- મુંબઈમાં અમિત શાહના હસ્તે આશા ભોંસલેની ફોટો બાયોગ્રાફીનું વિમોચન કરવામાં આવ્યું
- આશા ભોંસલેએ અભી ન જાઓ છોડકર ઉપરાંત કેટલાંક ગુજરાતી ગીત પણ ગાયાં
મુંબઈ, 6 માર્ચ, 2024: સુપ્રસિદ્ધ પીઢ ગાયિકા આશા ભોંસલે અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ વચ્ચે આજે મુંબઈમાં મુલાકાત યોજાઈ હતી. વાસ્તવમાં આશાતાઈની ફોટો બાયોગ્રાફીનું વિમોચન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. એ દરમિયાન જૂજ લોકોની ઉપસ્થિતિમાં આ મુલાકાત થઈ હતી.
ઈન્ડિયા ટીવીના અહેવાલ અનુસાર આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે વિવિધ મુદ્દે વાતચીત થઈ હતી. આ અનૌપચારિક મુલાકાત દરમિયાન આશા ભોંસલેએ પોતાના કેટલાક સુપ્રસિદ્ધ ગાયનોની પંક્તિઓનું ગાન પણ કર્યું હતું.
મુંબઈના સહ્યાદ્રી અતિથિ ગૃહમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના મુંબઈ શહેર અધ્યક્ષ આશીષ શેલાર તથા આશા ભોંસલેના પરિવારના સભ્યો હાજર હતા. જ્યાં અમિત શાહના હસ્તે “બેસ્ટ ઑફ આશા” નાને ફોટો બાયોગ્રાફીનું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર ગૌતમ રાજ્યાધ્યક્ષ દ્વારા આશાતાઈની પાડવામાં આવેલી તસવીરોમાંથી પસંદગીની તસવીરો લેવામાં આવી છે.
આ વિશેષ કાર્યક્રમ દરમિયાન આશા ભોંસલેએ દેવ આનંદની ફિલ્મ ‘હમ દોનોં’નું ખૂબ લોકપ્રિય ગીત ‘અભી ન જાઓ છોડકર’ ગાયું હતું. આ ઉપરાંત તેમણે કેટલાક ગુજરાતી ગીતો પણ આ પ્રસંગે અમિત શાહની ઉપસ્થિતિમાં ગાયાં હતાં.
જે ફોટો બાયોગ્રાફી પ્રકાશિત થઈ તેમાં આશાતાઈની ખૂબ વિશિષ્ટ 42 તસવીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ VIDEO: PM મોદીએ દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોમાં વિદ્યાર્થીઓ સાથે સફરની મજા માણી