જ્યારે ગુજરાતની ૨૪ સીટ ઉપર ૬૯ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી
- રાજ્યના મહિલા મતદારો પૈકી ૫૦ ટકાથી વધુ મહિલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
- ગુજરાતમાં થયેલા મતદાન પૈકી ૪.૨૪ ટકા મત એટલે કે, ૨,૭૧,૨૭૧ મત રિજેક્ટ થયા
- ૧૮-આણંદ લોકસભા મતદાર વિભાગના ચૂંટણી જંગના ચાર ઉમેદવારો પૈકી ૨ (બે) ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી
- આણંદ બેઠકના વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્પર્ધીથી ૧૪.૪૧ ટકા મત એટલે કે, ૪૩,૬૦૪ મતની સરસાઇથી વિજેતા થયા હતા
આણંદ, 11 એપ્રિલ, 2024: ભારતની આઝાદી બાદની પાંચમી લોકસભાની સામાન્ય ચૂંટણી ૧૯૭૧ના વર્ષમાં યોજાઇ હતી. આ ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં ૧૯ જનરલ, ૨ (બે) એસ.સી. અને ત્રણ એસ.ટી. મળી કુલ ૨૪ બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી.
ગુજરાતની ૨૪ બેઠકો ઉપર ૨૨૨ પુરૂષ અને ૮ મહિલા મળી કુલ ૨૩૦ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જે પૈકી એક ઉમેદવારી પત્ર રિજેક્ટ થયું હતું. જ્યારે ૧૦૦ પુરૂષ ઉમેદવારો અને ૭ મહિલા ઉમેદવારો મળી કુલ ૧૦૭ ઉમેદવારોએ તેમનાં ઉમેદવારીપત્રો પરત ખેંચતા ૧૯૭૧ ના વર્ષની લોકસભાની ચૂંટણીનો જંગ ૧૨૧ પુરૂષ અને એક મહિલા મળી કુલ ૧૨૨ ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો.
આ ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ૫૮,૭૪,૨૭૬ પુરૂષ અને ૫૬,૬૧,૦૩૬ મહિલા મળી કુલ ૧,૧૫,૩૫,૩૧૨ મતદારો હતા. જે પૈકી ૩૫,૫૯,૯૮૧ પુરૂષ અને ૨૮,૪૧,૩૨૮ મહિલા મતદારો મળી કુલ ૬૪,૦૧,૩૦૯ મતદારોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીનું એક અગત્યનું પાસું એ પણ હતું કે, સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા મહિલા મતદારો પૈકી ૫૦.૧૯ ટકા મહિલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં થયેલા મતદાન પૈકી ૪.૨૪ ટકા મત એટલે કે ૨,૭૧,૨૭૧ મત રિજેક્ટ થયા હતા.
ગુજરાતની ૨૪ બેઠકોના ચૂંટણી પરિણામ બાદ ચૂંટણી લડેલા ૧૨૨ ઉમેદવારો પૈકી ૬૮ પુરૂષ અને એક મહિલા મળી કુલ ૬૯ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. જેમાં મહેસાણા બેઠક ઉપર સૌથી વધુ ૭ ઉમેદવારોએ, રાજકોટ બેઠક પર ૬ ઉમેદવારોએ, સુરેન્દ્રનગર, જુનાગઢ, ભાવનગર અને અમદાવાદ બેઠક ઉપર પ-પ ઉમેદવારોએ, પાટણ અને સુરત બેઠક ઉપર ૪-૪ ઉમેદવારોએ, જામનગર, સાબરકાંઠા અને કૈરા બેઠક ઉપર ૩-૩ ઉમેદવારોએ, અમરેલી, ધંધુકા, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ, ડભોઇ, બ્રોચ (હાલનું ભરૂચ) અને માંડવી બેઠક ઉપર બે-બે ઉમેદવારોએ તથા કચ્છ, બરોડા અને બુલસર બેઠક ઉપર ૧-૧ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી.
આણંદ જિલ્લાની વાત કરીએ તો, ૧૮-આણંદ લોકસભા મતદાન વિભાગના ચૂંટણી જંગમાં તે સમયે ૯ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો ભર્યાં હતાં, જે પૈકી એક ઉમેદવારી પત્ર રદ થયું હતું, જ્યારે ચાર ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પરત ખેંચતા આણંદ લોકસભાની આ બેઠક ઉપર ચાર ઉમેદવારો રહ્યા હતા. લોકસભાની આ ચૂંટણી અન્વયે તા. ૩-૧-૧૯૭૧ ના રોજ મતદાન થયું હતું. મતદાન બાદ પરિણામ આવતા ચાર ઉમેદવારો પૈકી બે ઉમેદવારોએ તેમની ડિપોઝિટ ગુમાવી હતી.
૧૯૭૧ ની આણંદ લોકસભાની ચૂંટણીમાં તે સમયે ૨,૫૮,૦૦૨ પુરૂષ મતદારો અને ૨,૩૩,૯૮૪ મહિલા મતદારો મળી કુલ ૪,૯૧,૯૮૬ મતદારો નોંધાયા હતા. જે પૈકી ૧,૭૫,૭૦૦ પુરૂષ અને ૧,૩૫,૯૦૪ મહિલા મતદારો મળી કુલ ૩,૧૧,૬૦૪ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા ૬૩.૩૪ ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠક ઉપર થયેલ મતદાન પૈકી ૯,૦૮૮ મતો એટલે કે ૨.૯૨ ટકા મતો રિજેક્ટ થયા હતા.
આણંદ લોકસભાની આ ચૂંટણીનું પરિણામ આવતા પ્રથમ ઉમેદવારને ૧,૬૮,૫૮૬ (૫૫.૭૩ ટકા) મત, બીજા ઉમેદવારને ૧,૨૪,૯૮૨ (૪૧.૩૧ ટકા) મત, ત્રીજા ઉમેદવારને ૫,૬૪૫ (૧.૮૭ ટકા) મત અને ચોથા ઉમેદવારને ૩,૩૦૩ (૧.૦૯ ટકા) મત મળ્યા હતા. વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્પર્ધીથી ૧૪.૪૧ ટકા મત એટલે કે, ૪૩,૬૦૪ મતોની સરસાઇથી વિજેતા બન્યા હતા.
આ પણ વાંચોઃ આ રીતે રામલલાના કપાળ સુધી પહોંચશે સૂર્યપ્રકાશ, જાણો સૂર્ય તિલકની સંપૂર્ણ પ્રક્રિયા