સંકટ ચોથનું શું છે મહત્ત્વ ? જાણો ચંદ્રોદયનું મુહૂર્ત
- સંકટ ચોથ પર ગણેશજીની ઉપાસનાથી તમામ સંકટ દુર થઈ જાય છે. આ પર્વ પર માતા પોતાના સંતાનના લાંબા આયુષ્ય માટે અને પરિવારની સુખ સમૃદ્ધિની કામના માટે ઉપવાસ કરે છે.
સંકટ ચોથને સંકષ્ટી ચતુર્થી પણ કહેવાય છે. આ વ્રત ભગવાન ગણેશને સમર્પિત છે. આ વ્રતમાં ચંદ્રમાને અર્ઘ્ય આપવાનું પણ વિશેષ મહત્ત્વ છે. આ વ્રત કરવાથી વિધ્નહર્તા ગણેશ સંતાનના તમામ સંકટોને દુર કરે છે. દર વર્ષે પોષ વદમાં આવતી ચતુર્થી તિથિના દિવસે સંકટ ચોથનું વ્રત કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાન નિરોગી દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધિથી પરિપૂર્ણ રહે છે. સંકટ ચોથ પર ગણેશજીની ઉપાસનાથી તમામ સંકટ દુર થઈ જાય છે. આ પર્વ પર માતા પોતાના સંતાનના લાંબા આયુષ્ય માટે અને પરિવારની સુખ સમૃદ્ધિની કામના માટે ઉપવાસ કરે છે. એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાન પર આવનારા સંકટ દૂર થાય છે. સંકટ ચોથનું વ્રત 29 જાન્યુઆરી, 2024ના રોજ રાખવામાં આવશે.
મુહૂર્ત
- ચતુર્થી તિથિ આરંભ
જાન્યુઆરી 29, 2024 સવારે 6.10
- ચતુર્થી તિથિ સમાપ્ત
જાન્યુઆરી 30, 2024 સવારે 8.54 વાગ્યે
- ચંદ્રોદય સમયઃ 9.10 રાતે (દેશના અલગ અલગ રાજ્યોમાં થોડો તફાવત)
પૂજા વિધિ
સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણપતિના આશીર્વાદ મેળવવા માટે સૂર્યોદય પહેલા વહેલી સવારે ઉઠીને સ્નાન કરી ઉપવાસ કરવાનો સંકલ્પ કરો. આ દિવસે લાલ રંગના કપડા પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વચ્છ વસ્ત્રો પહેર્યા પછી ગણપતિની પૂજા શરૂ કરો. ગણપતિની પૂજા કરતી વખતે વ્યક્તિએ પોતાનું મુખ પૂર્વ કે ઉત્તર તરફ રાખવું જોઈએ. ગણપતિની મૂર્તિને ફૂલોથી સારી રીતે શણગારો. પૂજા દરમિયાન તલ, ગોળ, લાડુ, ફૂલ, તાંબાના કલશમાં પાણી, ધૂપ, ચંદન અને કેળા અથવા નારિયેળ પ્રસાદ તરીકે રાખો.
ગણપતિની પૂજા દરમિયાન દેવી દુર્ગાની મૂર્તિ પાસે રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગણપતિને કુમકુમ ચઢાવો, ફૂલ અને જળ ચઢાવો. સંકષ્ટીના દિવસે ભગવાન ગણેશને તલના લાડુ અને મોદક અર્પણ કરો. ગણપતિના મંત્રનો જાપ કરો. વ્રત રાખનારાઓએ પૂજા પછી ફળ, મગફળી, ખીર, દૂધ કે સાબુદાણા જ ખાવા જોઈએ. સાંજે ચંદ્ર ઉગતા પહેલા, ગણપતિની પૂજા કરો અને સંકષ્ટી વ્રત કથાનો પાઠ કરો.
આ પણ વાંચોઃ શુદ્ધ સોનાના તારથી બની રામ લલ્લાની ધોતી, પાંચ વર્ષના બાળકનો આવો છે શણગાર