કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર સાથે અથડાઇ, એક જ પરિવારના 3 લોકોના મોત
ગીરસોમનાથ, 12 એપ્રિલ 2024, ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. ભુજ-ભચાઉ હાઇવે પર આજે વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે ભાઇઓ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે આઠ લોકોને ઈજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કૂતરૂ આડુ આવતા અકસ્માત સર્જાયો
પ્રાપ્ત માહિતી મુજબ ભૂજ-ભચાઉ હાઈવે પર આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં સોમનાથ મહાદેવના દર્શન કરી પરત માધાપર આવતા સોની પરિવારની તુફાન જીપને સૂઝલોન અને બીકેટી કંપની વચ્ચે અકસ્માત નડ્યો હતો. હાઈવે પર કૂતરું આડું ઉતરતા તેને બચાવવા જતા જીપ ડાબી તરફના પુલિયાની દીવાલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. તુફાન ડિવાઇડર સાથે અથડાતા કારમાં સવાર માધાપરના સોની પરિવારના ત્રણ સભ્યોના ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજયા હતા. જ્યારે આઠ સભ્યોને ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજની જીકે જનરલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતની પ્રાથમિક માહિતીના આધારે પધ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર માધાપર ગામની બાપા દયાળુ સોસાયટીમાં રહેતા દિનેશ સુરેન્દ્ર સોની, તેમના ભાઈ મનોજ સુરેન્દ્ર સોની અને દિલીપ હિરજી સોનીનું ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય આઠ લોકોને ગંભીર હળવાથી ભારે પ્રકારની ઇજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સરકારી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનાર દીવ ફરીને સોમનાથ દર્શન કરીને પરત ફરતા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.
આ પણ વાંચોઃપાનમ ડેમની કેનાલમાં ત્રણ મુસ્લિમ યુવાનો ડૂબ્યા, 2 સગાભાઈ સહિત મૌલાનાનું મોત