કોણ છે સરથચંદ્ર રેડ્ડી? જેમની પાસેથી કરોડોનું દાન લઇ ભરાયું ભાજપ
નવી દિલ્હી, 28 માર્ચ : દિલ્હીના દારૂ કૌભાંડમાં હૈદરાબાદના બિઝનેસમેન પી.સરથ ચંદ્ર રેડ્ડીનું નામ વારંવાર સામે આવી રહ્યું છે. ક્યારેક રેડ્ડી આ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ EDના સત્તાવાર સાક્ષી બનવા માટે તો ક્યારેક બીજેપીને કરોડો રૂપિયાનું દાન આપવા બદલ હેડલાઇન્સમાં રહે છે. રેડ્ડી પોતે દારૂ કૌભાંડના આરોપી છે અને હાલ જામીન પર બહાર છે. તેમની જુબાનીના આધારે તપાસ એજન્સીએ કેજરીવાલને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
કોણ છે સરથચંદ્ર રેડ્ડી
સરથ રેડ્ડી ઓરોબિંદો ફાર્મા લિમિટેડના માલિક છે. તેમની ગણતરી હૈદરાબાદના મોટા ઉદ્યોગપતિઓમાં થાય છે. ઓરોબિંદો ફાર્મા લિમિટેડ દક્ષિણની એક મોટી કંપની છે, જેની શરૂઆત સરથના પિતા પી.વી. રામ પ્રસાદ રેડ્ડીએ કરી હતી. સરથે તેના પિતા પછી બિઝનેસ સંભાળ્યો અને દવા અને દારૂના વ્યવસાયમાં પણ પ્રવેશ કર્યો. મળતી માહિતી મુજબ તેણે BBAમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 21 માર્ચે સીએમ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ 23 માર્ચે AAP નેતા આતિશીએ પણ કહ્યું હતું કે સરથ ચંદ્ર રેડ્ડીના નિવેદનના આધારે સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે.
સરથ દારૂ કૌભાંડમાં આરોપી છે
સરથ ચંદ્ર રેડ્ડીના ભાઈ રોહિત રેડ્ડી YSR કોંગ્રેસ પાર્ટીના નેતા વી વિજયસાઈ રેડ્ડીના જમાઈ છે. દિલ્હી લિકર કૌભાંડમાં EDએ આરોપ લગાવ્યો છે કે સરથ રેડ્ડીએ લિકર રિટેલ સેક્ટરના 5 લાઇસન્સ મેળવ્યા હતા. EDની ચાર્જશીટમાં જણાવાયું છે કે રેડ્ડીએ નવેમ્બર 2021 થી જુલાઈ 2022 દરમિયાન આ લાઇસન્સ લીધા હતા. વર્ષ 2012માં સીબીઆઈએ તેમને જમીન અધિગ્રહણ કેસમાં આરોપી બનાવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ઈડીએ સરથ રેડ્ડીની 11 નવેમ્બરે દારૂ કૌભાંડમાં ધરપકડ કરી હતી. મે 2023માં તેને જામીન મળ્યા હતા, ત્યારબાદ 2 જૂને તે આ કેસમાં સરકારી સાક્ષી બન્યો હતો. તેમની જુબાની પર EDએ આ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને અન્ય લોકોની ધરપકડ કરી હતી. AAPએ રેડ્ડીની કંપનીઓ પર ભાજપને 50 કરોડ રૂપિયાથી વધુનું દાન આપવાનો આરોપ લગાવ્યો છે.