અજિત પવાર અને તેમના સહયોગીઓ સામે ભ્રષ્ટાચારના કેસમાં હવે શું થશે?
બે જૂલાઇએ મહારાષ્ટ્રમાં એક નાટકીય રાજકીય ઘટનાક્રમ હેઠળ અજીત પવાર સહિત એનસીપીના નવ ધારાસબ્ય બીજેપી-શિવસેના (શિંદે) પક્ષની સરકારમાં સામેલ થઇ ગયા. રસપ્રદા બાબત તે છે કે, બીજેપીએ અજિત પવાર સહિત તે તમામ ધારાસભ્યો પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. પરંતુ અજિત પવાર હવે રાજ્યના ઉપમુખ્યમંત્રી બની ગયા છે, સાથે જ તેમને અન્ય ધારાસભ્યોને પણ મંત્રી બનાવડાવ્યા છે.
જોકે, આમાંથી કેટલાક નેતાઓના પાછળ તપાસ એજન્સીઓ લાગેલી હતી. શરદ પવારના હાથ છોડીને સરકારમાં સામેલ થયેલા આ નેતાઓ પર શું-શું આરોપ લાગી રહ્યાં હતા, તેના ઉપર આપણે એક નજર કરી લઇએ.
અજિત પવાર પર ક્યાં-ક્યા કેસ હતા
અજિત પવાર હવે એકનાથ શિંદેની સરકારમાં ઉપમુખ્યમંત્રી છે. તેમના પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવનારા અને અજિત દાદા ચક્કી પીસિંગ જેવા નિવેદન આપનારા દેવેન્દ્ર ફડણવીસ, તેમના સમાન જ ઉપમુખ્યમંત્રીના રૂપમાં સરકારમાં સામેલ છે. બીજેપી તરફથી તેમના પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા, જ્યારે ખાંડની મિલોમાં ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા કેસોની તપાસમાં ઈડીનો પંજો તેમના પર કસાવવા લાગ્યો હતો.
પાછલા વર્ષ માર્ચ મહિનામાં ઇન્કમટેક્સ વિભાગે ઉપમુખ્યમંત્રી અજિત પવારના સંબંધીઓના ઘરે દરોડા પાડ્યા હતા. તેટલું જ નહીં ઇન્કમટેક્સ વિભાગે કેટલીક સંપત્તિઓ પણ જપ્ત કરી હતી.
અજિત પવાર સાથે સંબંધિત જરંદેશ્વર ખાંડ મિલ પર જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં અજિત પવાર પર બીજેપી નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યા હતા. સોમૈયાએ કહ્યું કે, અજિત પવારનું નાણાકીય વ્યાપાર અદ્દભૂત છે. કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યા હતા કે બિલ્ડરો પાસે તેમના અને તેમના સંબંધીઓના ખાતામાં 100 કરોડથી વધારેની બેનામી સંપત્તિ છે.
રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરોએ સિંચાઈ કૌભાંડ કેસમાં અજિત પવારને ક્લીનચીટ આપી હતી.પરંતુ, મે 2020 માં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વિદર્ભ સિંચાઈ કૌભાંડ કેસમાં નવી તપાસ શરૂ કરી.
અજિત પવારની સાથે-સાથે તેમના પુત્ર હતા નિશાના પર
આ બધાની સાથે જ આવકવેરા વિભાગે અજિત પવારના પુત્ર પાર્થ પવારની કંપની પર પણ દરોડા પાડ્યા હતા.
આવકવેરા વિભાગે દાવો કર્યો હતો કે અજિત પવારના સંબંધીઓ પરના આ દરોડામાં 184 કરોડ રૂપિયાના બેનામી નાણાકીય વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા હતા. એપ્રિલ, 2023માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, રાજ્ય સહકારી બેંક કૌભાંડની બાબતમાં ઈડીએ અજિત પવાર અને સુનેત્રા પવાર સાથે જોડાયેલી એક કંપની વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કર્યો.
પરંતુ આમાં અજિત પવાર અને સુનેત્રા પવારનું નામ સામેલ કરવામાં આવ્યું નહીં. તે પછીથી જ એનસીપીમાં બળવાની ચર્ચા શરૂ થઇ ગઇ હતી. આ સમાચારના સામે આવ્યા પછી અજિત પવારે સાર્વજનિક રીતે પોતાની સ્પષ્ટતા પણ કરી હતી.
છગન ભુજબલને બે વર્ષ સુધી નહતા મળ્યા જામીન
2014થી તપાસ એજન્સીઓ છગન ભુજબળ પર સકંજો કસતી આવી છે. માર્ચ 2016માં મહારાષ્ટ્ર સદનના બાંધકામમાં કથિત ઉચાપત અને બિનહિસાબી સંપત્તિના સંચય માટે નવી દિલ્હીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેને મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તેને આગામી બે વર્ષ સુધી જામીન મળ્યા નહતા.
