ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ઈરાની પ્રમુખના નિધનથી ભારત સાથેના સંબંધો પર શું અસર થશે? જાણો

  • હેલિકોપ્ટર દુર્ઘટનામાં પ્રમુખ ઇબ્રાહિમ રઇસીનું દુઃખદ અવસાન એ ચોક્કસપણે ભારત માટે એક ઊંડો આંચકો

નવી દિલ્હી, 20 મે: ભારત અને ઈરાન મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક, વેપાર અને ઊર્જાના ભાગીદાર છે. ત્યારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં પ્રમુખ ઇબ્રાહિમ રઇસીનું દુઃખદ અવસાન એ ચોક્કસપણે ભારત માટે એક ઊંડો આંચકો છે. રઇસીનું ભારત પ્રત્યેનું વલણ તદ્દન હકારાત્મક હતું. તેઓ પીએમ મોદીના સારા મિત્ર પણ હતા. ત્યારે ઈરાન હેલિકોપ્ટર દુર્ઘટનામાં પ્રમુખ ઇબ્રાહીમ રઇસીનાં નિધન પર પીએમ નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે અને લખ્યું છે કે, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના પ્રમુખ ડૉ. સૈયદ ઇબ્રાહિમ રઇસીના દુ:ખદ અવસાનથી ખૂબ જ આઘાત લાગ્યો છે. ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના. આ દુ:ખની ઘડીમાં ભારત ઈરાનની સાથે છે.”

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીના મૃત્યુ બાદ ભારત પણ ઘણું દુઃખી છે. ઈરાન હંમેશા ભારતનું મજબૂત વ્યૂહાત્મક અને ઊર્જા ભાગીદાર રહ્યું છે. ઇબ્રાહિમ રઇસી આ વર્ષે ભારત આવવાના હતા. તે પહેલા તેમણે ભારત સાથે ચાબહાર પોર્ટ માટે મોટા કરાર પર હસ્તાક્ષર કરીને તેમની મિત્રતાને એક નવું સ્તર આપ્યું હતું.

સ્વતંત્ર અને સાર્વભૌમ નીતિને અનુસરવાનો પડકાર

જો આ મૃત્યુને વૈશ્વિક સંદર્ભમાં જોઈએ તો ઈઝરાયેલ સાથે સંઘર્ષ ચાલી રહ્યો હતો અને અમેરિકા ઈરાન પર સતત નવા પ્રતિબંધો લાદી રહ્યું હતું. આવી સ્થિતિમાં, નવા પ્રમુખ કોણ આવશે, તેઓ તેમના પરમાણુ કાર્યક્રમ કેવી રીતે ચલાવે છે અથવા અમેરિકા પ્રત્યે તેમનું વલણ કેવું છે અથવા તેઓ સ્વતંત્ર અને સાર્વભૌમ નીતિ ચલાવી શકશે કે કોઈ દબાણનો ભાગ બનશે તેના પર ઘણું નિર્ભર છે. . તે હવે આવતા 6 મહિનામાં ખબર પડશે. ઈરાન માટે આ મુશ્કેલ સમય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યૂહાત્મક પ્રતિનિધિઓએ પણ આવા સમયે ઈરાન સામે કોઈ કડક નિર્ણય ન લેવાનું ધ્યાન રાખવું જોઈએ.

ઈરાનમાં આગામી 50 દિવસમાં યોજાશે ચૂંટણી 

Ebrahim Raisi

ઈરાનના બંધારણ મુજબ, પ્રમુખ ઈબ્રાહિમ રઇસીના મૃત્યુ થતાં હવે આગામી 50 દિવસમાં ચૂંટણી યોજવી પડશે. હવે નવા પ્રમુખ પર ઘણું નિર્ભર રહેશે કે તેઓ કેવી રીતે ભારત-ઈરાનના સંબંધોને આગળ વધારી શકે છે તેમજ પડકારરૂપ વૈશ્વિક સંજોગોમાં તેમની વિદેશ નીતિને આગળ ધપાવી શકે છે. પરંતુ એ નિશ્ચિત છે કે, આવા સમયે રઇસીના જવાથી હમાસનું ઈઝરાયેલ સાથેનું યુદ્ધ નબળું પડશે. આનાથી રશિયા-યુક્રેન યુદ્ધ પર પણ આંશિક અસર પડી શકે છે, કારણ કે ઈરાન રશિયાનો મોટો વ્યૂહાત્મક ભાગીદાર અને સારો મિત્ર હતો. તે જ સમયે, ઇઝરાયેલ સાથે યુદ્ધ લડી રહેલા હમાસ અને હિઝબોલ્લાહ સહિતના અન્ય સંગઠનોને ઇરાનનો પીઠબળ હતો, તે પણ હવે નબળો પડી જશે.

