કોણ છે પ્રીતિ સુદન, જેમને UPSCની કમાન સોંપવામાં આવી છે?
- IAS અધિકારી પ્રીતિ સુદન આવતીકાલે 1 ઓગસ્ટથી પોતાનું પદ સંભાળશે
નવી દિલ્હી, 31 જુલાઇ: સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCના નવા અધ્યક્ષની જાહેરાત કરી છે. 1983 બેચના IAS અધિકારી પ્રીતિ સુદનને નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમની નિમણૂક આવતીકાલે 1 ઓગસ્ટ, 2024થી લાગુ થશે. તાલીમાર્થી IAS પૂજા ખેડકર વિવાદ દરમિયાન પૂર્વ UPSC અધ્યક્ષ મનોજ સોનીના રાજીનામા બાદ આ પદ ખાલી થઈ ગયું હતું. તેમણે તેમનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામું આપી દીધું હતું. મનોજ સોનીએ અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાનું બહાર આવ્યું હતું.
કોણ છે પ્રીતિ સુદન?
પ્રીતિ સુદન પૂર્વ આરોગ્ય સચિવ રહી ચૂક્યાં છે. તે 2022થી UPSCના સભ્ય છે. પ્રીતિ સુદન આંધ્રપ્રદેશ કેડરના 1983 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકેનો તેમનો કાર્યકાળ જુલાઈ 2020માં સમાપ્ત થયો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં કામ કરવા ઉપરાંત તેમણે સંરક્ષણ મંત્રાલયમાં પણ કામ કર્યું છે. તેઓ તેમના કેડર રાજ્ય આંધ્ર પ્રદેશમાં નાણાં, આયોજન, આપત્તિ વ્યવસ્થાપન, પ્રવાસન અને કૃષિનો હવાલો સંભાળતાં હતાં. પ્રીતિ સુદન વિશ્વ બેંક માટે સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. મળતી માહિતી અનુસાર, પ્રીતિ સુદને દેશમાં બે મુખ્ય કાર્યક્રમ ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ‘આયુષ્માન ભારત’ શરૂ કરવા ઉપરાંત નેશનલ મેડિકલ કમિશન, એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ કમિશન અને ઈ-સિગારેટ પ્રતિબંધ સંબંધિત કાયદો બનાવવામાં ફાળો આપ્યો હતો.
પૂજા ખેડકર વિવાદ
યુપીએસસીમાં પ્રીતિ સુદનની તત્કાળ નિમણૂક કરવી પડી છે તેની પાછળ પૂજા ખેડકર પ્રકરણ છે, કેમ કે યુપીએસસી દ્વારા તેની પસંદગી અને નિમણૂક વિવાદનો મુદ્દો બન્યા બાદ વર્તમાન અધ્યક્ષે રાજીનામું આપ્યું હતું. ટ્રેઇની IAS પૂજા ખેડકરના કેસને લઈને હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે. પૂજાના દસ્તાવેજો સહિત ઘણા દાવા નકલી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, UPSCએ ટ્રેઇની IAS પૂજા ખેડકર વિરુદ્ધ FIR પણ નોંધી છે. UPSC તપાસમાં બહાર આવ્યું છે કે, પૂજા ખેડકરે નકલી ઓળખનો ઉપયોગ કર્યો હતો. તેણીએ પોતાનું નામ, તેમના માતા-પિતાનું નામ, તેમનો ફોટો, સહી, ઈમેલ ID, મોબાઈલ નંબર અને સરનામું બદલીને નકલી ઓળખનો ઉપયોગ કરીને પરીક્ષા આપી હતી. કમિશને સિવિલ સર્વિસીસ પરીક્ષા-2022 માટે તેમની ઉમેદવારી રદ્દ કરવા અને ભવિષ્યની પરીક્ષાઓ અથવા પસંદગીઓમાંથી વંચિત કરવા માટે કારણ બતાવો નોટિસ પણ જારી કરી હતી.
આ પણ જૂઓ: IAS પૂજા ખેડકરની મુશ્કેલી વધી, હવે કેન્દ્ર સરકારે પણ મોકલી કારણદર્શક નોટિસ