આ તે કેવી માનસિકતા, ઝૂલતા પુલની દુર્ઘટનામાં મુખ્ય આરોપી જયસુખ પટેલના સમર્થનમાં સોશ્યિલ મીડિયા ટીમ એક્ટિવ
30 ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને તેના આરોપીઓની હજી તો માંડ ધરપકડ માંડ થઈ છે ત્યાં તો હવે કોર્ટની સુનાવણી પહેલા પીડિત પરિવારોના ઘા હજુ રૂઝાયા નથી એવામાં મોરબીના લોકો જયસુખ પટેલના સમર્થનમાં અવાજ ઉઠાવાતા જોવા મળી રહ્યા છે.
બુધવારે જ મોરબી સેશન્સ કોર્ટ દ્વારા મુખ્ય આરોપી જયસુખ પટેલના 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ આપ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં જયસુખ પટેલના સમર્થનમાં એક કેમ્પેઈન શરૂ થયું છે જેમાં ‘I Support જયસુખભાઈ પટેલ અને તેમના પરિવાર અંગેની માહિતીઓ લખવામાં આવી છે. જેને ફરી પાછું સમાજિક વિચારધારા સાથે જોડવામાં આવ્યું છે.
હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પોસ્ટરમાં લખ્યું છે કે, ‘I Support જયસુખભાઈ પટેલ. ઓ.આર.પટેલ કે જેમને મોરબીના ભમાશા તરીકે ઓળખવામાં આવે છે તેમના પરીવારની વિચારધારા હંમેશાના માટે સેવાની રહી છે. જેમના દીકરા જયસુખભાઇ પટેલનો પણ સામાજીક પ્રવૃતિઓમાં સિંહ ફાળો રહ્યો છે. આવા ઉચ્ચત્તમ વિચારો વાળા 10-15 રૂપિયાની ટિકિટમાં કોઈ દિવસ ખોટુ ના કરે, બાકી તો એક્સિડેન્ટ તો હજારો થાય જ છે, તેનું દુઃખ સમાજ ના દરેક લોકો ને છે. આવો…આપણે સૌ સાથે મળીને જયસુખભાઇને સપોર્ટ કરીએ. હું મોરબીનો સમાજ સેવક છું.’
આ પણ વાંચો : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાઃ જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર
આ અંગેની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ ફોટો કોઈ મોરબીના વિવિધ વોટ્સેપ ગ્રુપમાં ફોરવર્ડ થઇ રહી છે. બાદમાં આવા પોસ્ટર લોકો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ પર શેર કરી રહ્યા છે. તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેમજ વોટ્સએપ પર ઘણાં લોકો સ્ટેટસમાં રાખી રહ્યા છે. જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જયસુખ પટેલની છાપને લોકોની સામે સુધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેના સ્પોર્ટમાં ઘણી પોસ્ટો પર લોકોએ સમાજિક આગેવાન તરીકે અને સમાજના ઉદ્ધાર કરનાર તરીકે જયસુખ પટેલની છાપ ઉભી કરવાની કોશિશ કરી છે.
હજી તો માંડ ગણાં દબાણ અને 135 મૃતકો પરિવારજનોની માંગ બાદ પોલીસની ચાર્જશીટમાં 27 જાન્યુઆરી સુધી જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું હતું. જેના બાદ કોર્ટ દ્વારા લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી અને જેના કારણે જયસુખ પટેલે તાત્કાલિક કોર્ટ સામે શરણાગતિ સ્વીકારી હતી. ત્યારે હવે જયસુખ પટેલને નિર્દોષ સાબિત કરવા માટે I Support જયસુખભાઈ પટેલ નું નવું કેમ્પઈન મોરબીમાં શરૂ થયું છે.
સોશિયલ મીડિયા પર લોકો એવો દાવો કરી રહ્યા છે કે, જેમને ઓરેવા જેવી કંપની શરૂ કરી અને હજારો લોકોને રોજગારી અને લાખો પરિવારની મદદ કરી તેવા પરિવારના લોકોએ શહેરના ભલા માટે આ પ્રકારની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત એક પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે ધર્મ કરતાં ધાડ પડી, માણસ 100 કામ સારા કરે 1 કામમાં થોડી ચૂક થઈ તો પણ લોકો આગળના કામ ભૂલી જાય છે.
આ પણ વાંચો : મોરબી બ્રિજ દુર્ઘટનામાં કથિત આરોપી જયસુખ પટેલ કોણ છે ?
હવે જોવાનું રહેશે આગામી દિવસમાં કોર્ટ દ્વારા જ્યારે મોરબી ઝૂલતાં પુલની સુનાવણી હાથ ધરવામાં આવે છે ત્યારે જયસુખ પટેલ સામે 135 લોકોના મોત કે પછી કેટલાંક લોકો નનામી લોકો દ્વારા શરૂ કરવામાં આવેલું I Support જયસુખભાઈ પટેલ કેટલું કારગર સાબિત થાય છે. તમારો અભિપ્રાય પણ ચોક્કસથી જણાવજો.