કોણ છે અફઘાનિસ્તાનના નવા વડાપ્રધાન મૌલવી અબ્દુલ કબીર? ભારતને કેટલી અસર?
મધ્ય એશિયામાં બનતી કોઈપણ ઘટના ભારતને અસર કરી શકે છે. એટલા માટે ભારતીય રાજદ્વારીઓ અને રાજદ્વારી નિષ્ણાતો ત્યાં બનતી દરેક ઘટનાઓ પર પોતાની નજર રાખે છે. આજકાલ ભારત અફઘાનિસ્તાન અને તાલિબાન પર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે કારણ કે અફઘાનિસ્તાન મધ્ય એશિયા અને પાકિસ્તાનની બાબતોને ખૂબ અસર કરે છે, તેથી ત્યાંની નાની-મોટી ઘટનાઓ પર નજર રાખવી જરૂરી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને કારણે આ બધું વધુ જરૂરી બન્યું છે, જેના આતંકવાદીઓ પાકિસ્તાનની મદદથી કાશ્મીરમાં સમસ્યાઓ ઉભી કરી રહ્યા છે. તાજેતરમાં તાલિબાનના સર્વોચ્ચ નેતા હૈબતુલ્લાહ અખુન્દઝાદાએ મૌલવી અબ્દુલ કબીરને અફઘાનિસ્તાનના કામચલાઉ વડાપ્રધાન બનાવ્યા છે.
હવે તાલિબાન સાથે ભારતે વાતચીતનો વિકલ્પ અપનાવ્યો
ભારતે એક સમયે તાલિબાન સાથે સંબંધો તોડી નાખ્યા હતા. તાલિબાનને ભારતના પ્રાકૃતિક શત્રુ તરીકે જોવામાં આવતું હતું. પરંતુ જ્યારથી અમેરિકાએ 20 વર્ષ પછી અફઘાનિસ્તાન છોડ્યું અને તાલિબાનને કાબુલ પર કબજો કરવાનો મોકો આપ્યો ત્યારથી પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે અને ભારતે તાલિબાનથી અંતર રાખવાને બદલે તેમની સાથે વાતચીત પ્રક્રિયામાં સામેલ થવાનો વિકલ્પ અપનાવ્યો છે.
અફઘાનિસ્તાનમાં વડાપ્રધાનની નિમણુંકથી ભારતને કેટલી અસર?
સમયની સાથે બદલાવ કરતા ભારત હવે તાલિબાન સાથે દ્વિપક્ષીય સંબંધો બનાવવા માટે સક્રિય પ્રયાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તાલિબાનમાં થોડા સમય માટે નવા વડાપ્રધાનની નિમણૂક ભારત માટે અફઘાનિસ્તાનની નવી પરિસ્થિતિને સમજવા અને તેનું વિશ્લેષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. ભલે પછી મૌલવી અબ્દુલ કબીરની નિમણૂક કામચલાઉ હોય.
શા માટે અફગાનિસ્તાનના વડાપ્રધાન બદલાયા?
અફઘાનિસ્તાનના વર્તમાન વડાપ્રધાન મુહમ્મદ હસન અખુંદની તબિયત સારી નથી, તેથી મૌલાના કબીરને કામચલાઉ વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. જ્યાં સુધી અખુંદ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેઓ પદ પર ચાલુ રહેશે. જ્યારે તાલિબાન સત્તામાં આવ્યુ ત્યારથી તેઓ (અખુંદ) 2021થી અફઘાનિસ્તાનના વડા પ્રધાન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમને હૃદય સંબંધિત બિમારી છે.
અફઘાનના નવા વડાપ્રધાનનું શું છે મજબુત પાસુ?
મૌલવી અબ્દુલ કબીર અફઘાનિસ્તાનના પૂર્વ પાકતિકા પ્રાંતની જાદરાન જનજાતિના સભ્ય છે. તેઓ 1996 થી 2001 સુધી તાલિબાન શાસિત નાંનગરહાર પ્રાંતના ગવર્નર પણ રહી ચુક્યા છે. તેમને યુએસ સાથે કતાર કરાર માટેની સમજુતીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તેઓ સૌથી વધુ જાણીતા છે.
આ પણ વાંચો: પાકિસ્તાને ક્રિપ્ટોકરન્સી પર કેમ મૂક્યો પ્રતિબંધ? જાણો વિગત