ગણેશોત્સવ ક્યારથી થશે શરૂ? આ રીતે કરો દૂંદાળા દેવને પ્રસન્ન
- દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ એટલે કે ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવની શરૂઆત થાય છે. ગણેશોત્સવ 10 દિવસ ચાલે છે
HD ન્યુઝ ડેસ્કઃ ભગવાન ગણેશની જન્મજયંતિને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ એટલે કે ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવની શરૂઆત થાય છે. ગણેશોત્સવ 10 દિવસ ચાલે છે. ચતુર્થીથી શરૂ થયેલો ગણેશોત્સવ અનંત ચૌદશે પૂર્ણ થાય છે. આ દિવસો દરમિયાન ગણપતિ બાપ્પાની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે તો ગણેશજી પ્રસન્ન થાય છે. આપણા શાસ્ત્રોમાં ગણેશજીને જ્ઞાન અને સુખ- સમૃદ્ધિના દાતા માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણેશજીનો જન્મ બપોરે થયો હતો. તેથી, ભગવાન ગણેશની પૂજા માટે મધ્યાહનનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વર્ષે ગણેશોત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 10 દિવસ પછી 17 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીએ ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. જાણો ગણેશ ચતુર્થીના દિવસે પૂજાનો શુભ સમય, પૂજા પદ્ધતિ અને ચંદ્રોદયનો સમય
ગણેશ ચતુર્થી ક્યારે છે?
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 3:01 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 07 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:37 વાગ્યે સમાપ્ત થશે. તેથી ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને 7 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થશે.
મધ્યાહન ગણેશ પૂજાનો સમય
આ દિવસે મધ્યાહન ગણેશ પૂજાનો શુભ સમય સવારે 11:03 થી બપોરે 1:34 સુધીનો રહેશે.
વર્જિત ચંદ્ર દર્શનનો સમય
7 સપ્ટેમ્બરના રોજ સવારે 9:30 થી સાંજના 8:45 સુધી ચંદ્ર દર્શન વર્જિત રહેશે. ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્ર દર્શન કરવાથી મિથ્યા દોષ કે કલંક લાગે છે.
ગણેશ ચતુર્થીની પૂજા પદ્ધતિ
- ગણેશ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠો. સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો.
- તમારા ઘરના મંદિરને સાફ કરો. ટેબલ પર લાલ કપડું પાથરો.
- હવે શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશની મૂર્તિ પૂર્વ કે ઉત્તર દિશામાં સ્થાપિત કરો.
- ભગવાન ગણેશની મૂર્તિ સાથે રિદ્ધિ-સિદ્ધિની સ્થાપના કરો.
- હવે ભગવાન ગણેશને હળદર, દુર્વા, અત્તર, મોદક, ચંદન, અક્ષત સહિતની તમામ પૂજા સામગ્રી અર્પણ કરો.
- ભગવાન ગણેશને ધૂપ-દીપ કરી આરતી કરો. સાથે તમામ દેવતાઓની આરતી કરો.
- પૂજા દરમિયાન તમે ભગવાન ગણેશના બીજ મંત્ર ‘ઓમ ગં ગણપતયે નમઃ’ નો જાપ કરી શકો છો.
આ પણ વાંચોઃ કાર્તિકેયને મનાવવા માટે પ્રગટ્યા હતા મલ્લિકાર્જુન, શું છે જ્યોતિર્લિંગની વિશેષતા