Whatsappને સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો : પ્રાઈવસી પોલિસી અંગેની અરજીઓ ફગાવી
Whatsappને સુપ્રીમ તરફથી ઝટકો લાગ્યો છે. કોર્ટે કહ્યું છે કે નવી પ્રાઈવસી પોલિસી અંગે CCI એટલે કે Competition Commission of India ની તપાસ ચાલુ રહેશે. આ નિર્દેશ બાદ WhatsApp અને તેની પેરેન્ટ કંપની Meta (Facebook)ને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. બંનેએ પોલિસીની માન્યતા અંગે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ સુનાવણીને ટાંકીને CCI દ્વારા આદેશ પસાર કરવા પર સ્ટે માંગ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે આવો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો : ફેસબુક પર અચાનક ઘટી ગયા ફોલોઅર્સ, માર્ક ઝકરબર્ગના કરોડોમાંથી માત્ર 9900 થઈ ગયા
સુપ્રીમ કોર્ટે અરજીઓ ફગાવી
સુપ્રીમ કોર્ટે અરજીઓને ફગાવી દેતા કહ્યું હતું કે, CCI પોતે એક સ્વતંત્ર સંસ્થા છે, જો તે કોમ્પિટિશન એક્ટના ઉલ્લંઘનની તપાસ કરી રહી છે તો આ તપાસને રોકી શકાય નહીં. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે વ્હોટ્સએપ અને ફેસબુકની અરજીઓને ફગાવી દેતા પ્રાઈવસી પોલિસી પર CCIની તપાસ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. આ આદેશ સામે વ્હોટ્સએપ અને ફેસબુકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
મેટાના વકીલ દલીલ કરે છે
આજે સુનાવણી દરમિયાન વકીલ કપિલ સિબ્બલ META વતી હાજર થયા હતા. કપિલ સિબ્બલે કહ્યું હતું કે, ‘વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીની માન્યતાનો મુદ્દો સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સમક્ષ પેન્ડિંગ છે. હવે બંધારણીય બેંચ જાન્યુઆરીમાં સુનાવણી કરવાની છે. ત્યારબાદ ડેટા પ્રોટેક્શન બિલ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં CCIએ હાલ પૂરતો અંતિમ આદેશ આપવાથી બચવું જોઈએ.’
CCIની તપાસ પર કોઈ સ્ટે નહીં
CCIની તપાસ પર તેના પર સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ એમ.આર.શાહે કહ્યું હતું કે,”CCI પોતાનામાં એક સ્વતંત્ર સંસ્થા છે. તેમની ક્રિયાને આ રીતે રોકી શકાય નહીં.” સિબ્બલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ તપાસ અટકાવવા માંગતા નથી. બસ એટલું જ ઈચ્છીએ છીએ કે પંચ હવે અંતિમ આદેશ ન આપે. જોકે, જસ્ટિસ એમ.આર શાહે આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, “સીસીઆઈની તપાસનું પરિણામ શું આવશે તે અમને ખબર નથી.” સુનાવણી દરમિયાન CCI વતી એ.એસ.જી. એન વેંકટરામને કહ્યું હતું કે,”સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ સુનાવણીને સીસીઆઈની તપાસ સાથે કોઈ લેવાદેવા નથી.”
WhatsAppની નવી પ્રાઈવસી પોલિસીમાં, વપરાશકર્તાઓ ફેસબુક અને તેની અન્ય કંપનીઓ સાથે ડેટા શેર કરી શકે છે. CCI માને છે કે આવા ડેટા ફેસબુકને અન્ય કંપનીઓ પર ગેરવ્યાજબી ધાર આપશે અને તેને સ્પર્ધામાં આગળ રાખશે. CCI હવે આ અંગે તપાસ કરી રહી છે.