ણુને રમણ સિંહ અને સંઘના નજીકના માનવામાં આવે છે. તેઓ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રમાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે.

માતા જશમણિ દેવીએ ખુશી વ્યક્ત કરી

વિષ્ણુ દેવ સાય છત્તીસગઢના  મુખ્યમંત્રી બનતા તેમની માતા જશમણિ દેવીએ ખુશી વ્યક્ત કરી હતી. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, આજે હું ખૂબ જ ખુશ છું કારણ કે મારા પુત્રને છત્તીસગઢની સેવા કરવાની તક મળી છે. આનાથી મોટી વાત શું હોઈ શકે?

33 વર્ષથી રાજકારણમાં સક્રિય

વિષ્ણુ દેવ સાયનો જન્મ 21 ફેબ્રુઆરી 1964ના રોજ છત્તીસગઢ રાજ્યના જશપુર જિલ્લાના બગિયા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. વિષ્ણુ દેવની રાજકીય સફર ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ બગિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત છત્તીસગઢથી મધ્યપ્રદેશમાંથી અલગ પડ્યું તે પહેલા 1990-98ની વચ્ચે મધ્યપ્રદેશ વિધાનસભાના સભ્ય તરીકે કરી હતી. વિષ્ણુ દેવે રાયગઢ મતવિસ્તારમાંથી 1999થી 2014 સુધી સતત ચાર લોકસભા ચૂંટણી જીતી હતી. તેથી જ વિષ્ણુદેવ સાઈને આદિવાસી સમાજનો મોટો ચહેરો માનવામાં આવે છે. આદિવાસી ક્વોટામાંથી આવતા વિષ્ણુદેવ સાય મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હતા.

કુલ સંપત્તિ 3.80 કરોડ

તેમના પારિવારિક જીવનની વાત કરીએ તો, વિષ્ણુદેવના લગ્ન 1991માં કૌશલ્યા દેવી સાથે થયા હતા. તેમના સંતાનોમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમના પિતાનું નામ રામ પ્રસાદ સાય અને માતાનું નામ જશમણિ દેવી છે. વિષ્ણુ દેવ સાયએ તેમનું ઉચ્ચ માધ્યમિક શાળાનું શિક્ષણ જશપુરમાંથી લોયોલા હાયર સેકન્ડરી સ્કૂલ કર્યું હતું.  2023ના ચૂંટણી એફિડેવિટ મુજબ વિષ્ણુ દેવ સાયની કુલ સંપત્તિ 3 કરોડ 80 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો: છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બન્યા વિષ્ણુદેવ સાય, ભાજપનું વધુ એક આશ્ચર્ય

Back to top button