વિજયા એકાદશી ક્યારે? 16 કે 17: તારીખ અંગે મુંઝવણ
દર વર્ષે વિજયા એકાદશી મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં ઉજવવામાં આવે છે. આ વખતે વિજયા એકાદશીની તારીખને લઇને કન્ફ્યુઝનની સ્થિતિ છે. ક્યાંક એકાદશીનું વ્રત 16 ફેબ્રુઆરીએ મનાવાશે, તો ક્યાંક તે 17 ફેબ્રુઆરીએ મનાવાશે. પદ્મ પુરાણમાં જણાવાયુ છે કે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં વિજય મળે છે અને તમામ પાપ નષ્ટ થઇ જાય છે. આ વ્રત કરવાથી યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. શત્રુઓ આપણી સામે ટકી શકતા નથી. આ વ્રતનો પ્રભાવ હારને જીતમાં બદલી શકે છે.
ક્યારે છે એકાદશી?
જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ એકાદશી તિથિનો પ્રારંભ 16 ફેબ્રુઆરીએ સવારે 5.33 વાગ્યાથી થશે અને તેનો અંત 17 ફેબ્રુઆરીએ રાતે 2.50 વાગ્યે થશે. આવા સંજોગોમાં દશમની તિથિનો ક્ષય થઇ રહ્યો છે. ઉદયા તિથિને માનતા એકાદશીનું વ્રત 16 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. ગૃહસ્થ અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો માટે 16 ફેબ્રુઆરીએ વ્રત કરવુ ઉત્તમ રહેશે.
શું છે વિજયા એકાદશીના વ્રતનું મહત્ત્વ
ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને આ વ્રતનું મહત્ત્વ જણાવતા કહ્યુ હતુ કે વિજય પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરવામાં આવે છે. ભગવાન રામે લંકા પર વિજય પ્રાપ્ત કરવા માટે વિજયા એકાદશીનું વ્રત રાખ્યુ હતુ. આ કારણે રાવણ સામેના યુદ્ધમાં શ્રી રામને વિજય સાંપડ્યો હતો. આ એકાદશીના વ્રતમાં ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પુજા અર્ચના કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને દરેક કષ્ટ દુર થાય છે. આ વ્રત જીવનની નકારાત્મકતાને ખતમ કરે છે. જીવનમાં સકારાત્મકતા લાવે છે.