બિહારમાં લોકસભાની આ ચાર મહિલા ઉમેદવાર ખરેખર કોણ છે?
- પોતાથી દાળ નહીં ગળે એવું લાગતાં બિહારના 4 બાહુબલી નેતાઓએ તેમની પત્નીઓને સંસદમાં મોકલવા રચ્યો રાજકીય ખેલ!
પટના, 29 માર્ચ: દેશમાં સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. બિહારની તમામ 40 સીટો પર સાત તબક્કામાં મતદાન થશે. અહીં 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે. બિહારના રાજકારણમાં વર્ષોથી બાહુબલીઓનું જોર જોવા મળ્યું છે. ત્યારે આ શ્રેણીમાં ફરી એકવાર આગામી લોકસભાની ચૂંટણીમાં એવા ઘણા શક્તિશાળી નેતાઓ છે જેઓ પોતે ચૂંટણી લડી શકતા નથી, પરંતુ કોઈને કોઈ રીતે લોકસભામાં પહોંચવાની તેમની ઈચ્છા એટલી વધી ગઈ છે કે હવે તેઓ પોતાની પત્નીઓ દ્વારા નવી રાજકીય યોજના બનાવવા માંગે છે. આ બાહુબલી નેતાઓ જેવા કે આનંદ મોહન, અવધેશ મંડલ, રમેશસિંહ કુશવાહા, અશોક મહતો દ્વારા પોતાની પત્નીઓને ચૂંટણીના મેદાનમાં ઉતારીને પોતાનો રાજકીય ખેલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણીમાં એવા ઘણા શક્તિશાળી નેતાઓ છે જેમણે પોતાની પત્નીઓને પાર્ટી ટિકિટ આપી છે અને તેમના થકી લોકસભામાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણીની મોસમમાં એવું બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ શક્તિશાળી નેતાઓની પત્નીઓ ચૂંટણી મેદાનમાં છે, પરંતુ તેમની પાછળથી વાસ્તવમાં તેઓ પોતે જ ચૂંટણી લડી રહ્યા છે.
1. લવલી આનંદ (JDU)
પૂર્વ સાંસદ લવલી આનંદ બિહારના શક્તિશાળી નેતા આનંદ મોહનની પત્ની છે, જેમને જનતા દળ યુનાઈટેડ(JDU) પાર્ટીએ આ વખતે શિયોહર લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. આનંદ મોહન પોતે 1996 અને 1998માં શિયોહર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
આનંદ મોહનને ગયા વર્ષે એપ્રિલમાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે નીતિશ કુમાર સરકારે જેલના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા હતા, જેના પછી તેમની મુક્તિ શક્ય બની હતી. 1994માં આનંદ મોહન ગોપાલગંજ DM જી. ક્રિષ્ણૈયાની હત્યાના આરોપમાં 16 વર્ષની જેલવાસ ભોગવ્યા બાદ તમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આનંદ મોહન પોતે ચૂંટણી લડી શકતા નથી અને આ જ કારણસર તેમણે તેમની પત્ની લવલી આનંદને જનતા દળ યુનાઈટેડની ટિકિટ આપી છે. 2019માં લવલી આનંદે RJDની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તે હારી ગયા હતા. આ વખતે ચૂંટણી પહેલા લવલી આનંદ RJD છોડીને જનતા દળ યુનાઈટેડમાં જોડાઈ ગયા છે અને શિવહરથી ચૂંટણી લડી રહ્યા છે. શિવહરમાં ચૂંટણી છઠ્ઠા તબક્કામાં યોજાશે.