જોકે સપ્ટેમ્બર 2021માં છગન ભુજબળને મહારાષ્ટ્ર હાઉસની કથિત ઉચાપતના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.બોમ્બે સેશન્સ કોર્ટે છગન ભુજબળ સહિત છ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે એન્ટી કરપ્શન બ્યુરોએ મહારાષ્ટ્ર સદનના કથિત ઉચાપત કેસમાં ભુજબળ અને તેમના પરિવાર વિરુદ્ધ પુરાવા હોવાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો-ખાલિસ્તાન સમર્થકોનો 6 મહિનામાં બીજી વખત ભારતીય દૂતાવાસ પર હુમલો, અમેરિકાએ નિંદા કરી
આ કેસ ઉપરાંત છગન ભુજબળ અને તેમની સાથે સંકળાયેલા લોકો સામે અલગ-અલગ કેસ નોંધાયેલા છે અને તેમની સુનાવણી બાકી છે. ઈન્ડિયન એક્સપ્રેસ અખબારના અહેવાલ મુજબ, ઈડીએ તેમની સામે મની લોન્ડરિંગનો આરોપ લગાવતા અલગ કેસ પણ નોંધ્યો હતો.
આ વર્ષે જાન્યુઆરીમાં એક સામાજિક કાર્યકર્તાએ 2021ના કોર્ટના આદેશ સામે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જેની સુનાવણી બાકી છે. મુંબઈ યુનિવર્સિટીને લગતા ભ્રષ્ટાચારના કેસમાં ભુજબળ સામે એન્ટી કરપ્શન બ્યુરોનો કેસ સ્પેશિયલ કોર્ટમાં પેન્ડિંગ છે.
હસન મુશ્રીફ
જાન્યુઆરી 2023માં EDએ કોલ્હાપુરમાં NCP નેતા હસન મુશરફના નિવાસસ્થાન અને ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા.
ધારાસભ્ય હસન મુશ્રીફ પર કોલ્હાપુરના કાગલમાં ગેરકાયદેસર રીતે સુગર ફેક્ટરી ચલાવવાનો આરોપ હતો. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે હસન મુશ્રીફના જમાઈ અને મુશ્રીફે પોતે આ ફેક્ટરી દ્વારા 100 કરોડનું કૌભાંડ કર્યું છે.
માર્ચ 2023માં હસન મુશ્રીફ અને તેમના CAને ED દ્વારા પૂછપરછ માટે ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. ધ ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, મુશ્રીફની ધરપકડ પૂર્વેની જામીન અરજી એપ્રિલમાં વિશેષ અદાલતે ફગાવી દીધી હતી.
આ પછી તેણે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો. કોર્ટે તેમને વચગાળાની રાહત આપી હતી, જેની સમયમર્યાદા ગયા સપ્તાહે 11 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી હતી. તેમના ત્રણ પુત્રોની ધરપકડ પૂર્વ જામીન માટેની અપીલ વિશેષ અદાલતમાં પેન્ડિંગ છે.
અદિતિ તટકરે
અદિતિ તટકરે એનસીપી નેતા સુનીલ તટકરેની પુત્રી છે. અહેવાલો અનુસાર, એન્ટી કરપ્શન બ્યુરો સિંચાઈ કૌભાંડમાં અજિત પવારની સાથે સુનીલ તટકરેની તપાસ કરી રહી હતી. 2017માં એસીબી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તટકરેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે તે સમયે તેનો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
અધિકારીઓએ કહ્યું હતું કે આ પછી અલગ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. આ કેસમાં EDએ 2022માં તટકરે વિરુદ્ધ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
ધનંજય મુંડે
2021માં એક મહિલાએ ધનંજય મુંડે સામે બળાત્કારનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ પછી તેણે આ ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.
પ્રફુલ પટેલ
પ્રફુલ્લ પટેલે 2 જુલાઈએ શપથ લીધા ન હતા, પરંતુ તેઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. પ્રફુલ્લ પટેલ યુપીએ સરકાર દરમિયાન કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હતા. એવિએશન લોબીસ્ટ દીપક તલવાર તેમના મંત્રીપદ દરમિયાન 2008-09માં વિદેશી એરલાઈન્સને મદદ કરતા હતા.
તેમણે ત્રણ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ માટે કેટલાક ઉચ્ચ કમાણી કરનાર હવાઈ માર્ગો સુરક્ષિત કર્યા. તેના માટે દીપક તલવારને 272 કરોડ રૂપિયા મળ્યા હતા. જેના કારણે એર ઈન્ડિયાને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
EDએ આરોપ લગાવ્યો હતો કે પ્રફુલ પટેલ કેન્દ્રીય મંત્રી હતા ત્યારે આ તમામ વ્યવહારો થયા હતા. આ સાથે ED 70,000 કરોડ રૂપિયાના 111 એરક્રાફ્ટની ખરીદી અને એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના મર્જરની તપાસ કરી રહી હતી.
