20 મે, અમદાવાદ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ચેન્નાઈ સુપર કિંગ્સની હાર થતાં જ ધોનીની ટીમ IPL 2024ની પ્લેઓફ્સની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. આ પરિણામ સાથે જ હવે મહેન્દ્ર સિંહ ધોનીનું શું થશે તેની અટકળો પણ તેજીમાં આવી ગઈ છે. ધોની અંગે CSK જે કોઈ પણ નિર્ણય લેશે તે તેણે તરત લેવો પડશે એ તો પાક્કું છે. ચાલો જાણીએ આમ થવા પાછળના કારણો કયા કયા હોઈ શકે.
જ્યારે બેંગલુરુ સામેની મેચ પૂરી થઇ ત્યારે ધોની CSKના અન્ય ખેલાડીઓની જેમ રોકાયો ન હતો, તે સવારની વહેલી ફ્લાઈટ પકડીને પરિવાર સાથે રાંચી જતો રહ્યો હતો. આથી હવે પોતાનું તાત્કાલિક ભવિષ્ય શું રહેશે તે બાબતે CSK ટીમ મેનેજમેન્ટ સાથે તેની કોઈજ ચર્ચા નથી થઇ તે સ્પષ્ટ છે.
પરંતુ ધોની અને CSK મેનેજમેન્ટ આ બંનેએ નિર્ણય તો તરત લેવો પડશે અને એવું કેમ એ માટેનું એક કારણ પણ છે. BCCI બહુ જલ્દીથી આ વર્ષના અંત અથવા તો આવતા વર્ષની શરૂઆતમાં થનારા મેગા ઓક્શન અંગેની તૈયારી શરુ કરી દેશે. આમ થવાથી રેટેઈન્શનની પ્રક્રિયા પણ જાહેર કરવામાં આવશે. જો CSKને ધોનીને રીટેઇન કરવો હશે તો તેને આખી સિઝનની ફી આપીને રીટેઇન કરવો પડશે. જે જરા અઘરું લાગે છે.
કારણકે, CSKના કોચ સ્ટિફન ફ્લેમિંગે ખુદ સ્વીકાર્યું છે કે આ વર્ષે ધોની પગનાં સ્નાયુઓના દુઃખાવા સાથે આખી સિઝન રમ્યો છે, આથી આવતા વર્ષે તેની હાલત કેવી હશે તેની કલ્પના થઇ શકે છે. વળી ધોની પોતાની આ ઈજાને કારણે ઉપરના ક્રમે આવીને બેટિંગ પણ નથી કરી રહ્યો. આમ થવાથી ટીમને ઘણું નુકસાન થયું છે. આવામાં ધોનીને ફરીથી CSK પોતાની ટીમમાં પૂર્ણ સમયના ખેલાડી તરીકે કરોડો રૂપિયા આપીને લે તે જરા અશક્ય લાગે છે.
વળી, એવા સમાચાર પણ છે કે ઇન્ડિયા સિમેન્ટ્સ જે ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક છે તેની યોજના આગામી IPL અગાઉ CSKને એક સ્વતંત્ર કંપની બનાવી દેવાની છે. જો આમ થશે તો CSKને સંભાળવાની જવાબદારી ધોની પર આવી જશે એ સ્પષ્ટ છે અને આથી ધોની આવતા વર્ષે IPL નહીં રમે એ પણ કન્ફર્મ થાય છે.
ધોનીનું શું થશે એનો સ્પષ્ટ સંકેત CSKના પૂર્વ ઓપનીંગ બેટ્સમેન અને હાલમાં IPLમાં કોમેન્ટ્રી કરી રહેલા મેથ્યુ હેડને આપ્યો છે. હેડનનું કહેવું છે કે ધોની આવતે વર્ષે IPLમાં નહીં રમે પરંતુ તે CSKનો મેન્ટર જરૂર બનશે.