વર્ષોથી તંબુમાં રહેલી રામલલાની જૂની મૂર્તિનું શું થશે? ક્યાં રાખવામાં આવશે?
અયોધ્યા, 17 જાન્યુઆરી: ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં વૈદિક મંત્રોના જાપ સાથે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની વિધિનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલાં આજે જ રામલલા પોતાના નવનિર્મિત રામ મંદિરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આજે રામલલાની મૂર્તિને રામજન્મભૂમિ સંકુલની યાત્રા પર લઈ જવામાં આવશે અને આવતીકાલે એટલે કે 18 જાન્યુઆરીએ રામલલાને ગર્ભગૃહમાં પ્રવેશ કરશે. રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે નવી મૂર્તિ બનાવવામાં આવી છે, જેમાં 5 વર્ષના બાળકનું રૂપ જોવા મળે છે. હવે સવાલ એ થાય છે કે જ્યારે રામલાલની નવી મૂર્તિ ગર્ભગૃહમાં મૂકવામાં આવશે તો વર્ષોથી તંબુમાં રહેલી રામલાલની મૂર્તિનું શું થશે.
18 જાન્યુઆરીએ રામલલાની નવી મૂર્તિને ગર્ભગૃહમાં લઈ જવામાં આવશે
હાલની મૂર્તિની જગ્યાએ મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની નવી મૂર્તિને અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવી છે. ટેમ્પલ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તાજેતરમાં આ માહિતી આપી હતી. 18 જાન્યુઆરીએ શ્રી રામ જન્મભૂમિ તીર્થના ગર્ભગૃહમાં નવી મૂર્તિને સ્થાપિત કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવનાર છે. ચંપત રાયના જણાવ્યા અનુસાર, 22મી જાન્યુઆરીએ અયોધ્યા ધામમાં શ્રી રામલલાના નવા ભવ્ય મંદિરમાં તેમની પૂજાનો કાર્યક્રમ અને પૂજા વિધિ 16મી જાન્યુઆરીથી ચાલી રહી છે, જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે તે મૂર્તિને 18 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં લઈ જવામાં આવશે અને તેને તેના સ્થાને બિરાજમાન કરાશે.
રામલલાની જૂની મૂર્તિ ક્યાં રાખવામાં આવશે?
રામલલાની વર્ષો જૂની મૂર્તિ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી કે તે જૂનિ મૂર્તિનું શું કરશે, કયાં રાખશે અને કેવી રીતે તેની પૂજા કરશે? પરંતુ હાલની મૂર્તિ પણ નવા મંદિરમાં જ રાખવામાં આવશે તે નિશ્ચિત છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું છે કે રામલલાની હાલની મૂર્તિને પણ નવા મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે. ચંપત રાયને રામલલાની હાલની મૂર્તિને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ત્યારે જ તેમણે તેનો જવાબ આપ્યો હતો. રામલલાની હાલની મૂર્તિ 1950 થી ત્યાં જ તંબુંમાં છે અને તેને નવા મંદિરના ગર્ભગૃહમાં પણ રાખવામાં આવશે.
આ પણ વાંચો: પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અભેદ્ય કિલ્લામાં પરિવર્તિત થયું અયોધ્યા