અમદાવાદગુજરાત

બસમાં સાથે મુસાફરી કરતાં ગઠિયાએ કોલ્ડ ડ્રીંક પીવડાવી યુવકની 2.65 લાખની મત્તા લૂંટી

સુરત, 08 જૂન 2024, શહેરથી ડીસાની બસમાં વતન જવા નીકળેલા હીરા કારીગરને મુસાફરનાં સ્વાંગમાં બેઠેલા ગઠિયાએ અડાલજ બસ સ્ટેન્ડ આવતાં કોલ્ડ ડ્રિન્ક પીડાવ્યું હતું. જે બાદ બેભાન થઈ ગયેલા હીરાના કારીગરની ડીસાની હોસ્પિટલમાં આંખ ખૂલી હતી. ત્યારે માલુમ પડયું હતું કે બસમાં સાથે મુસાફરી કરતો ગઠિયો બેભાન અવસ્થાનો લાભ ઉઠાવી દાગીના, મોબાઈલ તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ. 2.65 લાખની મત્તા કાઢી લઈ ફરાર થઈ ગયો છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગયા મહિને સુરત ખાતે નોકરીએ ગયો હતો
બનાસકાંઠાનાં ડીસા તાલુકાના મીસડા ગામમાં રહેતો દર્શિત અશ્વીનભાઈ શાહ હીરા એસોટમેન્ટની અલગ અલગ જગ્યાએ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જે ગયા મહિને સુરત ખાતે નોકરીએ ગયો હતો. ગત તા. 23 મેના રોજ વતન ડીસા ખાતે કુળદેવીનો ત્રણ દિવસનો ધજા મહોત્સવ હોવાથી દર્શિતને હાજરી આપવા જવાનું હતું. આથી તે 24 મી મેની રાત્રે સુરત ડેપોથી “નવસારીથી નેનાવાની બસમાં રિઝર્વેશન કરાવી બેઠો હતો. એ વખતે સ્લીપર કોચમાં તેની સીટ ઉપરના ભાગે હતી. સામાન વધારે હોવાથી તેણે પોતાની એક બેગ નીચેના ભાગે તે સીટનાં મુસાફરને સામાનનું ધ્યાન રાખવાનું પણ કહ્યું હતું. બાદમાં દર્શિત સુઇ ગયો હતો. અને રાતના અગિયારેક વાગે બસ ભરૃચ સહીયોગ હોટલે ઉભી રહેતા દર્શિત જમવા માટે નીચે ઉતર્યો હતો. એ વખતે સાથેના મુસાફરે એક જ ડીશ મંગાવીને સાથે જમી લેવાની વાત કરી બિલ પણ ચૂકવી દેવાની તૈયારી દર્શાવી હતી.પોતે જૈન હોવાનું કહીને દર્શિતે પોતાની અલગ ડિસ મંગાવી જમી લઈ પોતાનું બિલ ચૂકવી દીધું હતું.

21 હજાર રોકડા મળીને રૂ. 2.65 લાખની મત્તા ચોરી
ત્યારે 25 મીની રાત્રે અડાલજ બસ સ્ટોપ ખાતે બસ થોડીવાર માટે ઊભી રહી હતી. આથી દર્શિતની સાથે નીચેની સીટમાં બેઠલ મુસાફર પણ ફ્રેશ થવા માટે ઉતર્યો હતો. બાદમાં બન્ને પોત પોતાની સીટમાં બેસી ગયા હતા.એ વખતે મુસાફરે કોલ્ડ ડ્રિન્ક પીવા આપ્યું હતું. પરંતુ દર્શિતે પીવાની ના પાડી દીધી હતી. એવામાં બસ થોડી આગળ જતાં મુસાફરે ગરમી વધુ છે ઠંડુ પી લો સારું લાગશે કહીને ફરીવાર દર્શિતને ઓફર કરી હતી. આ વખતે દર્શિતે કિલ્ડ ડ્રિન્ક પી લીધું હતું જે પછી તેને ઊંઘ આવી ગઈ હતી. જ્યારે આંખ ખૂલી ત્યારે દર્શિત ડીસાની ખાનગી હોસ્પિટલમાં હતો. જેને બસના કંડકટરે સારવાર અર્થે ખસેડયો હતો. મુસાફરનાં સ્વાંગમાં ગઠિયો દર્શિતની સોનાની ચેઇન, વીંટી, મોબાઈલ તેમજ 21 હજાર રોકડા મળીને રૂ. 2.65 લાખની મત્તા ચોરીને ફરાર થઈ જતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃએમ્બ્યુલન્સ સર્વિસના નામે 5.75 કરોડની ઠગાઈ કેસમાં બે આરોપી ઝડપાયા, એક ફરાર

Back to top button