આ કેસમાં ઇડીએ જૂન 2019માં પ્રફુલ પટેલને નોટિસ પાઠવી હતી. તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. શિંદે સાથે ગયેલા શિવસેનાના ધારાસભ્યો પણ તપાસ એજન્સીઓની તપાસ હેઠળ હતા.
2022માં જ્યારે એકનાથ શિંદેએ મહાવિકાસ આઘાડીમાંથી બહાર નીકળવા માટે બળવો કર્યો હતો, ત્યારે આવા ધારાસભ્યો પણ તેમની સાથે સામેલ હતા, જેમના પર તપાસ એજન્સીઓ કડક હાથે લાગી હતી.
તપાસ એજન્સીઓના છળકપટથી બચવા શિંદે સાથે ગયેલા નેતાઓ પર એક નજર
પ્રતાપ સરનાઈક
નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (NSCL)ના કથિત કૌભાંડના સંબંધમાં સરનાઈક EDના રડાર પર હતા. તેમની સંપત્તિ ED દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં આસ્થા ગ્રૂપે વિહંગ આસ્થા હાઉસિંગમાં 21.74 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
EDએ દાવો કર્યો હતો કે વિહંગ એન્ટરપ્રાઈઝ અને વિહંગ ઈમ્ફ્રાને 11.35 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ બંને કંપનીઓનું નિયંત્રણ પ્રતાપ સરનાઈક પાસે છે. EDની કાર્યવાહી બાદ સરનાયકે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો.
જેમાં સરનાઈકે કહ્યું હતું કે, ‘જો કોંગ્રેસ-રાષ્ટ્રવાદીઓ પોતાના જ કાર્યકરોને તોડી રહ્યા છે અને સત્તામાં રહીને પોતાની પાર્ટીને નબળી બનાવી રહ્યા છે, તો એ મારો અંગત મત છે કે આપણે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવવો જોઈએ.’
યામિની જાધવ
શિવસેનાના ધારાસભ્ય યામિની જાધવના પતિ યશવંત જાધવ મુંબઈ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ હતા. યશવંત જાધવ પણ નાણાકીય કૌભાંડ કેસમાં EDના રડાર પર છે. થોડા મહિના પહેલા આવકવેરા વિભાગે જાધવ પર દરોડા પાડ્યા હતા. જેમાં 40 મિલકતો જપ્ત કરવામાં આવી હતી. આ પછી, ઇડીએ જાધવને મની લોન્ડરિંગ કેસમાં તપાસ માટે નોટિસ જારી કરી.
જો કે, ઈન્ડિયા ટુડેના એક સમાચાર અનુસાર, ફરિયાદ બાદ યશવંત જાધવ વિરુદ્ધ હજુ સુધી એફઆઈઆર નોંધવામાં આવી નથી.
ભાવના ગવળી
શિવસેનાના સાંસદ ભાવના ગવળીએ શિંદે જૂથને સમર્થન આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, “પાર્ટી કાર્યકર્તાઓ તમને હિંદુત્વના મુદ્દે નિર્ણય લેવા વિનંતી કરી રહ્યા છે.”
ભાવના ગવલી પણ EDના રડાર પર હતી, તેને EDએ પૂછપરછ માટે બોલાવી હતી. ગવળીના મહિલા ઉત્કર્ષ પ્રતિષ્ઠાન ટ્રસ્ટમાં ગેરરીતિઓના સંબંધમાં EDએ નવેમ્બર 2022માં ચાર્જશીટ દાખલ કરી હતી.
ભાવના ગવળીનો નજીકનો સંબંધી સઈદ ખાન આ કથિત ઉચાપત કેસમાં EDની કસ્ટડીમાં હતો. જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા. EDએ તેમની રૂ. 3.5 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી હતી.
EDના દાવા મુજબ, મહિલા ઉત્કર્ષ પ્રતિષ્ઠાન ટ્રસ્ટને એક કંપનીમાં ફેરવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું જેથી ટ્રસ્ટમાંથી પૈસા ઉપાડવામાં આવે.
શિંદે સાથે ગયેલા નેતાઓની તપાસ કથિત રીતે અટકી ગઇ હોવાનું કહીએ તો પણ ખોટું ગણાશે નહીં, તેવામાં આગામી સમયમાં અજિત પવાર સાથે ગયેલા અન્ય નેતાઓ વિરૂદ્ધ ચાલી રહેલી તપાસ પણ આગામી દિવસોમાં ગોકળગતિએ આગળ વધશે તેવી શક્યતા દેખાઇ રહી છે. સરકારમાં આવેલા તમામ નેતાઓ પોતાની કામગીરીથી સરકારને ખુશ કરવામાં સફળ રહે તો કદાચ તેમને તેમના આરોપોમાંથી છૂટકારા જેવી સાબાશી પણ મળી શકે છે.
આ પણ વાંચો- મોદી કેબિનેટમાં જોવા મળશે મહારાષ્ટ્રની અસર, આ નેતાઓ મંત્રી બની શકે