કોણ છે પૂજા શર્મા? જેમને BBCની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં મળ્યું સ્થાન

- રમતગમત અને મનોરંજન સહિત વિવિધ ક્ષેત્રની સૌથી પ્રભાવશાળી મહિલાઓને આ યાદીમાં સામેલ કરવામાં આવી
નવી દિલ્હી, 4 ડિસેમ્બર: BBCએ વર્ષ 2024ની 100 પ્રભાવશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ત્રણ ભારતીય મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. રમતગમત અને મનોરંજન સહિત વિવિધ ક્ષેત્રની સૌથી પ્રભાવશાળી મહિલાઓને આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. અરુણા રોય, પૂજા શર્મા અને વિનેશ ફોગાટ આ યાદીમાં સ્થાન મેળવનારી ત્રણ ભારતીય મહિલાઓ છે. બે ભારતીય અમેરિકન મહિલાઓને પણ સ્થાન મળ્યું છે. સુનીતા વિલિયમ્સ અને AI નિષ્ણાત સ્નેહા રેવનુર BBCની યાદીમાં સામેલ છે.
કોણ છે પૂજા શર્મા?
દિલ્હીની રહેવાસી પૂજા શર્માને પણ BBCની આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. પૂજા શર્માએ ચાર હજારથી વધુ લાવારીસ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે. 28 વર્ષના પૂજા શર્માનો જન્મ 7 જુલાઈ 1996ના રોજ દિલ્હીમાં થયો હતો. 12 માર્ચ 2022ના રોજ પૂજા શર્માના ભાઈની તેમની સામે જ હત્યા કરવામાં આવી હતી. ભાઈના અંતિમ સંસ્કારમાં કોઈએ મદદ કરી નહીં. આ પછી પૂજાએ પોતાના હાથે પોતાના ભાઈના અંતિમ સંસ્કાર કર્યા. આ આઘાતજનક હત્યાકાંડ બાદ, પૂજાએ દાવો ન કરેલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાની જવાબદારી લીધી.
આ પણ જૂઓ: ઘરની કરુણ પરિસ્થિતિએ આ મહિલાને બનાવી ગુમનામ મૃતકોની તારણહારઃ જાણો એક બાહોશ પ્રેરણાકથા
પૂજા શર્માએ ‘બ્રાઈટ ધ સોલ ફાઉન્ડેશન’ નામની NGO પણ બનાવી છે. અત્યાર સુધી તે હજારો લાવારીસ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી ચૂકી છે. પૂજા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. મોટી સંખ્યામાં લોકો તેમના કામની પ્રશંસા કરે છે. ઈન્સ્ટાગ્રામ પર પૂજાના લગભગ સાડા ત્રણ લાખ ફોલોઅર્સ છે. હિન્દુ ધર્મમાં માત્ર પુરુષોને જ અંતિમ સંસ્કાર કરવાની છૂટ છે. જ્યારે પૂજાએ અંતિમ સંસ્કાર કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને પૂજારીઓના વિરોધનો સામનો કરવો પડ્યો.
1. અરુણા રોયઃ સામાજિક કાર્યકર્તા અરુણા રોયનું નામ પણ વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સામેલ છે. અરુણા ગ્રામીણ સમુદાય સાથે નજીકથી કામ કરે છે. તે મજદૂર કિસાન શક્તિ સંગઠનના સહ-સ્થાપક પણ છે. અરુણા રોયએ કામદારોના હિતમાં વાજબી વેતન માટેની લડતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અરુણાને રેમન મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો છે. ખાસ વાત એ છે કે, અરુણાએ સિવિલ સર્વિસની નોકરી છોડી અને સામાજિક કાર્યકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
2. વિનેશ ફોગટ: વિનેશ ફોગાટ BCCની યાદીમાં સામેલ ત્રીજી ભારતીય મહિલા છે. ત્રણ વખતની ઓલિમ્પિયન વિનેશ ફોગટે આ વર્ષે હરિયાણાની જુલાના વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. વિનેશ ફોગાટે વર્લ્ડ ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં અનેક મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. તે ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી દેશની પ્રથમ મહિલા કુસ્તીબાજ પણ છે. જોકે, બાદમાં તેમને વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
આ પણ જૂઓ: માર્શલ લો શું છે? જેના કારણે દક્ષિણ કોરિયામાં ખળભળાટ મચી ગયો