ફરજ દરમિયાન અગ્નિવીરનું મૃત્યુ થાય તો પરિવારને શું મળે? શું છે અગ્નિપથ યોજનાના નિયમો?
નવી દિલ્હી, 12 ઑક્ટોબર, 2024: તાજેતરમાં બે દુર્ઘટના દરમિયાન ઓછામાં ઓછા બે અગ્નિવીરનાં મૃત્યુ થયાં છે અને એક ઘાયલ થયો છે. આ ઘટનાઓ મહારાષ્ટ્ર અને રાજસ્થાનની છે જ્યાં તાલીમ માટેનાં શસ્ત્રોમાં જ વિસ્ફોટ થઈ જતાં તાલીમી અગ્નિવીરોએ જીવ ગુમાવ્યા. જોકે, અગ્નિપથ યોજના બનાવતી વખતે આવાં તમામ જોખમને ધ્યાનમાં રાખવામાં આવ્યાં હતાં અને તે અનુસાર વળતરની જોગવાઈ કરવામાં આવેલી છે. ‘અગ્નિપથ યોજના‘ વર્ષ 2022 માં શરૂ કરવામાં આવી હતી જેના હેઠળ યુવાનોની 4 વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવે છે, તેમને સૈન્ય તાલીમ આપવામાં આવે છે અને તે સૈનિકોને ‘અગ્નિવીર‘ કહેવામાં આવે છે. ચાલો જાણીએ કે જો કોઈ અગ્નિવીર ફરજ દરમિયાન જીવ ગુમાવે તો તેના પરિવારને વળતર તરીકે શું મળે છે?
બે દિવસ પહેલાં મહારાષ્ટ્રના નાસિક સ્થિત સૈન્ય છાવણીમાં એક મોટી દુર્ઘટના થઈ. અહીં નિયમિત તાલીમ દરમિયાન કેટલાક સૈનિકો ગોળીબારની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. પણ એ દરમિયાન અચાનક વિસ્ફોટ થયો. આ અકસ્માતમાં બે અગ્નિવીર સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. ભારતીય સૈન્ય દ્વારા કોર્ટ ઑફ ઈન્કવાયરીનો આદેશ પણ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓ વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક રાજકારણીઓએ બંને જવાનોને શહીદનો દરજ્જો આપવો જોઈએ અને તેમના પરિવારજનોને તેનો લાભ મળવો જોઈએ તેવી માંગ પણ કરી છે.
ભારતીય સૈન્યની સલાહ સ્વીકારી લઈને ભારત સરકારે દેશની ભાવી સૈન્ય જરૂરિયાતોને ધ્યાનાં રાખીને વર્ષ 2022 માં ભારતીય સેનામાં સૈનિકોની ભરતી માટે એક નવી યોજના શરૂ કરી હતી, જેનું નામ ‘અગ્નિપથ યોજના’ છે. આ યોજના હેઠળ સશસ્ત્ર દળોમાં સૈનિકોની ભરતી માટેની વય મર્યાદા 17.5 થી 21 વર્ષ નક્કી કરવામાં આવી છે. અત્યાર સુધી આ અગ્નિપથ યોજના દ્વારા ભારતીય સેના, વાયુદળ અને નૌકાદળમાં હજારો સૈનિકોની ભરતી કરવામાં આવી છે.
અગ્નિવીરોને કેટલો પગાર મળે છે?
અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા સૈનિકો એટલે કે અગ્નિવીરને તેમની નોકરીના પ્રથમ વર્ષમાં દર મહિને 30 હજાર રૂપિયાનો પગાર મળે છે, જેમાંથી તેમને 21 હજાર રૂપિયા હાથમાં આવે છે અને પગારના 30 ટકા એટલે કે 9 હજાર રૂપિયા કપાય છે. કપાતી એ રકમને સેવા ભંડોળ તરીકે સાચવી રાખવામાં આવે છે. અગ્નિવીરના પગારમાં દર વર્ષે 10 ટકાનો વધારો કરવામાં આવે છે અને તેમાંથી 30 ટકા સેવા નિધિ ફંડ તરીકે કાપવામાં આવે છે.
જ્યારે તેમની સેવાનો સમયગાળો પૂરો થાય છે, ત્યારે તેમના પગારમાંથી નોકરીના પ્રથમ મહિનાથી છેલ્લા મહિના સુધીના સર્વિસ ફંડ તરીકે કાપવામાં આવેલા પૈસા તેમને ઉમેરીને આપવામાં આવે છે જેમાં સરકાર પણ બમણી રકમ ઉમેરે છે. એટલે કે અગ્નિવીરને 4 વર્ષની સેવા પછી લગભગ 10 લાખ રૂપિયા એકસાથે મળે છે.
જો તે ફરજ પર મૃત્યુ પામે તો પરિવારને શું મળે છે?
જો કોઈ અગ્નિવીર ફરજ પર મૃત્યુ પામે તો તેના પરિવારના સભ્યોને સરકાર દ્વારા વળતર આપવામાં આવે છે. સેનાની વેબસાઈટ અનુસાર ફરજ પરના સમયે અગ્નિવીરનું મૃત્યુ થાય તો તેના પરિવારને 48 લાખ રૂપિયાનું વીમા કવચ, 44 લાખ રૂપિયાની વધારાની એક્સ-ગ્રેશિયા રકમ, 4 વર્ષના બાકીના સમયગાળા માટેનો સંપૂર્ણ પગાર આપવામાં આવે છે.
અગ્નિવીર ફરજ પર હોય ત્યારે અપંગ થઈ જાય તો તેમને શું મળે છે?
જો અગ્નવીર સૈનિક ફરજ પર વિકલાંગ બને તો તેને અપંગતાના આધારે રકમ આપવામાં આવે છે. જો અગ્નવીર 100 ટકા વિકલાંગ બનશે તો તેને 44 લાખ રૂપિયા મળશે. એ જ રીતે જો અગ્નવીર 75 ટકા વિકલાંગ બને તો તેને 25 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવે છે અને 50 ટકા અપંગતાના કિસ્સામાં તેને 15 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવે છે. આ સિવાય તેમને 4 વર્ષનો પૂરો પગાર, સેવા નિધિ ફંડમાં જમા રકમ અને સરકાર તરફથી યોગદાન પણ મળે છે.
આ પણ વાંચોઃ ‘આપણી કોઈ સાથે દુશ્મની નથી, આપણે યુદ્ધ…’રાજનાથ સિંહે દશેરા પર કરી શસ્ત્ર પૂજા, જૂઓ વીડિયો