ગુજરાતના વર્તમાન 26 સાંસદોએ પાંચ વર્ષમાં શું કામગીરી કરી, જુઓ તેમનું રીપોર્ટ કાર્ડ

અમદાવાદ, 2 માર્ચ 2024, દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાયો છે. રાજકીય પક્ષો દ્વારા લોકોને રિઝવવા માટે હવે અનેક પ્રકારના કાવાદાવા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ભાજપની એડવાન્સ તૈયારી પણ જબરદસ્ત રીતે થઈ રહી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં બે વખત ક્લિન સ્વિપ કરનાર ભાજપે આ વખતે હેટ્રીક કરવા કમરકસી છે. તાજેતરમાં દિલ્હીમાં મળેલી ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચાઓ થઈ હતી. જેમાં ગુજરાતના 26 સાંસદોમાંથી કેટલા સાંસદોની ટિકિટ કપાય છે એ તો સમય બતાવશે પણ આ 26 સાંસદોએ સંસદમાં શું કામ કર્યું એનો એક રીપોર્ટ અહીં રજૂ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના સાંસદ અમિત શાહ કેબિનેટ મંત્રી હોવાથી તેમની કોઈ વિગત વેબસાઈટ પર દર્શાવવામાં આવતી નથી.
મોટાભાગના સાંસદોએ સંસદમાં 70 ટકાથી વધુ હાજરી આપી
ગુજરાતના 26 સાંસદોમાંથી મોટાભાગના સાંસદોએ સંસદમાં 70 ટકાથી વધુ હાજરી આપી છે. કેટલાક સાંસદોએ સૌથી વધુ પ્રશ્નો પૂછ્યા તો કેટલાક સાંસદોએ સંસદમાં સવાલ જ નથી કર્યો. પોતાના મત વિસ્તારમાં થતી કામગીરી અંગે આ સાંસદોએ સંસદમાં કંઈ જાણવા કે કહેવાની તસ્દી જ નથી લીધી. વલસાડના સાંસદ કે.સી. પટેલે સંસદમાં પાંચ વર્ષમાં 88 ટકા હાજરી આપી છે પણ એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. એવી જ રીતે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ 89 ટકા હાજરી આપી છે પણ માત્ર 6 જ પ્રશ્નો પૂછ્યાં છે. જ્યારે પોરબંદરના સાંસદ રમેશ ધડૂકે 76 ટકા હાજરી આપીને માત્ર 36 જ સવાલો કર્યાં છે. ખેડાના દેવુસિંહ ચૌહાણે 84 ટકા હાજરી આપીને 88 પ્રશ્નો પૂછ્યા છે. બારડોલીના પરભુભાઈ વસાવાએ 81 ટકા હાજરી સાથે માત્ર 99 સવાલો જ કર્યા છે.
મહિલા સાંસદોની હાજરી અને સવાલો સૌથી વધુ
બીજી તરફ ગુજરાતના મહિલા સાંસદોની વાત કરીએ તો તેમની હાજરી અને સવાલો બંનેનો આંકડો સૌથી ઉપર છે. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે 77 ટકા હાજરીમાં 339 સવાલો પૂછ્યા છે. જામનગરના પૂનમબેન માડમે 85 ટકા હાજરી સાથે 289 સવાલો કર્યા છે. વડોદરાના રંજનબેન ભટ્ટે 88 ટકા હાજરી સાથે 271 સવાલો કર્યા છે. મહિલા સાંસદોમાં સુરતના દર્શનાબેન જરદોશે 89 ટકા હાજરીમાં માત્ર 64 સવાલો જ કર્યા છે. જ્યારે છોટા ઉદેપુરના ગીતાબેન રાઠવાએ 95 ટકા હાજરી આપીને 190 સવાલો કર્યા છે. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે 95 ટકા હાજરી સાથે 215 સવાલો કર્યા છે.
સૌથી વધુ સવાલો અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ કર્યા
તે ઉપરાંત સંસદમાં પોતાના મતવિસ્તારની કામગીરીને લઈને સૌથી વધુ સવાલો અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ કર્યા છે. તેમણે 89 ટકા હાજરી આપીને 471 પ્રશ્નો પૂછ્યા છે. તે ઉપરાંત બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે 93 ટકા હાજરી સાથે 360 સવાલો કર્યા છે. સાબરકાંઠાના દિપસિંહ રાઠોડે 94 ટકા હાજરી સાથે 243 અને રાજકોટના સાંસદ મોહન કૂંડારિયાએ 87 ટકા હાજરી સાથે 380 સવાલો કર્યા છે. રાજ્યના આ સાંસદોએ છેલ્લા પાંચ વર્ષમાં કરેલી કામગીરીનો આ રીપોર્ટ છે. પોતાના મતવિસ્તારમાં શું કામ થયું અને કયું કામ બાકી રહી ગયું છે તે જાણવામાં કેટલાક સાંસદોને રસ જ ના હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃગુજરાતના લોકસભાના ઉત્સુક ઉમેદવારોએ દિલ્હીથી લઈ ગાંધીનગર સુધીની કવાયત તેજ કરી