કોણ છે નાયબ સિંહ સૈની? જેઓ મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ હરિયાણાની કમાન સંભાળશે
ચંદીગઢ (હરિયાણા), 12 માર્ચ: મનોહર લાલ ખટ્ટરના રાજીનામાં બાદ નાયબ સિંહ સૈની હવે હરિયાણાના નવા મુખ્યમંત્રી બનશે. OBC અને અન્ય પછાત વર્ગોમાં નાયબ સિંહ સૈનીનો ઘણો પ્રભાવ છે. તેઓ કુરુક્ષેત્રથી ભાજપના લોકસભા સાંસદ છે. આજે મંગળવારે સાંજે 5 વાગ્યે નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નાયબ સૈની હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરના નજીકના માનવામાં આવે છે. તો, ચાલો તેમની રાજકીય કારકિર્દી વિશે જાણીએ…
સીસીયુ યુનિવર્સિટી, મેરઠમાંથી કાયદાનો અભ્યાસ કર્યો
નાયબ સિંહ સૈનીનો જન્મ 25 જાન્યુઆરી, 1970ના રોજ અંબાલાના મીઝાપુર માજરા ગામમાં થયો હતો. તે અંબાલા જિલ્લાના નારાયણગઢ વિધાનસભાના મિર્ઝાપુર ગામના રહેવાસી છે. નાયબ સિંહ સૈની 54 વર્ષના છે. તેમણે મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી LLBનો અભ્યાસ કર્યો છે. તે ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે મુઝફ્ફપુરની બીઆર આંબેડકર બિહાર યુનિવર્સિટીમાંથી શિક્ષણ પણ મેળવ્યું હતું.
નાયબ સિંહ સૈનીની રાજકીય કારકિર્દી
હરિયાણાના નવા સીએમ નાયબ સિંહ સૈની હરિયાણા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અને કુરુક્ષેત્ર લોકસભા સીટના બીજેપી સાંસદ છે. તેઓ સંસદમાં શ્રમ અંગેની સ્થાયી સમિતિના સભ્ય પણ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં તેમને BJPના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ RSS સાથે પણ જોડાયેલા રહ્યા છે. વર્ષ 1996માં નાયબ સિંહ સૈનીએ ભાજપ સંગઠનમાં પ્રવેશ કરીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 2000 સુધી અહીં કામ કર્યું. તેઓ સંસ્થામાં અલગ-અલગ હોદ્દા પર હતા. વર્ષ 2002માં તેઓ અંબાલામાં યુવા પાંખના જિલ્લા મહાસચિવ હતા. વર્ષ 2005માં તેમને અંબાલાના જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પાર્ટી પ્રત્યેના તેમના સમર્પણને જોઈને 2009માં તેમને હરિયાણામાં બીજેપી કિસાન મોરચાના રાજ્ય મહાસચિવ બનાવવામાં આવ્યા. વર્ષ 2012માં પ્રમોશન પછી નાયબ સિંહ સૈનીને અંબાલા બીજેપી જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જે દરમિયાન તેમણે અલગ-અલગ પદો પર સેવા આપી હતી.
2014માં પહેલીવાર ધારાસભ્ય બન્યા
નાયબ સિંહ સૈનીની રાજકીય કારકિર્દી ત્યારે ઉજ્જવળ બની જ્યારે 2014માં તેઓ પહેલીવાર અંબાલા જિલ્લાની નારાયણગઢ વિધાનસભામાંથી ધારાસભ્ય બન્યા. ભાજપે તેમને ટિકિટ આપી અને તેઓ પક્ષના વિશ્વાસ પર ખરા ઉતર્યા. વર્ષ 2016માં તેમને હરિયાણા સરકારમાં શ્રમ-રોજગાર મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર મંત્રી અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પણ હતા. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેમના નજીકના હરીફ અને કોંગ્રેસના ઉમેદવાર નિર્મલ સિંહને 3 લાખ 84 હજાર 591 મતોથી હરાવીને જીત મેળવી હતી. આ ચૂંટણીમાં નાયબ સૈનીને 6 લાખ 88 હજાર 629 વોટ મળ્યા, જ્યારે નિર્મલ સિંહને માત્ર 3 લાખ 84 હજાર 591 વોટ મળ્યા.
આ પણ વાંચો: ભાજપના પ્રદેશ અધ્યક્ષ નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ બનશે