ગુજરાતમાં કયા વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃતિ? આદિવાસી વિભાગે કરી સ્પષ્ટતા
ગાંધીનગર, 7 ડિસેમ્બર: અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના બંધ કરવાના ગુજરાત સરકારના નિર્ણય સંદર્ભે વિવિધ અખબારોમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલોના સંબંધમાં હવે આદિજાતિ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
આદિજાતિ વિભાગે શું સ્પષ્ટતા કરી?
આદિજાતિ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અમલમાં મૂકી છે. જેમાં રાજ્ય સરકાર પણ જોડાયેલ છે. ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયની વર્ષ 2010થી લાગુ થયેલી આ યોજનાની માર્ગદર્શિકા અનુસાર આદિવાસી સમાજનાં બાળકોને પેઇડ અને ફ્રી સીટ ઉપર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી. પરંતુ, આદિજાતિ બાબતોના મંત્રાલયે વર્ષ 2022થી નવી માર્ગદર્શિકા બહાર પાડી છે અને તેના અનુસંધાને રાજ્યોને સમયાંતરે સૂચનાઓ પણ આવેલ છે. નવી સુચનાઓ મુજબ, પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ્ય અનુસૂચિત જનજાતિઓના તેજસ્વી તેમજ ગરીબ બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તેવો છે, જેથી મેનેજમેન્ટ ક્વોટામાં એટલે કે પેઇડ સીટ ઉપર પ્રવેશ મેળવે તો તે માટે શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા કાળજીપૂર્વકની વિચારણાના અંતે શૈક્ષણિક વર્ષ 2024-25થી મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, મહત્ત્વપૂર્ણ છે કે, શૈક્ષણિક વર્ષ 2023-24માં કે તે પૂર્વે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ હોય અને શિષ્યવૃત્તિનો લાભ મળેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને કોર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી તે સમયની માર્ગદર્શિકા મુજબ શિષ્યવૃત્તિનો લાભ આપવાનું પણ ઠરાવાયું છે.
આ પણ જૂઓ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત હાઇકોર્ટની ૨૧ નવી કોર્ટ બિલ્ડિંગોનું ખાતમુહૂર્ત