સંઘના વડા ભાગવતને કોણે રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રીય ઋષિ ગણાવ્યા ?
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતને લઈ એક મહત્વનું અને મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં અખિલ ભારતીય ઈમામ સંઘના મુખ્ય ઈમામ ડો.ઈલ્યાસીનું કહેવું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત રાષ્ટ્રપિતા છે. તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રીય ઋષિ પણ છે. અગાઉ, સંઘ પ્રમુખ ભાગવતે દિલ્હીના કસ્તુરબા ગાંધી માર્ગ પર સ્થિત મસ્જિદમાં ડૉ. ઇલ્યાસી સાથે મુલાકાત કરી હતી. ડૉ. ઇલ્યાસીએ કહ્યું, “તેમની મસ્જિદની મુલાકાતથી સારો સંદેશ જશે. આપણી પૂજા કરવાની રીત અલગ છે પણ સૌથી મોટો ધર્મ માનવતા છે. અમે દેશને પ્રથમ સ્થાન આપીએ છીએ.
ભાગવત પ્રથમ વખત મદરેસામાં ગયા
ઉલ્લેખનીય છે કે, RSS ના વડા મોહન ભાગવત કસ્તુરબા ગાંધી માર્ગ પર સ્થિત મસ્જિદમાં ગયા અને પછી ઉત્તર દિલ્હી સ્થિત તાજવેદુલ કુરાન મદરેસાની મુલાકાત લીધી. તેમની સાથે આવેલા સંઘના એક અધિકારીએ જણાવ્યું કે ભાગવત પહેલીવાર મદરેસામાં ગયા છે. ત્યારે તેઓને લઈને આવેલા આ પ્રકારના મોટા નિવેદનના લીધે આગામી દિવસોમાં કોઈ વિવાદ સર્જાય તો નવાઈ નહિ.