વોટ્સએપે એડ કર્યું મહત્ત્વનું ફીચર, હવે તારીખ પ્રમાણે વર્ષો જૂના મેસેજ સર્ચ કરી શકાશે
- જો તમે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે. Metaએ તેના કરોડો યુઝર્સ માટે ઉપયોગી ફીચર એડ કર્યું છે
HD ન્યૂઝ ડેસ્ક, 2 માર્ચ: જો તમારી પાસે સ્માર્ટફોન હશે તો તેમાં ચોક્કસપણે વોટ્સએપ એપ્લિકેશન હશે જ. WhatsApp આજે સૌથી મોટું મેસેજિંગ પ્લેટફોર્મ બની ગયું છે. વિશ્વભરમાં 200 કરોડથી વધુ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. વોટ્સએપ માત્ર ચેટિંગ જ નથી કરતું પરંતુ વોઈસ કોલિંગ, વીડિયો કોલિંગ, ગ્રુપ ચેટિંગ જેવી ઘણી મહત્વપૂર્ણ સેવાઓ પણ પૂરી પાડે છે. તેના સરળ ઇન્ટરફેસને કારણે મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરે છે.
WhatsApp તેના લાખો યુઝર્સની સુવિધા માટે સમયાંતરે નવા ફીચર્સ અને અપડેટ્સ લાવતુ જ રહે છે. હવે વોટ્સએપે તેના પ્લેટફોર્મમાં યુઝર્સને એક ખૂબ જ મહત્વપૂર્ણ ફીચર આપ્યું છે. અત્યાર સુધી વોટ્સએપ પર જૂના મેસેજ સર્ચ કરવાએમાં બહુ સમય પસાર થઈ જતો હતો, પરંતુ હવે કંપનીએ આ કામ ખૂબ જ સરળ કરી દીધું છે.
કંપનીએ નવું ફીચર એડ કર્યું
વોટ્સએપે તેના એન્ડ્રોઇડ અને iOS યુઝર્સને જૂના મેસેજ સર્ચ કરવા માટે ‘સર્ચ બાય ડેટ’ ફીચર આપ્યું છે. આ ફીચરની મદદથી તમે વર્ષો જૂના મેસેજને પણ તરત જ સર્ચ કરી શકો છો. જો કે, આ ફીચર વાપરવા માટે તમે મોકલેલા મેસેજની તારીખ યાદ રાખવી પડશે. જો તમને તે મેસેજની આસપાસની તારીખ યાદ હોય તો પણ સરળતાથી મેસેજ સર્ચ કરી શકાય છે.
કેવી રીતે કામ કરે છે આ ફીચર?
વોટ્સએપે ગયા વર્ષે નવેમ્બરમાં આ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. વોટ્સએપનું આ ફીચર સૌથી પહેલા બીટા વર્ઝન 2.2348.50 પર જોવા મળ્યું હતું. જો તમે આ ફીચરની મદદથી કોઈ મેસેજને સર્ચ કરવા માંગો છો, તો તમારે તે વ્યક્તિ કે કોઈ ગ્રુપના ચેટ બોક્સમાં જવું પડશે અને પછી સર્ચ બાર પર ક્લિક કરવું પડશે. તમને સર્ચ આઇકોનમાં જ કેલેન્ડરનો વિકલ્પ મળશે. તમે કૅલેન્ડરમાં તારીખ પસંદ કરીને સરળતાથી મેસેજ સર્ચ કરી શકશો. સૌથી સારી વાત તો એ છે કે તમે આ ફીચરને વોટ્સએપ વેબમાં પણ વાપરી શકો છો.
આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ યુઝર્સ માટે આવી વિશેષ સુવિધા, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો