એશિયા કપ-2022 ક્યાં રમાશે? બીસીસીઆઇ ચીફ ગાંગુલીએ કરી મોટી જાહેરાત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ગુરૂવારે કહ્યુ કે એશિયા કપ સંયુક્ત અરબ અમીરાતમાં કરાવવામાં આવશે, જેનું આયોજન પહેલા શ્રીલંકામાં થવાનું હતું. શ્રીલંકા આ સમયે આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે અને તેવામાં આટલી મોટી ટૂર્નામેન્ટનું આયોજન આ દેશમાં થઈ શકે નહીં. આ જાહેરાત થતાની સાથે જ એશિયા કપમાં ભાગ લેનાર ટિમો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે આ ઉપરાંત આરબ અમીરાતમાં પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ટુર્નામેન્ટને લઇ તમામ દેશો ઉત્સાહિત જોવા મળ્યા છે.
ગાંગુલીની મોટી જાહેરાત : ગાંગુલીએ એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ પત્રકારોને કહ્યુ- એશિયા કપ સંયુક્ત અરબ અમીરાતમાં રમાશે કારણ કે આ એવી જગ્યા છે જ્યાં વરસાદની સીઝન હશે નહીં. શ્રીલંકા ક્રિકેટે બુધવારે એશિયન ક્રિકેટ પરિષદને જાણ કરી કે દેશમાં આર્થિક અને રાજકીય સંકટને કારણે બોર્ડ એશિયા કપ ટી20ના આગામી તબક્કાની યજમાની કરવાની સ્થિતિમાં નથી.
લંકા પ્રીમિયર લીગ પણ થઈ સ્થગિત : શ્રીલંકા ક્રિકેટે વર્તમાન સંકટને કારણે હાલમાં લંકા પ્રીમિયર લીગના ત્રીજા તબક્કાને સ્થગિત કરી દેવામાં આવી. એશિયા કપ (ટી20) નું આયોજન 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે.
ભારત છે સફળ ટીમ : 2022 એશિયા કપ ટૂર્નામેન્ટની 15મી સીઝન હશે, જેની શરૂઆત 1984મા શારજાહમાં થઈ હતી. ભારત ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે, જેણે સાત વખત આ ટ્રોફી જીતી છે. શ્રીલંકાએ પાંચ વખત આ ટૂર્નામન્ટ જીતી છે. જ્યારે પાકિસ્તાન બે વખત ચેમ્પિયન બન્યું છે.