જોડિયા બાળકો મૃત્યુ પામતા માતા – પિતા મૃતદેહ હોસ્પિટલમાં જ મુકી ભાગી ગયા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે એક દંપતી પોતાના જોડીયા બાળકોના મૃતદેહને મુકી ભાગી ગયા હતા. જેમાં તપાસ કરતા સાવરકુંડલાના ધજાડી ગામે રહેતી મહિલાએ બે દિવસ પહેલા સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં જૂડવા દિકરી-દિકરાને જન્મ આપ્યા બાદ આ બંને નવજાતની તબિયત બગડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ બંને ભાઇ-બહેનના મોત નિપજતાં પોલીસ કેસ જાહેર કરવાનો હોઇ માતાને કેસ કઢાવવા મોકલવામાં આવતાં તેણી તેના પતિ સાથે બાળકોના મૃતદેહ મુકી ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરતા તેઓની શોધખોળ હાથ ધરી હતી.
આ પણ વાંચો : આસામથી શાહના કૉંગ્રેસ પર વાર, કહ્યું-‘કૉંગ્રેસના રાજમાં માત્ર હિંસા જ ફેલાઈ’
બપોરે દીકરીનું અને મોડી રાત્રે દીકરાનું થયું હતું મોત
મળતી વિગતો મુજબ, રાજકોટ સિવિલ હોસ્પિટલ કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં ગઇકાલે રીના વિજય પારગી નામની મહિલા પોતાના નવજાત દિકરી-દિકરાને લઇને આવી હતી. તેણીએ આ બંનેને તા. 6ના રોજ સાવરકુંડલા હોસ્પિટલમાં જન્મ આપ્યાનું અને પોતે પતિ સાથે સાવરકુંડલાના ધજાડી ગામે રહેતી હોવાનું કહ્યું હતું. બંને બાળકની જન્મ બાદ તબિયત બગડી હોઇ અમરેલી સારવાર લઇ રાજકોટ આવ્યાનું કહેતાં તબિબોએ બાળકોને એનઆઇસીયુમાં દાખલ કર્યા હતાં. દરમિયાન બપોરે નવજાત દિકરીનું મૃત્યુ નિપજતાં નિયમ મુજબ પોલીસ કેસ જાહેર કરવાનો હોઇ માતા રીનાને કેસ બારીએથી કેસ કઢાવવા મોકલાતા તેણી કેસ કઢાવવા ગયા બાદ પાછી જ નહોતી આવી અને તેનો પતિ પણ ગાયબ હતો. તબિબે જાણ કરતાં નર્સિંગ સ્ટાફ, સિકયુરીટી સ્ટાફ સહિતે હોસ્પિટલના વોર્ડ, કમ્પાઉન્ડમાં બાળક-બાળકીના માતા-પિતાની શોધખોળ કરી હતી પણ પત્તો મળ્યો નહોતો. બીજી તરફ નવજાત દિકરાનું પણ મોડી રાતે મોત નિપજતાં આ મામલે હોસ્પિટલ ચોકીમાં જાણ કરતાં હેડકોન્સ. કલ્પેશભાઇ સરવૈયાએ સાવરકુંડલા પોલીસને જાણ કરી હતી. બંને બાળકના મૃતદેહના ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યા હતાં. પોલીસે ભાગી ગયેલા નવજાત જૂડવા બાળક-બાળકીના વાલીની શોધખોળ શરુ કરી છે.
આ પણ વાંચો : “રાજસ્થાન સરકાર ગૌતમ અદાણીને ખોટી રીતે બિઝનેસ આપશે તો…”