છત્તીસગઢના નાયબ મુખ્યપ્રધાને પીએમ મોદીના વખાણ કરતાં તર્કવિતર્ક
- કોંગ્રેસના નાયબ મુખ્યપ્રધાન ટીએસ સિંગદેવે શું કહ્યું?
- સિંગદેવના નિવેદનથી વડાપ્રધાન મોદી ઇમોશનલ થયા, બે હાથ જોડીને કોંગ્રેસના નાયબ મુખ્યપ્રધાનના નિવેદનને આવકાર્યું
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શુક્રવારે રાજકીય વાતાવરણમાં એકાએક ગરમાવો આવી ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લોકાર્પણ અને ઉદ્દઘાટન માટે છત્તીસગઢ પહોંચ્યા હતા અને કાર્યક્રમ દરમિયાન રાજ્યના કોંગ્રેસના નાયબ મુખ્યપ્રધાન ટીએસ સિંગદેવે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના વખાણ કરતાં થોડી ક્ષણ માટે આખી સભામાં સન્નાટો થઈ ગયો હતો અને પછી તરત જ તમામ લોકોએ કોંગ્રેસના નાયબ મુખ્યપ્રધાનના નિવેદનને તાળીઓના ભારે ગડગડાટથી વધાવી લીધું હતું.
સિંગદેવના નિવેદનથી વડાપ્રધાન પણ દેખીતી રીતે ઇમોશનલ થયા હતો અને તેમણે બે હાથ જોડીને નમસ્કાર કરીને કોંગ્રેસના નાયબ મુખ્યપ્રધાનના નિવેદનને આવકાર્યું હતું.
વાસ્તવમાં, કેન્દ્ર સરકાર દ્વારા છત્તીસગઢમાં હજારો કરોડો રૂપિયાની વિવિધ યોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ માટેનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પ્રોટોકોલ રૂપે મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે હાજર રહેવું જોઇએ, પરંતુ તેમના બદલે તેમણે નાયબ મુખ્યપ્રધાન સિંગદેવને મોકલ્યા હતા.
સિંગદેવે તેમના પ્રવચનમાં કેન્દ્રની મોદી સરકારના વખાણ કરતાં કહ્યું કે, કેન્દ્ર સરકારે છત્તીસગઢ સાથે ભેદભાવ કર્યો હોય એવું મને ક્યારેય લાગ્યું નથી.
નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, છત્તીસગઢ તરફથી જ્યારે પણ કેન્દ્ર સરકાર પાસે કોઈ રજૂઆત કરવામાં આવે અથવા માગણી મૂકવામાં આવે ત્યારે મોદી સરકારે સંપૂર્ણ હકારાત્મક પ્રતિભાવ આપીને હંમેશાં મદદ કરી છે.
એક તરફ કોંગ્રેસના ટોચના નેતૃત્વ સહિત કોંગ્રેસના જ વિવિધ મુખ્યપ્રધાનો દ્વારા નરેન્દ્ર મોદીની દિવસ-રાત ટીકા કરવામાં આવતી હોય છે એવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં એક જ મંચ પરથી છત્તીસગઢના નાયબ મુખ્યપ્રધાને મોદી સરકારના વખાણ કરતા રાજકીય તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા હતા કેમ કે દેશના અન્ય રાજ્યોની સાથે છત્તીસગઢમાં પણ ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે.
આ પણ વાંચો: લોકસભા પહેલાં 3 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી, જાણો સર્વેમાં કોની બની રહી છે સરકાર?