2. બીમા ભારતી (RJD)
બીમા ભારતી કુખ્યાત ગુનેગાર અવધેશ મંડલની પત્ની છે, જે આ વખતે RJDની ટિકિટ પર પૂર્ણિયા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અવધેશ મંડલ વિરુદ્ધ હત્યા અને અપહરણના ડઝનબંધ કેસ નોંધાયેલા છે અને તેમની છબી એક બાહુબલી અને ગુનેગારની છે. અવધેશ મંડલની પત્ની બીમા ભારતી પાંચ વખત ધારાસભ્ય રહી ચુકી છે અને તાજેતરમાં જ ધારાસભ્ય રહીને તેમણે જનતા દળ યુનાઈટેડમાંથી રાજીનામું આપ્યું અને RJDમાં જોડાઈ ગયા. આ વખતે તે પૂર્ણિયાથી લોકસભા ચૂંટણી લડી રહી છે. પૂર્ણિયામાં બીજા તબક્કામાં ચૂંટણી યોજાશે.
3. વિજયાલક્ષ્મી દેવી (JDU)
જનતા દળ યુનાઈટેડની ટિકિટ પર સિવાનથી લોકસભા ચૂંટણી લડી રહેલી વિજયાલક્ષ્મી દેવી બાહુબલી નેતા રમેશસિંહ કુશવાહાની પત્ની છે. રમેશસિંહ કુશવાહાનો સંબંધ CPI ML સાથે રહ્યો છે અને શિવજી દુબે હત્યા કેસના મુખ્ય આરોપી પણ છે તેમજ જેલ પણ જઈ ચૂક્યા છે. રમેશસિંહ કુશવાહા પોતે પૂર્વ ધારાસભ્ય છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં રમેશસિંહ કુશવાહાએ તેમની પત્ની વિજયાલક્ષ્મી દેવીને જનતા દળ યુનાઈટેડની ટિકિટ આપી છે અને તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
કવિતા સિંહ હાલમાં સીવાન લોકસભા સીટથી જનતા દળ યુનાઈટેડના સાંસદ છે અને શક્તિશાળી નેતા અજય સિંહની પત્ની છે. આ વખતે નીતીશ કુમારે તેમની ટિકિટ રદ્દ કરીને વિજયાલક્ષ્મી દેવીને સિવાનથી ઉમેદવાર બનાવ્યા છે. સિવાનમાં છઠ્ઠા તબક્કામાં ચૂંટણી યોજાશે.
4. અનિતા કુમારી (RJD)
અનિતા કુમારી 2024ની લોકસભા ચૂંટણીમાં RJDની ટિકિટ પર મુંગેરથી ચૂંટણી લડી રહી છે. અનિતા કુમારી નવાદાના મજબૂત અને ગુનેગાર નેતા અશોક મહતોની પત્ની છે. અશોક મહતો 17 વર્ષ જેલમાં વિતાવ્યા પછી 2023માં જેલમાંથી મુક્ત થયા હતા. 2001ના નવાદા જેલ બ્રેક કેસમાં અશોક મહતો 17 વર્ષ જેલમાં હતા અને ગયા વર્ષે જ છૂટ્યા હતા.
મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે, અશોક મહતો પોતે ચૂંટણી લડી શકતા નથી અને આ જ કારણથી તેમણે પોતાની પત્નીના માધ્યમથી લોકસભાની ચૂંટણી લડવાનું વિચાર્યું અને પછી આ ખરમાસ દરમિયાન તેમણે અનિતા દેવી સાથે લગ્ન કર્યા. એવું કહેવાય છે કે, RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ તરફથી આશ્વાસન મળ્યા બાદ જ અશોક મહતોએ ખરમાસના આનંદ-પણનમાં અનીતા દેવી સાથે લગ્ન કર્યા અને પછી તેમની પત્નીને મુંગેર લોકસભા સીટથી RJDની ટિકિટ મળી. અનિતા દેવી હવે જનતા દળ યુનાઈટેડના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ લલ્લનસિંહ સામે ચૂંટણી લડી રહી છે. મુંગેરમાં ચોથા તબક્કામાં ચૂંટણી યોજાશે.
આ પણ જુઓ: ગેનીબેનની મુશ્કેલીઓ વધી: બનાસકાંઠા કોંગ્રેસના દિગ્ગજ નેતા ડી.ડી. રાજપૂતનું રાજીનામું