નવરાત્રીના પૂજનની સામગ્રી ક્યારે ખરીદશો? જુઓ સામગ્રીનું લિસ્ટ
- નવરાત્રીના પૂજનની સામગ્રી ખરીદવા આમ તો મુહૂર્ત જોવાની જરૂર હોતી નથી, પરંતુ સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓને વિદાય આપ્યા બાદ તમે તે ખરીદી શકો છો
HD ન્યુઝ ડેસ્કઃ આ વર્ષે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે કળશ સ્થાપન સાથે શક્તિની ઉપાસનાના મહા પર્વ નવરાત્રીનો પ્રારંભ થશે. આ વર્ષે નવરાત્રી 3જી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. નવરાત્રી દરમિયાન એકમના દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે શુભ મુહૂર્તમાં કળશની સ્થાપના કરીને અને અખંડ જ્યોત પ્રગટાવવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે. આ નવ દિવસોમાં ઘટસ્થાપન, આરતી અને દુર્ગા સપ્તશતીનો નિયમિત પાઠ કરવો અત્યંત લાભદાયી છે. સિદ્ધપીઠોના દર્શન કરવા પણ શુભ માનવામાં આવે છે. નવરાત્રીના દિવસોમાં દેવી માતાની વિશેષ પૂજા અને પાઠ કરવામાં આવે છે. જો તમે નવરાત્રીની પૂજા કરી રહ્યા છો, કે તમે ઘરે ઘટસ્થાપન કરી રહ્યા છો તો તમારે જાણવું જોઈએ કે નવરાત્રીના પૂજનની સામગ્રી ક્યારે ખરીદવી. કારણકે બુધવારે 2 ઓક્ટોબરે સર્વ પિતૃ અમાસ છે.
નવરાત્રી વ્રત માટેની સામગ્રી પૂર્વજોને તર્પણ કર્યા પછી અને સર્વ પિતૃ અમાસ પર તેમને વિદાય આપ્યા પછી તેમના નામે દીવો પ્રગટાવ્યા બાદ ખરીદી શકાય છે. આ વર્ષે નવરાત્રી વ્રત દરમિયાન, મા દુર્ગાના કળશ સ્થાપનનો સમય સવારનો છે, આવી સ્થિતિમાં તમે આટલી વહેલી સવારે સામગ્રી ન ખરીદી શકો, તેથી તમે અમાસની પૂજા પછી સાંજે સામગ્રી ખરીદી શકો છો.
કળશ સ્થાપન માટેની સામગ્રી
આંબાના પાન, માટીના વાસણ, જવ, પાણી, લાલ કાપડ, નારિયેળ, નાડાછડી, કંકુ, સોપારી, ગંગાજળ, સિક્કો, દુર્વા, ઘઉં અને ચોખા, હળદર, સોપારી , પાન અને કપૂર
શારદીય નવરાત્રીમાં પૂજા સામગ્રીની યાદી
ધૂપ, ફૂલ અને ફળ, સોપારી, લવિંગ, એલચી, દૂર્વા, કપૂર, અક્ષત, નારિયેળ, નાડાછડી, લાલ ચુંદડી, લાલ કાપડ, લાલ ચંદન, મા દુર્ગાનો ફોટો કે મૂર્તિ, ઘીનો દીવો અને શ્રૃંગારની વસ્તુઓ
આ પણ વાંચોઃ નવરાત્રીમાં તમે પણ અખંડ જ્યોત રાખતા હોય તો પહેલા જાણી લો આ નિયમ