ક્યારે મનાવાશે કુંભ સંક્રાંતિઃ સુર્યદેવની કૃપા મેળવવા માટે કરો આ કામ
હિંદુ ધર્મમાં કુંભ સંક્રાંતિનું ખાસ મહત્ત્વ છે. મકરસંક્રાંતિની જેમ જ આ દિવસે સ્નાન-ધ્યાન, દાન-પુણ્ય કરવામાં આવે છે. સંક્રાંતિ પર ગંગા સ્નાનું મહત્ત્વ હોય છે. તે રીતે આ દિવસે પણ ગંગા, યમુના કે કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી સુર્યદેવ પ્રસન્ન થાય છે અને ભક્તને તેમની કૃપા મળે છે. આ વર્ષે કુંભ સંક્રાંતિ 13 ફેબ્રુઆરી 2023ના રોજ મનાવવામાં આવશે.
મહા મહિનામાં કુંભ સંક્રાંતિના દિવસે પણ સુર્યનું રાશિ પરિવર્તન થાય છે. આ દિવસ દરમિયાન સુર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશે છે, જેને કુંભ સંક્રાંતિ કહેવાય છે. આ દિવસે ગાયોના દાનનું ખુબ જ મહત્ત્વ છે. સાથે સાથે ગંગામાં સ્નાન કરવાનું પણ શુભ માનવામાં આવે છે. કુંભ સંક્રાંતિના દિવસે વિધિ-વિધાનથી સુર્ય દેવની પુજા થાય છે. પુર્ણિમાં, અમાવસ્યા અને એકાદશીનું જેટલું મહત્ત્વ છે તેટલુ જ સંક્રાંતિ તિથિનું પણ હોય છે.
કુંભ સંક્રાંતિના મુહુર્ત
કુંભ સંક્રાંતિનું શુભ મુહુર્ત 13 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 7.02 વાગ્યે છે. આ દિવસે શરૂ થઇને તે સવારે 9.57 વાગ્યા સુધી શુભ મુહુર્ત છે. પુણ્ય કાળ મુહુર્તનો સમયગાળો લગભગ 2.55 કલાકનો છે.
શું છે મહત્ત્વ
સૂર્ય ભગવાનની પૂજાથી પરિવારમાં કોઈપણ વ્યક્તિ ઉપર મુસીબત આવતી નથી કે કોઇ રોગ થતો નથી. સાથે જ સુર્યનારાયણના આશીર્વાદથી જીવનના અનેક દોષ પણ દૂર થઈ જાય છે. વ્યક્તિની પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો થાય છે. આ દિવસે ખાદ્ય વસ્તુઓ, વસ્ત્રો અને ગરીબોને દાન આપવાથી અનેક ગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે.
આ દિવસે કરો આ કામ
- બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને ગંગા સ્નાન કરો. જો ગંગા સ્નાન શક્ય ન હોય તો સવારમાં વહેલા સ્નાન કરી લો.
- પાણીમાં ગંગા જળ ભેળવીને તેમજ તલ ભેળવીને સુર્યનારાયણને અર્ઘ્ય આપો.
- ભગવાન સુર્યના 108 નામનો જાપ કરો અને સુર્ય ચાલીસાના પાઠ કરો.
- પુજા કર્યા બાદ કોઇ ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરો.
- દાનમાં ખાવા પીવાની વસ્તુઓ અથવા વસ્ત્રો આપી શકો છો.