ED અધિકારીઓ પર હુમલાનો માસ્ટરમાઈન્ડ TMC નેતા શાહજહાં શેખ છે કોણ?
નવી દિલ્હી, 06 જાન્યુઆરી 2024: પશ્ચિમ બંગાળમાં ED અધિકારીઓ પર હુમલા બાદ TMC નેતા શાહજહાં શેખ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. હુમલા બાદથી શેખ ફરાર છે. નોંધનીય છે કે, રાશન કૌભાંડ કેસમાં EDના અધિકારીઓ શાહજહાં શેખના ઠેકાણા પર દરોડા પાડવા પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિક લોકોએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. વાહનોની તોડફોડ કરી હતી અને અધિકારીઓ પણ ઘાયલ થયા હતા. મહત્ત્વનું છે કે, શાહજહાં શેખનો આ વિસ્તારમાં પ્રભાવ છે. શેખને માછીમારોનો બાદશાહ કહેવામાં આવે છે.
કોણ છે શાહજહાં શેખ?
શાહજહાં શેખ સંદેશખાલીના ટીએમસી યુનિટના પ્રમુખ છે. ગયા વર્ષે જિલ્લા પરિષદની બેઠક જીત્યા બાદ તેમની રાજકીય પકડ વધુ મજબૂત બની હતી. 42 વર્ષના શાહજહાં શેખને લોકો ‘ભાઈ’ તરીકે ઓળખે છે. અગાઉ તે સંદેશખાલી બ્લોકમાં માછીમારીનું કામ કરતા હતા. શેખ તેમના ચાર ભાઈઓમાં સૌથી મોટા છે. 2004માં તેમણે ઈંટ ભઠ્ઠા સંઘના નેતા તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો. બાદમાં તેઓ પશ્ચિમ બંગાળમાં બદલાતા રાજકીય માહોલ છતાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને સ્થાનિક CPI(M) યુનિટમાં જોડાયા. તેમના ભડકાઉ ભાષણો અને સંગઠનાત્મક કુશળતા માટે જાણીતા શાહજહાં શેખે 2012માં TMC નેતૃત્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. તેઓ ટીએમસી નેતા જ્યોતિપ્રિયો મલિકના નજીકના માનવામાં આવતા હતા. તે ઉત્તર 24 પરગણામાં માછીમારોના પ્રમુખ બન્યા. તેમણે માછીમારો માટે કરેલા કામને કારણે તેની ઓળખ વધુ મજબૂત બની.
સ્થાનિક ટીએમસી નેતાઓ અને વિપક્ષી નેતાઓના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં શેખનો ડર છે. ઘણા લોકો તેમને મસીહા પણ કહે છે. તે વિસ્તારમાં રોબિન હૂડની છબિ ધરાવે છે. ઘણા ફોજદારી કેસોમાં સંડોવાયેલા હોવા ઉપરાંત તેઓ બાળ તસ્કરીને રોકવા માટે પણ જાણીતા છે. 2019ની ચૂંટણીમાં જ્યારે ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું ત્યારે શેખનું નામ પણ તેમાં સામે આવ્યું હતું. હત્યા કેસમાં શેખ સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.
ED અધિકારી પર હુમલાની INDIAએ પણ નિંદા કરી
ED અધિકારીઓ પરના હુમલાની INDIA ગઠબંધનની પાર્ટીઓએ પણ નિંદા કરી છે. તેમજ ટીએમસીનો આરોપ છે કે તપાસ માટે આવેલા ED અધિકારીઓએ સ્થાનિક લોકોને ઉશ્કેર્યા હતા. ભાજપનું કહેવું છે કે આ ભારતના સંઘીય માળખા પર હુમલો છે. જ્યારે કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. રાજ્યપાલ સીવી આનંદ બોઝે કહ્યું કે પશ્ચિમ બંગાળ ‘બનાના રિપબ્લિક’ નથી.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં EDએ રાશન વિતરણ કૌભાંડમાં TMC નેતા શંકર આધ્યાની કરી ધરપકડ