કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

લમ્પી સ્કીન ડીસીઝથી પશુઓને બચાવવા શું તકેદારીઓ રાખવી ? માર્ગદર્શિકા બહાર પડાઈ

Text To Speech

સમગ્ર રાજ્યમાં પશુઓમાં પ્રવર્તી રહેલા ‘લમ્પી સ્કીન ડીસીઝ’ સામે પશુપાલન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. આ રોગચાળો પશુઓમાં ફેલાતો અટકાવવા માટે સારવાર અને રસીકરણ સહિતની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે અમરેલી જિલ્લામાં નાયબ પશુપાલન નિયામક દ્વારા ‘લમ્પી સ્કીન ડીસીઝ’ના સંક્રમણને અટકાવવા માટે અને અસરગ્રસ્ત પશુઓની સંભાળ લેવા માટે શું કરવું અને શું ન કરવું જોઈએ તે વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વધુમાં આ રોગના લક્ષણો વિશે માહિતી મળી રહે તે માટે એક માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. પશુપાલકો આ માર્ગદર્શિકાને અનુસરી અને અને પોતાનાં પશુઓને સુરક્ષિત રાખી શકે છે.

શું છે ઘાતક વાયરસના લક્ષણો ?

‘લમ્પી સ્કીન ડીસીઝ’ના લક્ષણોની ચર્ચા કરવામાં આવે તો પશુઓને સામાન્ય તાવ આવવો, આંખ-નાકમાંથી પ્રવાહી આવવા, મોઢામાંથી લાળ ટપકવી, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલા પડવા, દૂધના ઉત્પાદનમાં ઘટાડો થવો, ખાવાનું બંધ થવું અથવા ખાવામાં તકલીફ, ગાભણ પશુ તરવાઈ જાય, ક્યારેક પશુનું મૃત્યું થવું. પશુમાં આ તમામ લક્ષણો અથવા આ પૈકીના લક્ષણો જોવા મળે તો ‘લમ્પી સ્કીન ડીસીઝ’ની અસર હોઈ શકે છે.

પશુઓને બચાવવા શું કરવું જોઈએ ?

લમ્પી વાયરસના સંક્રમણને અટકાવવા માટે પશુપાલકોએ પશુ ખાવાનું બંધ કરે એટલે તુરંત નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો અને દસ ગામ દીઠ ફાળવાયેલ વાન ૧૯૬૨નો સંપર્ક કરવો, રોગગ્રસ્ત પશુઓની સમયસર સારવાર કરાવવી, બીમાર પશુઓને અન્ય તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ સ્થળે રાખવા, રોગગ્રસ્ત પશુઓને તેમની જગ્યા પર ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરવી, પશુઓના રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી, દવાઓના ઉપયોગથી માખી-મચ્છર અને ઇતરડીનો ઉપદ્રવ અટકાવવો, સાંજના સમયે પશુ રહેઠાણની જગ્યાએ લીમડાનો ધુમાડો કરી માખી, મચ્છરનો ઉપદ્રવ અટકાવવો, ‘લમ્પી સ્કીન ડીસીઝ’ માટે રસીકરણ કરવા જ્યારે પશુપાલન ટીમ આવે ત્યારે પશુને રસીકરણ અવશ્ય કરાવી લેવું.

પશુપાલકોએ શું ન કરવું જોઈએ ?

લમ્પી વાયરસથી બચવા માટે બિમાર પશુઓને ચરિયાણામાં તથા બહાર હેરફેર માટે છુટું કરવું નહી, રોગગ્રસ્ત વિસ્તારમાંથી કોઈ પણ પશુને ગામમાં પ્રવેશવા દેવું નહીં, રોગગ્રસ્ત પશુઓની ખરીદી/વેચાણ કરવું નહીં, રોગગ્રસ્ત પશુઓ સાથે તંદુરસ્ત પશુઓ સીધા સંપર્કમાં ન આવે તેની કાળજી રાખવી, રોગગ્રસ્ત પશુઓને આપેલા ઘાસચારા અને પાણીમાંથી વધારાનો ઘાસચારો અને પાણી તુંદુરસ્ત પશુઓને આપવો નહીં.

Back to top button