અમદાવાદ, 06 જુલાઈ 2024, સંસદમાં હિન્દુઓ પર આપેલા નિવેદન બાદ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ થઈ હતી. જેમાં બંને પક્ષે સામ સામે ફરિયાદો નોંધાઈ છે. પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી. જેમને આજે રાહુલ ગાંધી મળવા જવાના હતાં પણ પોલીસે ધરપકડ કરવામાં આવેલા કાર્યકરોના રિમાન્ડ આજે પૂરા થતા હોવાથી તેમને વહેલા કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખ્યા હતાં. રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલયથી આહ્વાન કર્યું હતું કે, ગાંધીજીની કોંગ્રેસ ગુજરાતથી ઊભી થઈ હતી, કોંગ્રેસનું નવસર્જન અહીંથી જ કરીશું. રાહુલ ગાંધીની મુલાકાત પર અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી હતી.
રાહુલ ગાંધી ફક્ત ગુજરાતને બદનામ કરવા અહીં આવ્યા
વર્ષો સુધી કોંગ્રેસમાં રહીને ભાજપના નેતાઓ સામે આકરી ભાષામાં બોલનારા અર્જુન મોઢવાડિયા હવે ભાજપની ટીકિટ પર પોરબંદરની બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી જીત્યાં છે. ત્યારે રાહુલ ગાંધીની મુલાકાતને લઈને તેમણે નિવેદન આપ્યું હતું. ગુજરાતને જરૂર હતી ત્યારે રાહુલ ગાંધીએ અહીં આવવું જોઈતું હતું. તેમજ TRP ગેમ ઝોન દુર્ઘટના અને મોરબી બ્રિજ તૂટ્યો ત્યારે રાહુલ ગાંધી ક્યાં હતા? ગુજરાતમાં પૂર આવ્યું, કોરોના ફેલાયો ત્યારે રાહુલ ગાંધી ક્યાં હતા. રાહુલ ગાંધી ફક્ત ગુજરાતને બદનામ કરવા અહીં આવ્યા છે.
રાહુલ ગાંધી પહેલા પોતાના ઘરનો ઈતિહાસ જુએ
તે ઉપરાંત સહકારી આગેવાન દિલીપ સાંઘાણીએ કહ્યું હતું કે,રાહુલ ગાંધીનો હેતું યોગ્ય નથી. રાહુલ ગાંધીએ હિન્દુત્વ વિરુદ્ધ નિવેદન આપ્યું છે.રાહુલ ગાંધીનો હેતુ યોગ્ય નથી. તેમણે દેશની સંસદમાં હિન્દુત્વ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. તેમની માનસિકતા દેશ વિરોધી છે. તેમની હિંદુ વિરોધી માનસિકતાને દેશ ક્યારેય સ્વીકારશે નહીં. હિંદુ સૌને સાથે લઈને ચાલનારો ધર્મ છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી પહેલા પોતાના ઘરનો ઈતિહાસ જુએ, ભગવાન શિવની તસવીર લઈને નીકળેલા રાહુલ સનાતની નથી.
આ પણ વાંચોઃગુજરાતમાંથી કોંગ્રેસ ઉભી થઈ હતી હવે અહીંથી જ નવસર્જન કરીશુંઃ રાહુલ ગાંધી