આ શાળામાં એવા કયાં 16 બાળકોએ લીધું એડમિશન જેની રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થાય છે?
- જોડિયા બાળકોની આઠ જોડીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ
આઈઝોલ, 17 મે: દુનિયામાં એક જેવો દેખાવ ધરાવનારા સાત લોકો હોય છે એવું કહેવાય છે. ઘણીવાર જોડિયા ભાઈ-બહેનોનો દેખાવ પણ સમાન હોય છે. પરંતુ જો એક જ શાળામાં એક નહીં, બે નહીં, પરંતુ જોડિયા બાળકોની આઠ જોડી એકસાથે જોવા મળે તો તે આશ્ચર્યજનક કહેવાય. મિઝોરમની રાજધાની આઈઝોલ(Aizawl)ની એક સ્કૂલમાં આવું જ કંઈક થયું છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, આઇઝોલમાં સરકારી કોલેજ વેંગ પ્રાથમિક શાળા(Government College Veng Primary School)એ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વર્ષે શાળામાં મોટી સંખ્યામાં જોડિયા બાળકો જોવા મળ્યા છે. હાલ આ જોડિયા બાળકોની આઠ જોડીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
શાળા આટલી મોટી સંખ્યામાં જોડિયા બાળકો મેળવીને રોમાંચિત
શાળાના લોકો આટલી મોટી સંખ્યામાં જોડિયા બાળકોને મેળવીને રોમાંચિત છે. હેડમાસ્તર, એચ લાલવેન્ટલુઆંગાના જણાવ્યા અનુસાર, શાળામાં પહેલા પણ જોડિયા બાળકોના પ્રવેશ થતાં હતા, પરંતુ આ વર્ષે આઠની જોડીએ રેકોર્ડ બનાવ્યો છે. એચ લાલવેન્ટલુઆંગાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, “આજે સવારે સ્ટાફની મીટિંગ દરમિયાન, અમને એ જાણીને આનંદ થયો કે અમારી પાસે હાલમાં જુદા જુદા ધોરણમાં ભણતા જોડિયા બાળકોના આઠ સેટ છે. ગયા વર્ષે, અમારી પાસે માત્ર ચાર સેટ હતા.”
હેડમાસ્તરે વધુમાં જણાવ્યું હતું કે, ‘જોડિયા બાળકો આઈઝોલના વિવિધ વિસ્તારોમાંથી આવે છે, જેમાં કોલેજ વેંગ, ITI અને સલેમ વેંગનો સમાવેશ થાય છે. જોડિયા બાળકોમાં સારું લિંગ સંતુલન છે, જેમાં એક જોડી જોડિયા ભાઈ-બહેનોની, ચાર જોડી છોકરીઓની અને ત્રણ જોડી છોકરાઓની છે.‘ તેમણે વધુમાં કહ્યું કે, “કેજી 1 માં બે જોડી છોકરાઓની, એક ભાઈ-બહેનની જોડી અને એક જોડી છોકરીઓની છે. કેજી 2માં એક જોડી છોકરાઓની છે, જ્યારે પહેલા ધોરણમાં છોકરાઓની એક જોડી છે અને છોકરીઓની પણ એક જોડી છે તો બીજા ધોરણમાં વધુ બે છોકરીઓ છે.”
જોડિયા બાળકોની એક જોડી પોતે હેડમાસ્તરની છે!
રસપ્રદ વાત તો એ છે કે, જોડિયા ભાઈ અને બહેનના સમૂહમાંથી એક સેટ તો પોતે હેડમાસ્તરનો છે. તેમનો પુત્ર રેમ્રુઆતદીકા અને પુત્રી લાલાઝારઝોવી, હાલમાં કિન્ડરગાર્ટન 1માં છે અને 21 જુલાઈના રોજ પાંચ વર્ષના થશે.
આ પણ જુઓ: રશ્મિકા મંદાન્નાએ અટલ સેતુ પર બનાવ્યો વીડિયો, પીએમ મોદીએ કર્યા વખાણ