ગુજરાતટોપ ન્યૂઝ

ચિરીપાલ ગ્રુપના 50 સ્થળો પર દરોડામાં શું-શું મળી આવ્યું ?

Text To Speech

ગુજરાતમાં બુધવારે સવારે જાણીતાં એવા ચિરીપાલ ગ્રુપના અમદાવાદ, સુરત, મુંબઈ અને હૈદરાબાદના એકમો પર આવકવેરાની સુરત કચેરી દ્વારા બુધવારે દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરોડામાં અંદાજે 10 કરોડની બિનહિસાબી રોકડ મળી આવી છે. અધિકારિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ રોકડની ગણતરી હજી ચાલી રહી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, આવકવેરા વિભાગે બુધવારે વહેલી સવારથી અમદાવાદ અને સુરતમાં ચિરીપાલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કંપનીઓ ઉપરાંત સહભાગી કંપનીઓ તથા ગ્રુપના ચેરમેન વેદપ્રકાશ ચિરીપાલ, જ્યોતિપ્રકાશ ચિરીપાલ, બ્રીજમોહન ચિરીપાલ, વેદપ્રકાશ ચિરીપાલના પુત્ર વિશાલ ચિરીપાલ અને રોનક ચિરીપાલના ઘરે પણ દરોડા પાડયા હતા. જ્યાંથી મોટીમાત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયાની પણ માહિતી મળી રહી છે.

કેટલી જગ્યા પર પડ્યા દરોડા ?

આ દરોડામાં આઇટીના 150થી વધુ અધિકારીઓએ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. આઇટી અધિકારીઓ સહિત એસઆરપી બંદોબસ્ત સાથે શિવરંજની ચાર રસ્તા પાસે રજિસ્ટર્ડ ઓફિસ ચિરીપાલ હાઉસ અને બીજી તાજેતરમાં નવી બનાવેલી બોપલની શાંતિ કોર્પોરેટ ઓફિસમાં દરોડા પાડયા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ, સુરત, મુંબઈ અને હૈદરાબાદના ચિરીપાલ ગ્રુપના એકમો, ઓફિસો અને રહેઠાણ મળીને કુલ 50 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ લોકોના બેન્ક લોકર પણ સીલ કરવામાં આવ્યા છે. જેની પણ અધિકારીઓ તપાસ કરી શકે છે.

અમદાવાદના બદલે સુરત ઇન્કેમટેકસ વિભાગની ટીમે અમદાવાદમાં ચિરીપાલ ગ્રુપની ફેકટરીઓમાં દરોડા પાડયા હતા. સુરતની સાથે રાજકોટ અને વડોદરાના કેટલાક અધિકારીઓ જુદા જુદા વાહનોમાં એક દિવસ પહેલા જ અમદાવાદ આવી ગયા હતા. સર્ચ ઓપરેશનની માહિતી અત્યંત ખાનગી રાખવામા આવી હતી.

કોનું છે ચિરીપાલ ગ્રુપ ?

ચિરીપાલ ગ્રુપના ચેરમેન વેદપ્રકાશ ચિરિપાલ અને તેમની કંપનીઓ દ્વારા ન્યુ ક્લોથ માર્કેટના કેટલાક વેપારીઓને કરોડો રૂપિયાનું ફંડ આપાયા હોવાની પણ માહિતી છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સેવા સમિતિને પણ મોટી રકમનું દાન આપીને પોતાનું વર્ચસ્વ ઉભુ કર્યુ છે. ગુરુકુલ રોડ પર આવેલા મહારાજા અગ્રસેન સ્કૂલમાં ટ્રસ્ટી છે. જ્યારે જયોતિપ્રકાશ ચિરીપાલ ચેરમેન છે. આ સાથે ચિરીપાલ ગ્રુપ દ્વારા કરોડો રુપિયા દાનના ચેકો આપ્યા હોવાની આઇટીને માહિતી મળી હતી. આ લોકોના બેન્કના ટ્રાન્ઝેક્શનની માહિતી પણ ભેગી કરવામાં આવી રહી છે.

Back to top button