ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપ અને એનડીએની 400 પારની ગણતરી ક્યાં-ક્યાં ખોટી પડી?

  • ભાજપ-એનડીએ ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્રમાં ધાર્યા મુજબ પરિણામ મેળવી ન શક્યા
  • દક્ષિણમાં, ખાસ કરીને તમિલનાડુમાં બેઠકો મળવાની આશા ઠગારી નીવડી
  • બે નવા કિલ્લા સર થયા, તો અન્યત્ર સફળતાનાં સમીકરણ ઊંધા પડ્યા

નવી દિલ્હી, 4 જૂનઃ લોકસભાના આજે જાહેર થઈ રહેલાં પરિણામોએ એક્ઝિટ પોલને ખોટા પાડ્યા છે. ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએને જ્યાં મહત્તમ બેઠકો મળવાની આશા હતી એવા ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્રમાં ભારે ફટકો પડ્યો છે. આ ત્રણે રાજ્યોમાં કોંગ્રેસ અને સ્થાનિક પક્ષો મેદાન મારી ગયા છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી તમામ ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલના અંદાજને ખોટા પાડીને 30 કરતાં વધુ બેઠકો મેળવવા તરફ આગળ વધી રહ્યો છે. તો પશ્ચિમ બંગાળમાં પણ ટીએમસીએ 30 બેઠકો સાથે રાજ્યમાં અગ્રીમ રહેશે એવું જણાય છે. મહારાષ્ટ્રમાં ગઠબંધનમાં ભાગલા પડાવ્યા પછી અને શિવસેના, એનસીપીમાં ઊભા ફાડિયા કર્યા પછી પણ મહારાષ્ટ્રમાં ધાર્યું પરિણામ મળી રહ્યું નથી.

ભાજપ-એનડીએને ઓડિશા અને આંધ્રપ્રદેશમાં નોંધપાત્ર સફળતા મળી છે. ઓડિશામાં ભાજપ પોતાની સરકાર બનાવી શકવાની સ્થિતિમાં છે તો આંધ્રપ્રદેશમાં ટીડીપીની સાથે સંયુક્ત સરકારમાં ભાજપને સ્થાન મળી શકે છે. જોકે, ચંદ્રબાબુ નાયડુના પક્ષ ટીડીપી 134 બેઠકો ઉપર પ્રચંડ બહુમતી સાથે આગળ છે. આંધ્રપ્રદેશમાં ભાજપ અત્યાર સુધીમાં આઠ બેઠક ઉપર આગળ છે. ગઠબંધનના ત્રીજો સાથી પક્ષ જનસેના પાર્ટી પણ 21 બેઠકો ઉપર આગળ છે. રાજ્યસમાં સત્તાધારી વાયએસઆરસીપી અત્યાર સુધીમાં માત્ર 12 બેઠક ઉપર જ આગળ છે. રાજસ્થાનમાં પણ ધાર્યા મુજબનાં પરિણામ નહીં મળતા ભાજપ-એનડીએ માટે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ છે.

એક તરફ જ્યાં ભાજપ-એનડીએને ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં નુકસાન થયું છે અને ગુજરાતમાં પણ એક બેઠકનું નુકસાન થઈ રહ્યું છે. તેની સામે ભાજપને મધ્યપ્રદેશ, દિલ્હી, હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ તથા ત્રિપુરામાં લોકસભાની તમામ બેઠકો મળશે તેવી શક્યતા છે. વાસ્તવમાં ભાજપને આ વખતે આશા હતી કે, ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી જેવાં રાજ્યોમાં તે 2019નો રેકોર્ડ જાળવી રાખશે અને તે ઉપરાંત અન્ય રાજ્યોમાં બેઠકો મેળવશે જેથી પક્ષ પોતે 370ની આસપાસ અને એનડીએ 400 પાર કરી દેશે. પરંતુ બપોરે 12 વાગ્યા સુધીનાં વલણના આધારે એવું કહી શકાય કે ભાજપ-એનડીએને ધારણા મુજબ બેઠકો મળી નથી. ભાજપ-એનડીએને સૌથી મોટો ફટકો ઉત્તરપ્રદેશમાં પડી રહ્યો હોય એવું લાગે છે.

આ પણ વાંચોઃ ઓડિશામાં લોકસભા અને વિધાનસભા બંનેમાં ભાજપ બહુમતી તરફ આગળ

Back to top button