OTT પર ક્યારે રિલીઝ જ્હોન અબ્રાહમની The Diplomat, કોની રિયલ સ્ટોરી પર બની છે ફિલ્મ?

- જ્હોન અબ્રાહમની બેસ્ટ ફિલ્મોમાંની એક The Diplomat રિયલ સ્ટોરી પર આધારિત છે, આ કેસ આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ખૂબ જ ગાજ્યો હતો
HD ન્યુઝ ડેસ્કઃ જ્હોન અબ્રાહમની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ The Diplomat 14 માર્ચ, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ જે.પી. સિંઘની ભૂમિકા જોવા મળ્યો છે. આ ફિલ્મની વાર્તા પાકિસ્તાનના ઈસ્લામાબાદ શહેરની આસપાસ ફરે છે. મદ્રાસ કાફે અને બાટલા હાઉસ પછી, આ જોન અબ્રાહમની ત્રીજી ફિલ્મ છે જેમાં તેણે સ્ક્રિપ્ટ સમજી-વિચારીને પસંદ કરી છે અને પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. આ દરમિયાન, ફિલ્મમાં કેટલાક દ્રશ્યો એવા છે જે દર્શકોને રડાવી દેશે.
શું છે ધ ડિપ્લોમેટની કહાની?
વાસ્તવિક જીવનની રાજકીય ઘટનાઓ પર આધારિત આ ફિલ્મ રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય સંબંધોની જટિલ દુનિયામાં ઊંડા ઉતારે છે. રાજદ્વારીઓને તેમના વ્યવસાયમાં જે વ્યક્તિગત સંઘર્ષોનો સામનો કરવો પડે છે તેના પર પણ પ્રકાશ પાડે છે. ટૂંકમાં ધ ડિપ્લોમેટ એક ભારતીય રાજદ્વારીના પાકિસ્તાનથી ભારતીય છોકરીને પાછી લાવવાના પ્રયાસોની સત્ય ઘટના પર આધારિત છે.
આ ફિલ્મ OTT પર ક્યાં રિલીઝ થશે?
ફિલ્મના OTT રિલીઝનો માર્ગ પણ લગભગ નક્કી થઈ ગયો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો આ ફિલ્મ થિયેટર રન પૂર્ણ થયા પછી નેટફ્લિક્સ પર ઉપલબ્ધ થશે. જોકે ફિલ્મની OTT રિલીઝ તારીખ અને તે કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો અનુસાર, આ ફિલ્મ 90 દિવસના થિયેટર રન પછી OTT પર આવશે.
કોના જીવન પર આધારિત છે ફિલ્મ?
અભિનેતા જ્હોનની આ ફિલ્મ આઈએફએસ અધિકારી જેપી સિંહના જીવન અને તેમના સૌથી ચેલેન્જિંગ કેસ ઉઝમા અહમદ પર આધારિત છે. 2017 માં દિલ્હીની રહેવાસી ઉઝમા અહેમદ ઓનલાઈન મિત્રતા પછી પાકિસ્તાન ગઈ હતી, જ્યાં તેની મુલાકાત તાહિર અલી સાથે થઈ હતી, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેને ખબર પડી કે તાહિર પહેલેથી જ પરિણીત છે. ઉઝમાએ આરોપ લગાવ્યો હતો કે તાહિરે બંદૂકની અણીએ બળજબરીથી તેની સાથે લગ્ન કર્યા છે. તેને કેદમાં રાખવામાં આવી, ત્રાસ આપવામાં આવ્યો અને ડ્રગ્સનો દુરુપયોગ કરીને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. ઉઝમાને જેવો મોકો મળ્યો કે તરત તે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગ પહોંચી અને ત્યાં આશ્રય માંગ્યો.
જેપી સિંહની આ કેસમાં ભૂમિકા
તે સમયે જેપી સિંહ પાકિસ્તાનમાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે તહેનાત હતા. જ્યારે ઉઝમા હાઈ કમિશન પહોંચી, ત્યારે તેમણે ઝડપી નિર્ણય લીધો અને તેને રાજદ્વારી સુરક્ષા આપી. ભારતીય હાઈ કમિશનને ભારતનો સાર્વભૌમ પ્રદેશ માનવામાં આવે છે અને આ સુરક્ષિત સ્થળે પહોંચ્યા પછી ઉઝમાને થોડી રાહત થઈ હતી. જેપી સિંહે ખાતરી કરી કે ઉઝમાને યોગ્ય સુરક્ષા અને કાનૂની સહાય મળે.
આ કેસ બન્યો હતો રાજદ્વારી કુશળતાનું ઉદાહરણ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંવેદનશીલ સંબંધોને કારણે આ મામલો એક મોટી રાજદ્વારી કટોકટી બની શકે તેમ હતો. તાહિર અલીએ ઉઝમાને પરત લાવવા માટે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી જ્યારે ઉઝમાએ કોર્ટને ભારત પાછા ફરવાની મંજૂરી આપવા અપીલ કરી હતી. આ સમય દરમિયાન, જેપી સિંહે ઉઝમાની કાનૂની લડાઈને મજબૂત બનાવવા માટે પાકિસ્તાની વકીલોની એક ટીમની નિમણૂક કરી અને દરેક સુનાવણી દરમિયાન તેને ટેકો આપ્યો હતો. તેમના પ્રયાસોને કારણે, આ મુદ્દો આંતરરાષ્ટ્રીય મીડિયાની હેડલાઇન્સમાં આવ્યો, જેના કારણે પાકિસ્તાની વહીવટીતંત્ર પર દબાણ વધ્યું હતું. કેટલાય સમયની કાનૂની લડાઈ પછી, ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઉઝમાના પક્ષમાં ચુકાદો આપ્યો અને તેને ભારત પાછા ફરવાની મંજૂરી આપી.આ મામલો જેપી સિંહની રાજદ્વારી કુશળતાનું ઉદાહરણ બન્યો હતો.
આ પણ વાંચોઃ સોનું કે શેર… આગામી ત્રણ વર્ષમાં કોણ આપશે વધુ વળતર: રિપોર્ટ છે ચોંકાવનારો
આ પણ વાંચોઃ કામવાળી બાઈ નથી આવી, નો ટેન્શન ! હવે અર્બન કંપની 15 મિનિટમાં તમારા ઘરે પહોંચતી કરશે ‘મેઇડ’