ગુજરાતમાં ક્યાં ધારાસભ્યએ પોતાને મળતો પગાર અને ભથ્થા સહિતના લાભોનો કર્યો ત્યાગ ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ જે ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે તેઓ પૈકી કેટલાક કંઈક અલગ રીતે તરી આવે છે. જેમકે કેટલાક ધારાસભ્ય સતત ચૂંટાઈ આવ્યા હોય અને ક્યારેય હાર ન ભાળી હોય, અમુક ધારાસભ્ય પ્રથમ વખત જ ચૂંટાયા હોય, કોઈક અત્યારસુધી હારતા જ આવ્યા હોય અને પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા હોય તો કોઈ સંપત્તિ કે અન્ય બાબતોમાં અલગ નજરાઈ પડતા હોય છે. પરંતુ આજે આ પૈકીના એક ધારાસભ્યએ પોતાને મળતા પગાર કે અન્ય લાભોનો ત્યાગ કર્યો છે અને તેઓએ આ જાહેરાત લેખિતમાં કરી વિધાનસભાના અધ્યક્ષને જાતે સોંપી છે. તમને થતું હશે કે આ ધારાસભ્ય કોણ હશે તો તેઓ કોઈ નવા વ્યક્તિ નથી પણ વર્ષોથી પોતાના દમ ઉપર જીતતા આવતા દ્વારકા વિધાનસભા બેઠકના પબુભા વિરમભા માણેક છે.
શંકરભાઈ ચૌધરીને આપ્યો પત્ર
ધારાસભ્ય પબુભા માણેકે આજે ગાંધીનગર ખાતે વિધાનસભાના એક દિવસીય સત્ર દરમિયાન નવ નિર્વાચીન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની મુલાકાત લીધી હતી. તેઓએ મુલાકાત દરમિયાન જ આ જાહેરાત કરતો પત્ર તેમને આપ્યો હતો. આ દરમિયાન તેમના ટેકેદારો તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પબુભા માણેકની ઠેરઠેર વાહ વાહ થઈ
ધારાસભ્ય પબુભા માણેકે પોતાના પગાર સહિતના ભથ્થાઓને જ્યારે ત્યાગ કરવાની જાહેરાત કરી ત્યારે રાજ્યભરમાં રાજકારણમાં એક અચંભા ભર્યો માહોલ સર્જાયો હતો જો કે તેમના આ નિર્ણયની સૌ કોઈએ વાહવાહી કરી હતી.