JNUના આસિસ્ટન્ટ પ્રોફેસરે શું કહ્યું?

યુનિવર્સિટી ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ (JNU)ના સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના ડિપ્લોમસીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. અભિષેક શ્રીવાસ્તવે કહ્યું કે, ઈરાન અને ભારત વચ્ચેના સંબંધો હંમેશા સારા રહ્યા છે. એટલા માટે અમેરિકી પ્રતિબંધો છતાં ભારતે ઈરાન સાથે તેની વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારી ચાલુ રાખી. આ દર્શાવે છે કે ઈરાન આ ક્ષેત્રમાં ભારત માટે માત્ર એક વ્યૂહાત્મક ભાગીદાર નથી, પણ એક સારો મિત્ર પણ છે. રઇસીએ ભારત સાથેના સંબંધોને ખૂબ જ મજબૂત રીતે આગળ ધપાવ્યા. જ્યારે બે દેશો લાંબા સમયથી સારા સંબંધો ધરાવે છે, ત્યારે ઘણા પરસ્પર હિતો તેમજ વિવિધ આર્થિક, વેપાર અને વૈશ્વિક સંજોગો અને ઘટનાઓ હોય છે જે તે સંબંધોને આગળ ધપાવે છે. તેથી ભારત અને ઈરાન વચ્ચેનો આ સંબંધ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

Ebrahim Raisi
Ebrahim Raisi Death

પ્રો. અભિષેક શ્રીવાસ્તવે વધુમાં કહ્યું કે, તાજેતરમાં ભારતે ચાબહાર પોર્ટ પર ઈરાન સાથે મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ચાબહાર પોર્ટનું સંચાલન હવે ઓછામાં ઓછા આગામી 10 વર્ષ સુધી ભારત પાસે રહેશે. ઇબ્રાહિમ રઇસીએ ભારત સાથે આ ડીલને પૂર્ણ કરવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેથી ભારત પણ આ સંકટની ઘડીમાં દરેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઈરાનની સાથે ઉભું રહેશે. ચાબહાર મેળવવું ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું. આ માત્ર યુરેશિયા અને ઈસ્ટર્ન યુરોપનો માર્ગ જ નથી, પરંતુ તેના દ્વારા ભારત મધ્ય પૂર્વ અને યુરોપના માર્ગની પણ શોધ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ચાબહાર કરાર ભારત માટે એક મોટી ઉપલબ્ધિ છે, જે ભારત અને ઈરાનના મજબૂત સંબંધોના કારણે જ શક્ય બન્યું છે.

ઈરાન ભારતનું મજબૂત સાથી બની રહેશે

પ્રો. અભિષેકે કહ્યું કે, પ્રમુખ રઇસીના નિધન છતાં ઈરાન ભારતનું મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અને ઊર્જા ભાગીદાર રહેશે, કારણ કે બંને દેશોને એકબીજાની સખત જરૂર છે. બંનેના પોતાના પરસ્પર હિતો છે. હવે જે પણ ઈરાનના આગામી પ્રમુખ બનશે તેને અનેક પડકારોનો સામનો કરવો પડશે. ભારત અને રશિયા જેવા મિત્રો સાથે તેના સંબંધોને આગળ વધારવાની સાથે અમેરિકા, ઈઝરાયેલ જેવા દેશો સમક્ષ તેનો પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખવાનો અને તેની સ્વતંત્ર વિદેશ નીતિને આગળ વધારવાનો પડકાર રહેશે. ભારતની સંપૂર્ણ સહાનુભૂતિ આ સમયે ઈરાન સાથે છે. જોકે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંબંધો ખરાબ હતા. અમેરિકા પણ ઈરાન પર વિવિધ પ્રતિબંધો અને ચેતવણીઓ દ્વારા સતત દબાણ બનાવી રહ્યું હતું. આવા સમયે રઇસીનું જવું ઈરાન માટે મોટી ખોટ છે. ભારત ઈરાન સાથે પોતાના સંબંધો ચાલુ રાખશે. ભારતની ઉર્જા અને વ્યૂહાત્મક જરૂરિયાતોને પહોંચી વળવામાં ઈરાન અમારી વિદેશ નીતિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. સાઉદી અરેબિયા અને મધ્ય પૂર્વના અન્ય દેશોનું રાજકારણ કઈ દિશામાં વળે છે તેના પર પણ ઘણું નિર્ભર રહેશે. ઈરાન હવે અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કેવી રીતે હેન્ડલ કરશે? આ પણ કંઈક જોવા જેવું હશે.

આ પણ જુઓ: કોણ છે મોહમ્મદ મોખબર? ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું સંભાળશે પદ

Back to top button