વડાપ્રધાને પોતે જ્યારે જુબાની આપવા માટે કોર્ટમાં જાતે હાજર રહેવું પડ્યું…
નવી દિલ્હી, 24 મે: 2024ની લોકસભા ચૂંટણી અંતિમ તબક્કામાં છે. છઠ્ઠા તબક્કા માટે શનિવારે મતદાન થવાનું છે, અને પહેલી જૂને સાતમા અને છેલ્લા બતક્કાનું મતદાન થશે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ અને ફુલપુર લોકસભા બેઠકો માટે 21 મેના રોજ પહોંચ્યા હતા. આ બેઠક પર છઠ્ઠા તબક્કામાં મતદાન યોજાશે. અહીં યોજાયેલી જાહેરસભા દરમિયાન મોદીએ કોંગ્રેસને ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈંદિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીની પ્રયાગરાજના મતદારોને યાદ અપાવી હતી. પ્રયાગરાજ (જે અગાઉ અલ્હાબાદ તરીકે ઓળખાતું) તે નેહરુ અને ગાંધી પરિવારનું જન્મસ્થળ અને કાર્યસ્થળ અને અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ઇંદિરા ગાંધી સામે કરવામાં આવેલી કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કટોકટીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીની રાયબરેલી સીટ પર યોજાયેલી ચૂંટણીને રદ કરી દીધી હતી. આ ઉપરાંત તેમના પર ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પછી ઈંદિરા ગાંધીએ ઈમરજન્સી લાદીને દેશની જનતા સાથે કેવું વર્તન કર્યું? તેને ક્યારેય ભૂલી શકાય નહીં. આમ છતાં કોંગ્રેસનું ચરિત્ર આજદિન સુધી બદલાયું નથી.
સૌ જાણીએ છીએ કે, 1969માં કોંગ્રેસનું ઐતિહાસિક વિભાજન થયું હતું. કોંગ્રેસના વિભાજન બાદ વર્ષ 1971માં લોકસભાની મધ્યસત્ર ચૂંટણી યોજાઈ હતી. બેંકોના રાષ્ટ્રીયકરણે ઇન્દિરા ગાંધીની ગરીબ તરફી છબીની લોકપ્રિયતા વધી હતી. વિપક્ષ અને કોંગ્રેસથી દૂર રહેલા નેતાઓએ ઈન્દિરા ગાંધી સામે મહાગઠબંધન કર્યું હતું. આ ચૂંટણીમાં તેમની સામે મહાગઠબંધનનો સફાયો થઈ ગયો હતો. ઈન્દિરાના નેતૃત્વમાં કોંગ્રેસ (આઈ)ને 352 બેઠકો મળી હતી.
હરીફ ઉમેદવાર રાજનારાયણે ઇંદિરા ગાંધીની ચૂંટણીને પડકારીઃ
ઇંદિરા ગાંધીને તેમના હરીફ સમાજવાદી નેતા રાજનારાયણે કોર્ટમાં પડકાર્યાં હતાં. તેમણે ઈન્દિરા ગાંધી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં પરંતુ રાજનારાયણે ઈંદિરાની ચૂંટણીની માન્યતાને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારી, તેમના પર વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન સરકારી સંસાધનોનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો. 1974માં જસ્ટિસ જગમોહન લાલ સિન્હા સમક્ષ આ અરજીની સુનાવણી શરૂ થઈ હતી. આ સમય દરમિયાન, કોર્ટની કાર્યવાહી અખબારો દ્વારા લોકોમાં ઉત્સુકતા વધારી રહી હતી. જોકે, ઈન્દિરા ગાંધીના પક્ષે મામલો ખોટો સાબિત બાદ તેમણે પોતે જ કોર્ટમાં જુબાની આપવા આવવું પડ્યું હતું.
આ ઘટનાનો ઉલ્લેખ જાણીતા વકીલ પ્રશાંત ભૂષણના પુસ્તક ‘ધ કેસ હૂ શૂક ઈન્ડિયા’માં કરવામાં આવ્યો છે. પુસ્તક અનુસાર, 18 માર્ચ 1975 એ દિવસ હતો જ્યારે ઈન્દિરા ગાંધી જુબાની આપવા કોર્ટમાં પહોંચ્યાં હતાં. આ દિવસે કંઈક એવું બન્યું જેની ભારતીય રાજનીતિના ઈતિહાસમાં કોઈ કલ્પના પણ ન કરી શકે. આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે રોમાંચક અને સનસનાટીભર્યા સમાચાર હતા. કારણ કે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સ્વયં કોર્ટમાં જુબાની આપવા આવ્યાં હતાં. આ સમયગાળા દરમિયાન જજે તેમને કોઈ ખાસ ટ્રીટમેન્ટ આપી ન હતી. જો કે, તેમના માટે ખુરશી ચોક્કસપણે મૂકવામાં આવી હતી.
12 જૂન 1975નો દિવસ ઈતિહાસમાં નોંધાયેલો દિવસ હતો. એ દિવસે સવારે જસ્ટિસ સિંહાની કોર્ટ ખીચોખીચ ભરેલી હતી. ચુકાદા દરમિયાન કે પછી તાળીઓ ન પાડવાની સૂચનાઓ પર ધ્યાન આપવામાં આવ્યું હતું. નિર્ણય 258 પાનાનો હતો. રાયબરેલીમાંથી ઈન્દિરા ગાંધીની ચૂંટણી બે મુદ્દા પર ગેરકાયદે અને રદબાતલ જાહેર કરવામાં આવી હતી. યશપાલ કપૂર સરકારી નોકરીમાં હતા ત્યારે ચૂંટણીમાં તેમની સેવાઓ લેવાનો આરોપ સાચો હોવાનું જાણવા મળ્યું હતું. હાઈકોર્ટનો ચુકાદો સહન નહીં કરી શકેલા ઈન્દિરા ગાંધીએ આ નિર્ણય બાદ દેશમાં કટોકટી લાદી દીધી હતી.
આ પણ વાંચોઃ છેલ્લા ૧૦ વર્ષથી ઉદ્યોગો પર કોઈ દબાણ કરતું નથી: સાંભળો એરસેલના સ્થાપકની વ્યથા